Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મવડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં નવો હોકર્સ ઝોન બનાવાશે : અમિત અરોરા

અમિન માર્ગ ફૂડ ઝોન તેમજ નવા હોકર્સ ઝોનનું સ્થળ નિરિક્ષણ કરતાં મ્યુ. કમિશ્નર

રાજકોટ,તા.૨૨: મહાનગરપાલિકા અમિન માર્ગ રોડ પર ફૂડ ઝોન બનાવવા અંગેની કામગીરી હાલ ચાલી રહી છે. જયારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ તરફ જતા અંબિકા પાર્કવાળા રોડ પર એક નવો હોકર્સ ઝોન બનાવવા અંગેની પ્રક્રિયા અનુસંધાને આજે તા. ૨૨ ના રોજ સવારે મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ આ બંને સ્થળોની રૂબરૂ મુલાકાત કરી હતી.

અમિન માર્ગ રોડ કોર્નર પર ૧૫૦ ફૂટ રિંગ રોડના છેડે આવેલા પ્લોટમાં હાલ ફૂડ કોર્ટ બનાવવાની કામગીરી ગતિમાં છે. આ સ્થળની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રીએ ફૂડ ઝોનમાં કોમર્શિયલ બોર્ડની સુવિધા બનાવી રેવન્યુ જનરેટ કરવા અંગે સૂચના આપી હતી. સાથોસાથ ફૂડ ઝોનમાં હયાત વ્રુક્ષોની નીચે બેઠક વ્યવસ્થા પણ ઉભી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

અત્રે એ નોંધવું રહ્યું કે, આ ફૂડ ઝોનમાં આશરે ૧૦ ફૂડ સ્ટોલ રહેશે. આ ઉપરાંત અંદાજીત ૨૦ હોકાર્સનો શાકભાજી/ફળફળાદીના વ્યવસાય માટે પણ સમાવેશ થઇ શકશે. ઉપરાંત, લેડિઝ/જેન્ટસ માટે જાહેર શૌચાલય, પાર્કિંગ એરિયા, સેલ્ફી પોઈન્ટ અને સિટિંગ એરિયા સહિતની સુવિધાઓને આવરી લેવામાં આવશે. આ ફૂડ ઝોનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કાર્યવાહી કરવા કમિશનરશ્રીએ સૂચના આપેલ છે.

સ્પીડવેલ પાર્ટી પ્લોટ તરફ જતા અંબિકા પાર્કવાળા રોડ પર એક નવો હોકર્સ ઝોન બનાવવા અંગેની પ્રક્રિયા અનુસંધાને આજે તા. ૨૨-૦૯-૨૦૨૧ ના રોજ સવારે મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ આ સ્થળની પણ રૂબરૂ મુલાકાત કરી હતી.

દરમ્યાન, રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા રોજબરોજ જે માલસામાન જાહેર માર્ગો પરથી જપ્ત કરવામાં આવે છે તેને રાખવા ન્યારી ફિલ્ટર પાસેની હાલની જગ્યા પ્રમાણમાં ઓછું ક્ષેત્રફળ ધરાવતી હોઈ, વધુ સુવિધા અર્થે દબાણ હટાવ શાખાને વધુ ક્ષેત્રફળ ધરાવતી જગ્યા આપવા અંગે ચાલી રહેલી વિચારણાના અનુસંધાને જડુસ ચોક નજીક સરિતા વિહાર વાળા રોડ પર જે જગ્યા ઉપલબ્ધ છે તે ચકાસવા મ્યુનિ. કમિશનરશ્રી અને અન્ય અધિકારીશ્રીઓએ આ સ્થળની વિઝિટ કરી હતી.

આજની વિવિધ સાઈટની આ મુલાકાત દરમ્યાન કમિશનરશ્રી અમિત અરોરાની સાથે ડેપ્યુટી કમિશનર શ્રી એ.આર.સિંહ, એડી. સિટી એન્જિનિયર શ્રી કે.એસ.ગોહેલ, ટાઉન પ્લાનિંગ ઓફિસર શ્રી એમ.ડી.સાગઠીયા, પી.એ.(ટેક) ટુ કમિશનર શ્રી રસિક રૈયાણી, સહાયક કમિશનર શ્રી એચ.કે.કગથરા, દબાણ હટાવ શાખાના અધિકારી શ્રી પ્રતાપભાઈ બારીયા, ડેપ્યુટી એન્જિનિયર શ્રી કુંતેશભાઈ મહેતા અને એ.ટી.પી. શ્રી મકવાણા વગેરે હાજર રહયા હતાં. 

(3:52 pm IST)