Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાનો સંદેશઃ ડર્યા વગર કોરોના ટેસ્ટ કરાવો, રાજકોટ અવશ્ય જીતશે

રાજકોટ તા. ૨૨ : સમગ્ર દેશમાં આજે જયારે કોરોનાનું સંક્રમણ થઈ રહયું છે, ત્યારે રાજયના અને ખાસ કરીને રાજકોટવાસીઓએ ડરવાની જરાય જરૂર નથી. સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરીશું તો ચાર - પાંચ મહિનાથી થઈ રહેલા કોરોનાના આ  સંક્રમણને આપણે હરાવી શકીશું, તેવી આશા વ્યકત કરતાં રાજકોટની સરગમ કલબના પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળાએ તેમનો પ્રેરક સંદેશ આપતાં જણાવ્યું હતુ કે, લોકોએ કોરોનાથી ડર્યા વિના તેમના ટેસ્ટ અવશ્ય કરાવવા જોઈએ.

કોરોના સામેનો જંગ જીતવા સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે લોકોને જો જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવા અને જો બહાર જવાનું થાય તો માસ્ક અવશ્ય પહેરવા તેમજ ટોળા વળીને ભેગા ન થવા અપીલ કરતાં તેમણે જણાવ્યું છે કે, આજના સમયમાં કોરોનાથી ડરવાની નહી પરંતુ તેનો હિંમતપૂર્વક સામનો કરવાની જરૂર છે. જે લોકો તેમના ટેસ્ટ કરાવતાં બીવે છે, એમને મારી ખાસ વિનંતી છે કે, તમે સામેથી જઈને તમારું ટેસ્ટીંગ કરાવો. સરકાર, પ્રશાસન અને કોર્પોરેશન દ્વારા બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. ધન્વંતરી રથ પણ દરેક વિસ્તારમાં ફરી રહયાં છે, તથા સબંધિત વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો પણ કાર્યરત છે, જયાં જઈને લોકો તેમનો ટેસ્ટ કરાવી શકે છે. જો કોરોના થાય તો પણ તેનાથી ડર્યા વિના ઘરે રહીને પણ તેનો ઈલાજ થઈ શકે છે.

રાજકોટના લોકોને મારી નમ્ર વિનંતી છે કે, આપણે સૌ આ મહામારીને હરાવવા આગળ આવી પોતાનો નાગરિક ધર્મ બજાવે અને સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરે. આપણે આયુર્વેદીક દવા, ઉકાળા, હળદર - લીંબુ અને ગરમ પાણીનું નિયમિત સેવન કરીશું તથા ગરમ પાણીનો દરરોજ નાસ લઈશું તો કોરોનાથી અવશ્ય બચી શકીશુ. આખરે તો સાવચેતી એ જ સલામતી છે.

રાજય સરકાર, જિલ્લા પ્રશાસન, કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની સાથે સરકારના તમામ વિભાગના અધિકારી - કર્મચારીઓ સતત મહેનત કરી રહયાં છે. ત્યારે આપણે સૌ તેમને સાથ - સહકાર આપીશું તો બહું જલદીથી 'હારશે કોરોના, જીતશે રાજકોટ'.

(3:18 pm IST)