Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સંઘ જમણ સાધર્મિક ભક્‍તિનું મહત્‍વ

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પૂર્ણ થયા બાદ ધર્મ સ્‍થાનકો દ્વારા સ્‍વામી વાત્‍સલ્‍યના આયોજનો

રાજકોટઃ જૈન ધર્મના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પૂર્ણ થયા બાદ સંઘ જમણ - સાધર્મિક ભક્‍તિના આયોજનો કરવાની પરા પૂર્વથી ચાલી આવતી  પરંપરા છે,જે સ્‍વામી વાત્‍સલ્‍ય,સ્‍વરૂચિ ભોજન,સાધર્મિક ભક્‍તિ, ગૌતમ પ્રસાદ,સંઘ જમણ વગેરે જુદા - જુદા નામથી ઓળખાય છે.

આ આયોજનનો મુખ્‍ય આશ્‍ય એ છે કે વર્ષમાં એકાદ વખત પોતાના સાધર્મિકો સાથે બેસીને કોઈ પણ જાતના ભેદભાવ વગર ,શેઠ અને સાથે કામ કરનાર કર્મચારી,રાજા અને રૈયત એક સાથે ભોજન - સંઘ શેષ લેતાં દ્રશ્‍યમાન થાય છે,જેનાથી પરસ્‍પર પ્રેમ અને વાત્‍સલ્‍યની લાગણી જન્‍મે છે.એક - બીજાની નજીક આવે છે,વિચારોની આપ - લે થાય છે.બહાર ગામથી કોઈ શ્રાવક - શ્રાવિકા રહેવા આવ્‍યા હોય તો એકબીજાનો પરીચય થાય છે.એટલે જ કહેવાય છે  અન્ન ભેગા તેના મન ભેગા.

દાતાઓ ઉદાર દિલે અનુદાન આપી પોતાનો પરીગ્રહ ઘટાડી પૂણ્‍યાનુંબંધી પૂણ્‍ય ઉપાર્જન કરી દાન ધમૅને જીવંત રાખે છે.

સંઘનો નાનામા નાનો શ્રાવક પણ પોતાની યથા શકિત પ્રમાણે યોગદાન આપી આનંદની લાગણી અનુભવે છે.સંઘપતિ અને સેવાભાવી કાર્યકરો દરેકને પધારો...પધારો કહી સન્‍માન સાથે ભરપેટ ભોજન કરાવે છે. મનોજ ડેલીવાળા જણાવે છે કે જૈન આગમ શ્રી ઠાણાંગ સૂત્રમાં નવમા ઠાણે પૂણ્‍ય ઉપાર્જન કરવાના નવ સ્‍થાન બતાવેલ છે.

કોઈને અન્ન, પાણી વગેરેનું દાન દેવાથી મહાન પૂણ્‍ય ઉપાર્જન થાય છે.અન્‍ય ધર્મના લોકો પણ તાવા પ્રસાદ,લંગર પ્રસાદ વગેરેનું આયોજન કરતાં હોય છે. સંઘ જમણમાં આયોજકો વિવેક બુધ્‍ધિ રાખી ઓછામાં ઓછી હિંસા થાય, કોઈ હેઠુ મૂકે નહી, બગાડ થાય નહીં  વગેરે બાબતોની કાળજી રાખતા હોય છે.

ગ્રંથમાં પૂણ્‍યા શ્રાવકની સાધર્મિક ભક્‍તિની વાત આવે છે કે માત્ર બાર દોકડાની આવકમાં પોતાનું જીવન નિર્વાહ ચલાવનાર પૂણ્‍યા નામના શ્રાવક પોતે એક દિવસ જમે અને બીજા દિવસે ભૂખ્‍યો રહી પોતાના સાર્મિકને ભોજન કરાવતો.સાર્મિક ભક્‍તિનો મહીમા અનેરો અને અદભૂત છે.ભજન - ભક્‍તિ સાથે કરવાથી સામુદાનિક કર્મ ખરી અને નિર્જરી જાય છે. ભોજન પણ સૌ સાથે કરવાથી અનેક લાભ થાય છે.

સંકલનઃ

- મનોજ ડેલીવાળા

મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(3:44 pm IST)