Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સ્માર્ટ ટ્રાફિક નિયમન...

ટ્રાફિક સિગ્નલો જાતે વાહનોની ગણતરી કરીને ચાલુબંધ થશે

કોર્પોરેશન દ્વારા 'સ્માર્ટ સીટી' અંતર્ગત ૩૦ એડપ્ટીવ ટ્રાફીક સિગ્નલો મુકાશેઃ ઝિબ્રાક્રોશીંગ પર રાહદારીઓ માટે 'પેડસ્ટલ બઝર' મૂકાશેઃ ૯૮ કરોડનાં ટ્રાફિક-પાર્કીંગના ટેન્ડર માટે ગુરૂવારે કોન્ટ્રાકટર એજન્સી નાના મૌવા અને કે.કે.વી. ચોક ખાતે લાઇવ ડેમો આપશે

રાજકોટ તા. રર :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટી પ્રોજેકટ હેઠળ શહેરમાં ટ્રાફીક-પાર્કીંગની સમસ્યા દુર કરવા ૩૦ સ્થળોએ સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ મુકવા સહિતનાં ૯૮ કરોડનાં પ્રોજેકટનું ટેન્ડર પ્રસિધ્ધ કરાયુ છે. જેનું લાઇવ ડેમોસ્ટ્રેશન ટેન્ડર ભરનાર કોન્ટ્રાકટર એજન્સી દ્વારા આગામી તા. રપ ને ગુરૂવારે નાના મૌવા ત્થા કે. કે. વી. ચોક ખાતે થશે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ વિસ્તૃત માહીતી આપતાં જણાવ્યું હતું કે સ્માર્ટ સીટી પ્રોજેકટશ હેઠળ કુલ ૯૮ કરોડનાં ખર્ચ સી. સી. ટી.વી.વાળા પાર્કિંગ ઝોન, ત્થા અંડર ગ્રાઉન્ડ વિજળી કેબલ, પાણીની પાઇપ લાઇન સહિતની સુવિધાઓનો જી. આઇ. એસ. નકશો તૈયાર કરવો અને અદ્યતન ટ્રાફીક સિગ્નલો મુકવાનું આયોજન છે.

કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું કે શહેરનાં ત્રિકોણ બાગ, હોસ્પીટલ ચોક, કે. કે. વી. ચોક, કોટેચા ચોક જેવા અત્યંત ટ્રાફીકથી વ્યસ્ત એવા ૩૦ સ્થળોએ જે અદ્યતન એડપ્ટીવ પ્રકારનાં સેન્શર વાળા ટ્રાફીક સિગ્નલો મુકવામાં આવનાર છે. તે ટ્રાફીક સિગ્નલો રસ્તા પરનાં વાહનોની જાતે જ ગણતરી કરી અને તે મુજબનો સમય ગોઠવી જાતે જ ચાલુ બંધ થશે જેથી ટ્રાફીક જામ નહી થાય. અને વાહન ચાલકોનો સમય પણ બચશે.

દા. ત. એક બાજુ ૩૦ વાહનો હોય તો તે બાજૂ (તેટલા વાહનો પસાર થાય ત્યાં સુધી ટ્રાફીક સિગ્નલ ખુલ્લો રહેશે અને બીજી તરફ ૧પ વાહનો હોય તો બાજુ ઓછો સમય સિગ્નલ ખુલ્લો રહેશે. આમ આ સ્માર્ટ ટ્રાફીક સિગ્નલો ટ્રાફીક જામ  દુર કરવામાં અત્યંત મદદરૂપ થશે.

આ ઉપરાંત ૩૦ સ્થળોએ પેડસ્ટલ બઝર મૂકાશે જેથી ઝિબ્રાક્રોશીંગ ઉપરથી પસાર થવા માટે રાહદારીઓ પેડસ્ટલ બઝર જાતે જ વગાડીને વાહન ચાલકોને ઉભા રખાવીને ઝિબ્રાક્રોશીંગ પરથી રસ્તો પાર કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.

આમ શહેરમાં ૯૮ કરોડનાં ખર્ચે એથી સ્માર્ટ - ટ્રાફીક પાર્કીંગ વ્યવસ્થા થવા જઇ રહી છે તેમ મ્યુ. કમિશ્નરે જાહેર કર્યુ હતું. (પ-ર૮)

ત્રિકોણબાગ ખાતે સોૈથી વધુ ૭૦ સેકન્ડ સુધી રસ્તો બંધ રહે છે

રાજકોટઃ ટ્રાફિક સિંગ્નલો કયાં સ્થળે કેટલી વખત સુધી રસ્તો બંધ રહે છે તેનાં સર્વેમાં સોૈથી વધુ વખત એટલે કે ૭૦ સેકન્ડ સુધી ત્રિકોણબાગનાં ટ્રાફિક સિંગ્નલો બંધ રહેતા હોવાનું ખુલ્યું છે. આં ઉપરાંત કે.કે.વી. ચોક ૪૫ સેકન્ડ, માધાપર ચોકડી,રૈયા ચોકડી-૬૦ સેકન્ડ, જામટાવર ચોક-૬૦ સેકન્ડ અને હોસ્પિટલ ચોક ખાતે ૬૦ સેકન્ડ એ મુજબ રસ્તાઓ બંધ રહે છે.(૧.૩૦)

(3:55 pm IST)