Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

શાંતાકકાજી સૌરાષ્ટ્રના પ્રવાસે : રવિવારે રાજકોટમાં વકતવ્ય

રાષ્ટ્ર સેવિકા સમિતિના અખિલ ભારતીય પ્રમુખ સંચાલીકા : ભારતના પુનઃ નિર્માણમાં મહિલાઓનું યોગદાન વિષે ઉદબોધન કરશેઃ મહિલાઓને કાર્યક્રમમાં ભાગ લેવા હંસિકાબેન મણીયાર, કાંતાબેન કથીરીયા અને જસ્મીનબેન પાઠકની અપીલ

રાજકોટઃ રાષ્ટ્ર સેવિકા સમિતિ સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ બહેનોને સંગઠિત કરી સંસ્કાર ક્ષમ અને સુરક્ષિત કરવાનું કાર્ય કરે છે. મહિલાઓને રાષ્ટ્રભકિત, સેવા,  સમર્પણ,  શૌર્ય, ત્યાગ અને બલિદાનના સંસ્કારોનું સિંચન કરે છે.  ભારત વર્ષને વિશ્વ ગુરુ બનાવવામાં યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે. સમગ્ર દેશ જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે બહેનો પણ રાષ્ટ્ર વિકાસના આ મહાયજ્ઞમાં આહુતિ અર્પે એવા પવિત્ર ઉદ્દેશથી સેવિકા સમિતિ કાર્યરત છે. આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રભકત સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ સંચાલિકા   શાંતાક્કાજી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસે તા. ર૬ સપ્ટેમ્બરના રોજ પધારી રહ્યા છે. રાષ્ટ સેવિકા સમિતિ દ્રારા ભારતના પુનઃ નિર્માણમાં મહિલાઓનું યોગદાનૅ વિષય પર શાંતાક્કાજીના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.

 સમગ્ર સૌરાષ્ટની સામાજિક, શૈક્ષણિક, સ્વેચ્છિક, રચનાત્મક અને સેવિકા સમિતિ સંલગ્ન સેવિકા બહેનો માટેના આ બૌધ્ધિક કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર પ્રો. શીલા રામચંદ્રન, સાંખ્યયોગી બહેન પૂજ્ય શ્રી સુબોધ બહેન, રાજકોટના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. અમીબેન મહેતા અને સમિતિના ક્ષેત્ર કાર્યવાહિકા શ્રીમતી રાજશ્રીબેન જાની મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે.

 કાલાવડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં મુખ્ય બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા ચેર ઓડિટોરિયમમાં રવિવાર, તા. ર૬ સપ્ટેમ્બર ના રોજ સાંજે ૪:૩૦ કલાકે યોજાયેલ કાર્યક્રમમાં   શાંતાક્કાજીના પ્રવચનનો લાભ લેવા માટે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રાંત સંચાલિકા શ્રીમતી હંસિકાબેન મણીયાર, પ્રાંત કાર્યવાહિંકા શ્રીમતી નીતાબેન જાની, પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રીમતી કાંતાબેન કથીરિયા અને રાજકોટ મહાનગર કાર્યવાહિંકા જસ્મિનબેન પાઠકે વિશાળ સંખ્યામાં મહિલાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. 

શ્રીમતી કાંતાબેન કથીરિયાએ કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવાનું અને સમય પહેલાં ૧૫ મીનીટે સૌ બહેનો એ સ્થાન લઇ લેવા વિનંતી સાથે યાદીના અંતમાં જણાવાયું છે.

(3:14 pm IST)