Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં ઇન્‍સ્‍પેકટરને મારકુટ કરીફરજમાં રૂકાવટ કરવા અંગે આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. રરઃ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં અનેક પોલીસની હાજરીમાં ઇન્‍સ્‍પેકટરને મારમારી ફરજ રૂકાવટના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ર૯-૦૭-ર૦૧૬ના રોજ રાજકોટ ગાંધીગ્રામ સ્‍ટેશનમાં પોલીસ ઇન્‍સપેકટર આર. આર. સોલંકીએ ફરીયાદ નોંધાવેલ. ફરીયાદીની ફરીયાદ મુજબ બનાવના દિવસે ફરીયાદી તેમજ પોલીસ કોન્‍સ્‍ટેબલ ક્રિપાલસિંહ નરપતસિંહ મોચીબજાર ખાતે આવેલ કોર્ટમાં હાજર હતા તે દરમ્‍યાન તેઓને બાતમી મળેલ કે મુનીષ ઇકબાલ સંઘવાણી કે જે એક છોકરીને ભગાડી લઇ ગયેલ હતો અને ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં તેના વિરૂધ્‍ધ અપહરણની તથા પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો.

આ શખ્‍સ રાજકોટ ફેમીલી કોર્ટ પાસે હાજર છે જેથી ફરીયાદી તથા ક્રિપાલસિંહ બન્‍ને ફેમીલી કોર્ટ પાસે આવતા મુનીષ ઇકબાલ તેમજ તેની સાથે એક ઇસમ ઉભેલો જોવામાં આવેલ અને પોલીસને જોઇને ગીર્દીનો  લાભ લઇ મુનીષ નાશી છુટેલ અને તેની બાજુમાં ઉભેલ વ્‍યકિતનું નામ પુંછતા તેણે અનવર ગુલામરસુલ સંઘવાણી હોવાનું જણાવેલ અને તેને આરોપી વિશે પુછપરછ કરવા માટે ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન લઇ ગયેલ અને તેને બેસવાનું કહેતા તે ખુબ જ ઉશ્‍કેરાઇ ગયેલ અને ફરીયાદીને ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી ફરજમાં રૂકાવટ કરેલ હોય જેથી તેના વિરૂધ્‍ધ આઇ.પી.સી. કલમ ર૯૪(ખ), ૩૩ર, ૩પ૩ મુજબની ફરીયાદી કરેલ. સદરહું ફરીયાદ નોંધાતા તપાસના અંતે તપાસ કરનાર અધિકારીએ આરોપી વિરૂધ્‍ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ હતું.

સદરહું કેસ તાજેતરમાં કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે તમામ સાહેદોને પંચોને તથા તમામ પોલીસ અધિકારીઓને તપાસવામાં આવેલ. આરોપીઓના વકીલશ્રીએ આ તમામ સાક્ષીઓની ઉલટ તપાસ કરેલ હતી. તમામ પુરાવાઓના અંતે ફરીયાદ પક્ષ તરફે સરકારી વકીલશ્રી તેમજ આરોપી તરફે તેમના વકીલશ્રીએ દલીલ કરી તેના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ હાઇકોર્ટના ચુકાદાઓ રજુ કરી આરોપીને છોડી મુકવા દલીલ કરેલ.

આરોપી તરફે અનેક મુદાઓ પર કોર્ટનું દલીલો દ્વારા ધ્‍યાન દોરવામાં આવેલ. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં સી.સી. ટીવી કેમેરા હોવા છતાં આવા કોઇ જ પુરાવા પોલીસે રજુ કરેલ ન હોય ફરીયાદ શંકાસ્‍પદ હોવાની દલીલ કરેલ. કેસના અંતે સરકારી વકીલશ્રી તેમજ બચાવ પક્ષના એડવોકેટે દલીલો કરેલ જેમાં આરોપી તરફેની તમામ દલીલોને માન્‍ય રાખી રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. શ્રી કે. એમ. ગોહેલે આરોપીને તેના ઉપરના આરોપમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ ચર્ચાસ્‍પદ બનેલા ચુકાદામાં આરોપી અનવર રસુલ સંઘવાણી તરફે વકીલ શ્રી પિયુષ જે. કારીયા, પ્રધ્‍યુમનસિંહ એમ. જાડેજા, સચીન તેરૈયા, મોહિત લિંબાસીયા, રવિ ઠુંમર તથા અનિલ રાદડીયા, ધનરાજ ધાંધલ, નીલેશ ભગત રોકાયેલ હતા.

(5:38 pm IST)