Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

અમીન માર્ગ પરથી ટ્રાફિક પોલીસે ટો કરેલા વાહનની ડેકીમાં ૩ લાખનું સોનુ હતું

સેક્‍ટર-૩ના એએસઆઇ જયેશભાઇ છૈયા અને ટીમે મુળ માલિકને પરત કર્યુઃ તેમજ આ રીતે બેદરકારી ન દાખવવા સમજાવ્‍યા

રાજકોટઃ શહેર ટ્રાફિક બ્રાંચના સેક્‍ટર-૩ના એએસઆઇ જયેશભાઇ નાગદાનભાઇ છૈયા અને તેમનો સ્‍ટાફ ટોઇંગ પેટ્રોલીંગમાં હતો ત્‍યારે અમીન માર્ગ પર કેટલોગ નામના શો રૂમ પાસે નો-પાર્કિંગમાં એક ટુવ્‍હીલર પાર્ક કરાયું હોઇ તે નિયમ મુજબ કાર્યવાહી કરી ટો કર્યુ હતું. ટોઇંગ વાહન આગળ ગયું ત્‍યાં જ જે ટુવ્‍હીલર ટો થયુ હતું તેના માલિક ખ્‍યાતીબેન રૂપારેલીયા હાંફળા ફાંફળા થતાં પાછળ આવ્‍યા હતાં અને વાહનની ડીક્કીમાં પોતાનું આશરે ૨ લાખ ૯૦ હજારનું સોનુ-દાગીના હોવાનું કહેતાં એએસઆઇ જયેશભાઇ છૈયાએ ખાત્રી કરી આ દાગીના પરત આપ્‍યા હતાં અને નિયમ મુજબ એક્‍ટીવા છોડવાની કાર્યવાહી કરી હતી. તેમજ આ રીતે કિંમતી ચીજવસ્‍તુઓ વાહનની ડેકીમાં રાખી વાહનો રેઢા નહિ મુકવા સમજ આપી હતી.

શહેરમાં અનેક વખત એવા બનાવ બન્‍યા છે જેમાં જે તે ટુવ્‍હીલરની ડેકી પળવારમાં ખોલી, તોડી કે પછી કારના કાચ તોડીને દાગીના, રોકડ, લેપટોપ સહિતની ચીજવસ્‍તુઓ ઉઠાવી જવામાં આવી છે. આ પ્રકારના બનાવ ન બને તે માટે લોકોએ પોતાના વાહનોમાં કિંમતી વસ્‍તુ ન રાખવા અને જો રાખવા પડે તો વાહન રેઢા ન મુકવા શહેર પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

(4:11 pm IST)