Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રાષ્‍ટ્રસંત નમ્રમુનિના ૫૩માં જન્‍મોત્‍સવ અવસરે રવિવારે ઉવસગ્‍ગહરંસ્ત્રોત મહાજપ સાધના

રાજકોટ,તા. ૨૨ : જૈનોના ૨૩માં તીર્થંકર પરમાત્‍મા પાર્શ્વનાથ પ્રત્‍યેની ઉત્‍કૃષ્ટ ભક્‍તિ જે સ્‍તોત્રમાં સમાઈ છે એવા મહાપ્રભાવક, પ્રગટ પ્રભાવક શ્રી ઉવસગ્‍ગહરં સ્‍તોત્રની કરોડો કરોડોવારની અખંડ સાધના-આરાધનાની સાથે આ સ્‍તોત્રને સિદ્ધ હસ્‍ત કરનારા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૩માં જન્‍મોત્‍સવ અવસરે તા.૨૪ને રવિવારે ગિરનાર ધરા પર આયોજિત માનવતા મહોત્‍સવ અવસરે શ્રીઉવસગ્‍ગહરં સ્‍તોત્રની સંકલ્‍પ સિદ્ધ જપ સાધનાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્‍યું છે.

પરમ ગુરુદેવના બ્રહ્મનાદે હંસગતિ, સિંહગતિ, હસ્‍તિ ગતિ અને સર્પગતિથી લયબદ્ધ સ્‍વરે, વિશિષ્ટ પ્રકારના આરોહ - અવરોહ, પ્રભાવક હસ્‍ત મુદ્રા અને દિવ્‍ય મંત્ર ધ્‍વનિ સાથે પ્રગટ થતાં આ સ્‍તોત્રની જપ સાધનામાં જોડાઈને આજ સુધી લાખો ભાવિકો પોતાના જીવનમાં અલૌકિક દિવ્‍યાનુભૂતિ કરીને ધન્‍ય બન્‍યાં છે.

યુગો યુગો પહેલાં મહાન આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્‍વામી દ્વારા રચિત આ સ્‍તોત્રથી  ભાવિકોની આધિ -વ્‍યાધિ ઉપાધિ દૂર થયાના અનુભવો છે.

આવા મહાપ્રભાવક, પ્રગટ પ્રભાવક સ્‍તોત્રની સંકલ્‍પ સિદ્ધિ જપ સાધના પરમ ગુરુદેવના બ્રહ્મનાદે માત્ર વર્ષમાં એકવાર કરાવવામાં આવી રહી છે ત્‍યારે દેશ -પરદેશના હજારો -લાખો ભાવિકોની સાથે આ અવસરે પધારીને આ જપ સાધનામાં જોડાઈ પ્રભુ ભક્‍તિ કરતાં કરતાં જીવનને શાંતિ- સમાધિથી સમૃદ્ધ બનાવવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પારસધામ ગિરનાર તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

(5:04 pm IST)