Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સરધાર પાસે સર ગામે ૨૧ વર્ષના નરેશનો આપઘાતઃ દિવાળી પછી લગ્ન થવાના હતાં

ભાડલા ગામની યુવતિ સાથે સગાઇ થઇ હતીઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૨: રાજકોટના સરધાર નજીકના સર ગામે રહેતાં નરેશ  ભરતભાઇ ઉપદરા (ઉ.વ.૨૧) નામના યુવાને બપોરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. કરૂણતા એ છે કે આ યુવાનની સગાઇ થઇ ચુકી હતી અને દિવાળી બાદ લગ્ન થવાના હતાં. અચાનક દિકરાએ આવુ પગલુ ભરી લેતાં પરિવારજનો આઘાતમાં ગરકાવ થઇ ગયા હતાં.

બે ભાઇમાં મોટો હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. પિતા ખેતી મજૂરી કરે છે. આઠ મહિના પહેલા ભાડલા ગામની યુવતિ સાથે તેની સગાઇ થઇ હતી. દિવાળી પછી લગ્ન થવાના હતાં. આજે જ પિતા પુત્રવધૂ માટે ઘરેણા કરાવવા ગયા હતાં. તે કારખાનામાં નોકરી કરતો હોઇ નાઇટ કરીને આવ્‍યા બાદ સુતો હતો. એ પછી કોઇપણ અકળ કારણોસર તેણે આ પગલુ ભરી લીધુ હતું. આપઘાત શા માટે કર્યો? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ આજીડેમ પોલીસે તપાસ યથાવત રાખી છે. જે દિકરાના દિવાળી પછી લગ્ન ગીતો ગાવાની તૈયારીઓ થઇ રહી હતી તેના મરશીયા ગાવાની વેળા આવતાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(5:10 pm IST)