Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પોલીસની પરિક્ષા આપી ન શકતાં કુવાડવાના જીયાણામાં યુપીની હેમાદેવીનો ફાંસો ખાઇ આપઘાત

હેમાદેવી (ઉ.૨૪) યુપી પોલીસમાં ભરતી થવા પતિ સાથે પરિક્ષાની તૈયારી કરતી હતીઃ એક વખત મોડી પહોંચી, બીજી વખત કોલલેટર ન મળતાં માઠુ લાગ્યું

રાજકોટ તા. ૨૨: કુવાડવાના જીયાણા ગામે સ્કાયવીન ફેકટરીના કવાર્ટરમાં માતા-પતિ સાથે રહેતી મુળ ઉત્તરપ્રદેશની ૨૪ વર્ષની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. યુપી પોલીસમાં ભરતી થવા માટે આ પરિણીતા તેના પતિ સાથે પરિક્ષા આપવાની તૈયારી કરતી હતી. એક વખત તે પરિક્ષામાં મોડી પહોંચી હતી, તો આ વખતે તેના પતિનો કોલલેટર આવી જતાં અને તેણીને કોલ લેટર ન મળતાં માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

 

કુવાડવા ફેકટરીના કવાર્ટરમાં પતિ વિરેન્દ્રકુમાર રાઇકવાર  સાથે રહેતી હેમાદેવી (ઉ.૨૪)એ મોડી રાત્રે બાથરૂમની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પતિને રાત્રે બનાવની જાણ થતાં બેભાન હાલતમાં કુવાડવા હોસ્પિટલમાં ખસેડી હતી. પણ તબિબે તેણીને મૃત જાહેર કરતાં કુવાડવાના પીએસઆઇ પી. સી. મોલીયા અને રાઇટર અંશુમનભાઇ ગઢવીએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર હેમાદેવીના લગ્ન સાડા ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં અઢી વર્ષનો પુત્ર છે. તેણીનો પતિ સ્કાયવીનફેકટરીમાં એક વર્ષથી ફિટર તરીકે કામ કરતો હોઇ આ ફેકટરીમાં જ કવાર્ટર મળ્યું છે. તે આ નોકરી સાથે યુપી પોલીસમાં ભરતી થવાની પરિક્ષાની તૈયારી પણ કરી રહ્યો છે. સાથે પત્નિ હેમાદેવી પણ આ પરિક્ષાની તૈયારી કરતી હતી. અગાઉ તે પોલીસની પરિક્ષામાં મોડી પહોંચી હતી. આ વખતે ફરીથી પતિ-પત્નિએ ફોર્મ ભર્યા હતાં. ૨૪મીએ પરિક્ષાનો કોલ લેટર માત્ર પતિને મળ્યો હતો. પણ હેમાદેવીને કોલલેટર મળ્યો નહોતો. પરિક્ષા માટે સખ્ત મહેનત કરી હોવા છતાં પરિક્ષા ન આપી શકતાં આ પગલું ભરી લીધાનું પતિએ પોલીસને જણાવ્યું છે. વિશેષ તપાસ થઇ રહી છે. (૧૪.૫)

(11:50 am IST)