Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

પુરી - ઓખા ટ્રેનમાં રાજકોટ આવેલા ૧૦૬ મુસાફરોનું મેડિકલ સ્ક્રીનિંગ : માત્ર ૧ પોઝિટિવ

કોરોના સંક્રમિત દર્દી હોમ આઇસોલેટેડ કરાયા : અન્ય મુસાફરો સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવતા ઉદિત અગ્રવાલ

રાજકોટ તા. ૨૨ : બહારથી આવતા મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેતા રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે સાથે મળીને કોરોના પોઝિટિવ દર્દી કે શરદી, ઉધરસ કે તાવના દર્દીઓને શોધી કાઢી તેઓને ત્વરિત સારવાર મળી રહે તેવું આયોજન કર્યું છે. જેમાં જરૂરિયાત મુજબ મુસાફરોના સ્ક્રીનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરી આપવામાં આવે છે. અંતર્ગત આજે પુરી-ઓખા સ્પેશિયલટ્રેનનું રાજકોટ જંકશન ખાતે આગમન થતા મનપાના આરોગ્ય શાખાની ટીમ દ્વારા ૧૦૬ મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું અને ૨૧ મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી ૦૧ મુસાફરને કોરોના પોઝિટિવ નોંધાયો હતો અને તેમને હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે, અન્ય તમામ મુસાફરોનું હેલ્થ ચેકઅપ કરાતા સંપૂર્ણ સ્વસ્થ જણાયું છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

સ્પેશિયલ ટ્રેન પુરી-ઓખાનું રાજકોટ જંકશન ખાતે આગમન થતા સ્ટેશન ખાતે મનપાની આરોગ્ય ટીમ પહેલેથી જ સજ્જ હતી જેમણે આવતા મુસાફરોના ટેસ્ટીંગ અને ચેકઅપ કામગીરી કરી હતી તેમજ પોઝીટીવ આવેલ દર્દીને હોમ આઇસોલેશન સારવાર પણ તાત્કાલિક ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી. આવેલ મુસાફરોના સામાનને સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા. અન્ય મુસાફરોનું હેલ્થ ચેકઅપ કરાતા સંપૂર્ણ સ્વસ્થ છે.

(3:57 pm IST)