Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

'કોરોનાથી ડરો નહીં લડો' રંગલો-રંગલી નૃત્ય નાટિકા કાર્યક્રમનાં રથને લીલીઝંડી

મ.ન.પા.ની કચેરીએ ૯ વાગ્યે ઉદ્ઘાટન થવાનું હતું : પદાધિકારીઓ ૧ર વાગ્યા સુધી નહીં ફરકતાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ રથનો પ્રારંભ કરાવ્યો

રાજકોટ, તા. રર : મહાનરગપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં કોરોના મહામારીનો કહેર વરસી રહ્યો છે અને દિવસે ને દિવસે સંક્રમિતો અને મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે લોકો કોરોના મહામારીના અફવાઓને ધ્યાને ન લેવા અને સાવચેતી રાખે તેવા ઉમદા હેતુથી યુનિસેફ અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. અને ભરત સરકારના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા કોવીડ-૧૯ વિજય રથ ગામોગામ મોકલી આયુર્વેદિક દવા, માહિતી પત્રિકા અને રંગલો-રંગલીના પાત્રો દ્વારા પ્રજા સમક્ષ જઇ કોરોના મહામારીની સાવધાની અને સાવચેતી રાખવા અંગેની માહિતીઓ પ્રસારિત કરવામાં આવે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકામાં સરકારશ્રી દ્વારા કોરોના ઉપર વિજય મેળવવા માટે પ્રજાએ શું સાવચેતી રાખવી જોઇએ તેની માહિતી ગુજરાતના પ્રખ્યાત રંગલો-રંગલીના નાટક દ્વારા લોકો સુધી પહોંચી લોકોને કોરોનાથી ડરવું નહિ અને કોરોના સામે લડતા રહેવું તેવી માહિતી ગામે ગામ પહોંચાડવા માટેનો આ રથ દ્વારા કાર્યક્રમો યોજાવાના છે.

આજરોજ તા. રર નાં સવારે ૯ વાગ્યે કોવીડ-૧૯ વિજય રથ રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબરભાઇ રોડ, રાજકોટ ખાતે આવી ગયેલો તેમજ ભાજપના પદાધિકારીઓ દ્વારા સવારે ૯ વાગ્યે લીલીઝંડી આપવાની બદલે છેક ૧ર સુધી રાહ જોઇ રહ્યા હતા પરંતુ કોઇ જ શાસકો કે ભાજપના કોર્પોરેટર લીલીઝંડી આપવાની તસ્દી લીધી નહીં આ રંગલા-રંગલીના કાર્યક્રમના દરેક કાર્યક્રમ દીઠ નાણા ચુકવવાના હોય તેમ છતાં સવારના ૯ થી ૧ર સુધી શાસક પક્ષના કોઇપણ પદાધિકારી ફરકયા ન હતા છેવટે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા ૧ર કલાકે કોવીડ-૧૯ વિજય રથને લીલીંજડી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

(3:59 pm IST)