Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલનો ૪૯ મો વિદ્યા સત્‍કાર સમારંભ રવિવારે યોજાશે

મહારાજા લક્ષ્યરાજસિંહજી મેવાડ-ઉદયપુરની ખાસ ઉપસ્‍થિતિઃ મહાનુભાવોના હસ્‍તે ૩૨૫ થી વધુ સન્‍માનાર્થીઓનું થશે સન્‍માન

રાજકોટ : શહેરમાં કાર્યરત ક્ષત્રીય સમાજની સંસ્‍થા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલનો વિદ્યાર્થી સત્‍કાર સમારંભ આગામી રવિવારે યોજાવા જઇ રહયો છે જેની માહિતી અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ સંસ્‍થાના પ્રતિનિધિઓએ વર્ણવી હતી ત્‍યારની તસ્‍વીરમાં અકિલાના સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં સમારંભમાં ઉપસ્‍થિત રહેનાર હિન્‍દુત્‍વની અખંડ જયોતના વંશજ મહારાજા લક્ષ્યરાજસિંહજી ઓફ મેવાડ, ક્ષત્રીય સમાજની બહોળી સંખ્‍યાવાળા વિસ્‍તારોમાં સંસ્‍થા દ્વારા લગાવાયેલા કાર્યક્રમ સબંધી બેનરો અને સંસ્‍થાના પ્રમુખ ઠા.સા. માંધાતાસિંહજી ઓફ રાજકોટની ફાઇલ તસ્‍વીર નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૨ : શહેરમાં કાર્યરત ક્ષત્રીય સમાજની મુઠી ઉંચેરી સંસ્‍થા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ દ્વારા આગામી તા.ર૪ ને રવિવારે ૪૯ મો વિદ્યાસત્‍કાર સમારોહ યોજાશે. સમારોહના અધ્‍યક્ષપદે મહારાજકુમાર શ્રી લક્ષ્યરાજસિંહ મેવાડ ઓફ ઉદયપુર ખાસ ઉપસ્‍થિત રહેશે. આ ઉપરાંત ક્ષત્રીય સમાજના મહાનુભાવો, ધારાસભ્‍યો સહીતના મહેમાનો પણ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને બિરદાવશે.

સંસ્‍થાના પ્રમુખ ઠા.સા.શ્રી માંધાતાસિંહજી જાડેજા ઓફ રાજકોટની રાહબરી હેઠળ કાર્યરત સંસ્‍થા દ્વારા સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વસતા ક્ષત્રીય પરીવારોના શૈક્ષણીક ક્ષેત્રે વિવિધ સિધ્‍ધીઓ હાંસલ કરનાર ૩૨૫ થી વધુ વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવશે.  આ સમારંભના અધ્‍યક્ષ તરીકે હિન્‍દુત્‍વની અખંડ જયોતના વંશજ મહારાજ કુમાર શ્રી લક્ષ્યરાજસિંહજી ઓફ મેવાડ ઉપસ્‍થિત રહેવાના હોવાથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ક્ષત્રીય પરીવારોમાં અનેરો ઉત્‍સાહ છવાયો છે. કાર્યક્રમમાં વાંકાનેર રાજવી અને રાજયસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા, ગુજરાતના પુર્વ કેબીનેટ મંત્રી ભુપેન્‍દ્રસિંહજી ચુડાસમા, ક્ષત્રીય સમાજના ધારાસભ્‍યો સર્વશ્રી રાપરના વિરેન્‍દ્રસિંહજી જાડેજા, અબડાસાના ધારાસભ્‍ય પ્રદ્યુમનસિંહજી જાડેજા, વાઘોડીયાના ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહજી વાઘેલા અને ગોંડલના ધારાસભ્‍ય શ્રીમતી ગીતાબા જાડેજા,  જામનગરના ધારાસભ્‍ય શ્રીમતી રીવાબા રવિન્‍દ્રસિંહજી જાડેજા તેમજ અન્‍ય મહાનુભાવો મહેમાનપદે હાજર રહેશે.

રાજકોટ ઠાકરો સાહેબ માંધાતાસિંહજી જાડેજાના પ્રમુખસ્‍થાને તા. ર૪/૦૯ ને રવિવારના રોજ બપોર ર.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ ખાતે યોજાનારા વિદ્યા સત્‍કાર સમારોહમાં મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહજીને આવકારવા તેમજ તેજસ્‍વી તારલાઓને સન્‍માનીત કરવા માટે રાજકોટ ક્ષત્રિય સમાજમાં પણ હર્ષોલ્લાસ છે.

કાર્યક્રમને  સફળ બનાવવા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલની કાર્યવાહક સમિતિ જહેમત ઉઠાવી રહી છે. ક્ષત્રિય પરિવારો, માતાઓ, બહેનો પણ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહે તેવો સંસ્‍થા દ્વારા આમંત્રણ સાથે અનુરોધ કરવામાં આવ્‍યો છે.

કાર્યક્રમ સંબંધી માહિતી અને સંસ્‍થાનો ઇતિહાસ અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ સંસ્‍થાના અગ્રણીઓ સર્વશ્રી અશોકસિંહ વાઘેલા (લોલીયા), રાજદિપસિંહ જાડેજા (વાવડી), આદિત્‍યસિંહગોહિલ (ખીજડિયા), સત્‍યજીતસિંહ જાડેજા (કાળીપાટ), જયદેવસિંહ જાડેજા (રીબ) સતુભા જાડેજા (પડવલા)  અને ભરતસિંહ જાડેજા (વાગુદડ) એ વર્ણવ્‍યો હતો.

(4:35 pm IST)