Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

શહેરમાં અલગ અલગ સ્‍થળેથી ૫૮ સાયકલોની ચોરી કરનાર ભગવાન, મનકુ અને અજય ઝડપાયા

રૂા.૨,૫૯,૫૦૦ની સાઇકલો કબ્‍જેઃ ડી. સ્‍ટાફના કુલદિપસિંહ જાડેજા, જીલુભાઇ ગરચર અને ધર્મરાજસિંહ રાણાની બાતમીઃ તાળા વગરની ખુલ્લી સાયકલો ઉઠાવી લેતાં હતાં: વેંચી નાંખે એ પહેલા દબોચી લેવાયા

રાજકોટ તા. ૨૨: શહેરમાં છેલ્લા કેટલાક મહિનામાં અલગ અલગ સ્‍થળેથી તાળા વગરની પડી હોઇ તેવી સાઇકલો ચોરાઇ જવાની ઘટનાઓ વધી ગઇ હતી. સાઇકલ ચોરીની મોટે ભાગે લોકો ફરિયાદ પણ નોંધાવતાં નહોતાં. દરમિયાન તાલુકા પોલીસે સાઇકલચોર ત્રિપુટીને દબોચી લઇ અધધધ રૂા. ૨,૫૯,૫૦૦ની કિંમતની ૫૮ ચોરાઉ સાઇકલો કબ્‍જે કરી છે.

ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. કુલદિપસિંહ જાડેજા, જીલુભાઇ ગરચર અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે નાના મવા મોકાજી સર્કલ પાસે એક શખ્‍સ ચોરાઉ સાઇકલ સાથે ઉભો છે અને તે આ સાઇકલ વેંચવા આવ્‍યો છે. તેને આધારે ત્‍યાં પહોંચી આ શખ્‍સને દબોચી લીધો હતો. પુછતાછમાં પોતાનું નામ ભગવાન ભીખુભાઇ કારીયા (ઉ.વ.૫૨-રહે. બાબરીયા કોલોની ક્‍વાર્ટર નં. ૩, ઘર નં. ૪૯૪) જણાવ્‍યું હતું. વિશેષ પુછતાછમાં તેણે તથા બીજા બે શખ્‍સો મનકુ ઉર્ફ મન્‍ટુ નરેશભાઇ પ્રજાપતિ (ઉ.૩૫-રહે. કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળા પાસે) તથા અજય શિવનારાયણ મંડલ (ઉ.વ.૨૬-રહે. શાપર વેરાવળ સર્વોદય-૯) પણ સાઇકલોની ચોરીમાં સામેલ હોવાનું અને ત્રણેયએ મળીને રાજકોટમાંથી અલગ અલગ સ્‍થળોએથી ૫૮ સાઇકલો ચોરી કર્યાની કબુલાત આપતાં પોલીસે ૨,૫૯,૫૦૦ની કિંમતની સાઇકલો કબ્‍જે કરી ત્રણેયની ધરપકડ કરી વિશેષ પુછતાછ હાથ ધરી છે.

આ ત્રણેય લોક કર્યા વગરની સાઇકલ જોતાં જ ચોરી લેતાં હતાં. વેંચવા માટે પેરવી કરતાં હતાં પણ એ પહેલા પોલીસે ભેદ ઉકેલી નાંખ્‍યો હતો. ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અને પીઆઇ વી. આર. પટેલની રાહબરીમાં પીએસઆઇ એચ. જી. ગોહિલ, એએસઆઇ જે. ડી. વાઘેલા, હેડકોન્‍સ. અજયભાઇ ભુંડીયા, કે. એસ. ઝાલા, કે. આર. પાંભર, કુલદિપસિંહ ડી. જાડેજા, જીલુભાઇ ગરચર, ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજા, કુશલ જોષી અને નિકુંજ મારવીયાએ આ કામગીરી કરી હતી.

(5:12 pm IST)