Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

રૈયા સ્માર્ટ સીટીમાં અદ્યતન હાઉસીંગ ટેકનોલોજી વાળી 'લાઇટ હાઉસ' આવાસ યોજના માટે ધમધમાટ

કેન્દ્ર સરકારના 'હાઉસીંગ ફોર ઓલ' વિભાગમાં એમડી અમૃત અભિજીતે 'લાઇટ હાઉસ' પ્રોજેકટનું સ્થળ નિરીક્ષણ કર્યુઃ મ્યુ. કમિશ્નર-ઉદીત અગ્રવાલ તથા ઓએસડી અલ્પના મિત્રાએ પ્રોજેકટની જાણકારી આપી

રાજકોટ, તા., ૨૧: ભારત સરકારશ્રી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સને-૨૦૨૨ સુધીમાં દેશમાં સૌને પાક્કા સુવિધાસભર આવાસો પુરા પડવાની નેમ ધરાવે છે. જે અંતર્ગત દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી એક સાથે વધુ પ્રમાણમાં આવાસોનું નિર્માણ કરવાનો કેન્દ્ર સરકારશ્રીઓ ધ્યેય છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત સમગ્ર દેશમાં ફકત ૬ શહેરોની પસંદગી કરવામાં આવેલ છે. પસંદગી પામેલ આ ૬ શહેરોમાં રાજકોટ શહેરનો પણ આ યોજના માટે કરવામાં આવેલ છે. નવી ટેકનોલોજીની મદદથી બનનાર હાઉસિંગ પ્રોજેકટ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરીયામાં સાઈટ નક્કી કરવામાં આવેલી છે. કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના જોઈન્ટ સેક્રેટરીશ્રી અને હાઉસિંગ ફોર ઓલના એમ.ડી. શ્રી અમૃત અભિજાતે લાઈટ હાઉસ પ્રોજેકટ માટેના સ્થળની મુલાકાત લીધી હતી. તેઓ આ સ્થળથી ખુબ જ પ્રભાવિત થયા હતાં. શ્રી અમૃત અભિજાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોપટપરા રેલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલી ટાઉનશીપ વિશે પણ વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી. તેમણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી ઇન્ટીગ્રેટેડ ટાઉનશીપની ખુબ જ પ્રશંસા કરી હતી અને આ આવાસ યોજનાઓ પર એક ડોકયુમેન્ટરી ફિલ્મ તૈયાર કરી કેન્દ્ર સરકારશ્રીને મોકલવા અનુરોધ કર્યો હતો.

આ પૂર્વે મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે એમ.ડી. અમૃત અભિજાત અને અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓનું સર્કિટ હાઉસ ખાતે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. સાઈટ વિઝિટ પૂર્વે કમિશનરશ્રીએ એમ.ડી.  અમૃત અભિજાતને નકશા સાથે લાઈટ હાઉસ પ્રોજેકટની વિસ્તૃત માહિતી આપી હતી અને ત્યારબાદ તેઓએ રૈયા સ્માર્ટ સિટી એરિયામાં સ્થિત આ સાઈટની મુલાકાત લીધી હતી. આ હાઉસિંગ પ્રોજેકટ રૈયાથી સાવ નજીક હોઈ લાઈટ, પાણી, ભૂગર્ભ ગટર, રસ્તા વગેરે સુવિધાઓ પણ હાઉસિંગ પ્રોજેકટનાં લાભાર્થીઓને ઝડપથી પ્રાપ્ત થનાર છે. આ ઉપરાંત આ હાઉસિંગ પ્રોજેકટમાં એક શોપિંગ સેન્ટર પણ તૈયાર થનાર હોઈ લાભાર્થીઓને દ્યરઆંગણે જ શોપિંગની સુવિધા પ્રાપ્ત થશે.

કેન્દ્ર સરકારશ્રી ના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત સમગ્ર કામગીરી MoUHA (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ) ના વડપણ હેઠળ CPWD (સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ) દ્વારા કરવામાં આવનાર છે. લાઈટ હાઉસ પ્રોજેકટ માટેની  ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશન હેઠળના કાર્યક્ષેત્ર હેઠળ કરવામાં આવનાર છે તથા રાજકોટ મહાનગરપાલિકા તરફથી નોડલ ઓફિસર તરીકે સીટી એન્જીનીયર (સ્પે.) અલ્પના મિત્રાની નિમણુક કરવામાં આવેલ છે.

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં ૩૨ માં ૪૫ મિ. રોડ પર આ પ્રોજેકટ સાકાર થવા જઈ રહેલ છે. જેમાં દરેક આવાસમાં ૨ રૂમ, રસોડું, સંડાસ-બાથરૂમ, વોશિંગ એરિયા મળીને પાર્કિંગમાં કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, ગાર્ડન, કોમ્યુનીટી હોલ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. કુલ રૂ. ૧૧૮ કરોડના ખર્ચે ૧૧૦૦ થી વધુ આવાસો બનનાર છે.

આ પ્રોજેકટની સાઈટ વિઝીટ માટે દિલ્હી ખાતેથી હાઉસિંગ ફોર ઓલ (HFA) ના MD તથા જોઈન્ટ સેક્રેટરી અમૃત અભિજાત તા. ૧૮ ના રોજ રાજકોટ ખાતે પધારેલ હતા. તેમનું કમિશનરશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવેલ. જોઈન્ટ સેક્રેટરીશ્રી તથા માન.કમિશનરશ્રી દ્વારા સર્કિટ હાઉસ ખાતે સમગ્ર પ્રોજેકટની સમીક્ષા કરવામાં આવેલ. માન. કમિશનર સાહેબે પ્રોજેકટ બાબતે વિગતવાર માહિતી આપ્યા બાદ જોઈન્ટ સાઈટ વિઝીટ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત તેઓએ મોરબી રોડ બાયપાસ પાસે પોપટપરા વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનેલ આવાસો અને આ વિસ્તારની ઉડતી મુલાકાત લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઇ રહેલ કામગીરી અંગે સંતોષ વ્યકત કરેલ હતો. તેઓની સાથે રાજકુમાર ગૌતમ, ડાયરેકટરશ્રી (MoHUA), અખિલેશ કેકરે (રીજીયોનેલ કોઓર્ડીનેટર), દિવ્યકુમાર ગર્ગ (અર્બન પ્લાનર PMAY) તેમજ AHM ગાંધીનગર તેમજ સીટી એન્જીનીયરશ્રી અલ્પના મિત્રાના તાબા હેઠળનો આવાસ યોજના (ટેકનીકલ) વિભાગનો સ્ટાફ હાજર રહેલ હતો તે મ્યુ. કમિશ્નરશ્રીની યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)