Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ગણપતિ પરસ્‍પર સંપ કરાવનાર દેવ, એનું જીવન પ્રેરણારૂપ : બ્રહમપ્રકાશ સ્‍વામી

રાજકોટ,તા.૨૩  : ગણપતિ મંગલ કરનારા અને વિઘ્‍ન હરનારા દેવ છે. જેમને ઊમાપુત્ર, ગજાનંદ, વિનાયક, ગણેશ, એકદંત, વક્રદંત, લંબોદર વગેરે નામથી ભક્‍તો પોકારે છે. શિવના ગણોના મુખ્‍ય અધીપત્તિ હોવાથી વિશ્વમાં તેમનું ગણપતિ નામ પ્રસિધ્‍ધ છે. ગણપતિ વિઘ્‍નરૂપ અંધકારને દૂર કરનાર અને પરસ્‍પર સંપ અને એકતા કરાવનારા દેવ છે.  તેમ સ્‍વામિનારાયણ સંપ્રદાયના શ્રી બ્રહમપ્રકાશદાસજી સ્‍વામી જણાવે છે.

 આવું પૂજન કરવા શું શીખવું??તો ગણેશજીના મોટા કાન છે. તે આપણને શીખવે છે કે, કોઈ આપણું ઘસાતું બોલે; કયારેક આવેશમાં આવી અપમાન કરે, તો મોટા કાનવાળા બનવું અર્થાત તેને ન ગણવું અને આપણે આપણા સારા કાર્યમાં સંલગ્ન રહેવું. સદભાવ અને સદાચાર જાળવવો.

ગણેશજીનું મોટું પેટ શીખવે છે કે, કયારેય કોઈની મિથ્‍યા વાત કે ગુપ્‍ત વાત બીજાને ન કહેવી. રહસ્‍ય વાતને જીવનમાં પચાવવી. દુઃખ દર્દ કરનારી વાતો વિશ્વમાં ફેલાવી અન્‍યને અશાંત ન કરવા. મોટું પેટ એ શાંતિ અને સમતા રાખી, માન અપમાન પચાવવાનું રહસ્‍ય બતાવે છે.

ગણેશજીનું વિશાળ મસ્‍તક બુદ્ધિનું દ્યોતક છે. તે કહે છે કયારે કોઈનું આંધળું અનુકરણ ન કરવું. ગણેશજીના નાના પગ એ બતાવે છે કે, કોઈ કાર્યમાં ઉતાવળા ન થાવું. જે કાર્ય કરીએ તે ધીમે ધીમે પણ સમજી વિચારીને કરવું. ગણેશજીની મોટી સૂંઢ એ તેમનું તત્‍વવેતાપણું અને દુરદર્શીપણું સૂચવે છે. આપણે પરસ્‍પર લડીએ જગડીએ તો એનું શું પરિણામ? માટે ધર્મના નામે ભાગલા પડાવતા અનિષ્ટતત્ત્વોથી બચીએ અને સાચા અર્થમાં ધર્મનું રક્ષણ કરીએ. સનાતન ધર્મના પાયાના સ્‍તંભ જેવા; ચોરી ન કરવી, વ્‍યભિચાર ન કરવો. દારૂ માંસનું ભક્ષણ ન કરવું. વ્‍યસનોથી દૂર રહેવું વગેરે સદગુણોને શીખવાનું સૂચવે છે.

ગણેશજીનો દંત સુંદરતાનો પ્રતીક છે. આપણે જીવનમાં સદાચારી અને સંયમી બનીએ. દુરાચારનો ત્‍યાગ કરી તો જ આપણું જીવન સુંદર બને. ગણપતિજીનું વાહન ઉંદર છે. ઉંદર ચંચળ છે. આપણી ઇન્‍દ્રિયો પણ ચંચળ છે. ચંચળ ઇન્‍દ્રિયોને સંયમમાં લાવવી, તેમના ઉપર અંકુશ રાખવો; એ ગણપતિજી વાહન દ્વારા બોધ આપે છે. તેમ શ્રી બ્રહ્મપ્રકાશદાસજી સ્‍વામી જણાવે છે.

 

 

(3:43 pm IST)