Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાસોત્સવમાં સંક્રમણ વધશે : બંધ રાખવા તબીબોનો સૂર

રાસ ગરબામાં લોકોની ભીડ જામશે તો સોશ્યલ ડિસ્ટન્સ નહિં જળવાય... માસ્ક પહેરીને ચાલી શકાય... રમી શકાય નહિં... રાત ઉજાગરાથી રોગ પ્રતિકારક શકિત ઘટશેઃ રાસે રમનારા યુવાનો - ઘરના વડીલોને પણ અસર કરશે : એક વર્ષ ઘરે જ ભકિત કરવા અનુરોધ : રાસ ગરબાના મોટા આયોજનો રદ્દ કરવાના નિર્ણયનો સર્વત્ર આવકાર

રાજકોટ, તા. ૨૨ : રાજકોટ ગુજરાત અને સમગ્ર દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. લાખો લોકો કોરનાથી સંક્રમિત થઈ સારવાર લઈ રહ્યા છે તો સેંકડો લોકો કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામી રહ્યા છે ત્યારે હાલ અધિક આસો માસ ચાલી રહ્યો છે. સરકારે થોડા દિવસ પૂર્વે નવરાત્રી અંગે વિચારણા કરવા ઈશારો કર્યો હતો.

રાજય સરકાર પરિસ્થિતિને ધ્યાને લઈને નવરાત્રીના ગરબાની ઉજવણી કરવાની છૂટ આપે તો પણ સંખ્યાબંધ રાસોત્સવના ગ્રુપોએ લોખંડી નિર્ણય જાહેર કર્યા કે રાજય સરકાર જો નવરાત્રીમાં ગરબા રમવાની છૂટ આપે તો પણ આ વર્ષ ગરબાનું આયોજન નહિં કરીએ.

નવરાત્રીની મંજૂરી નહિં આપવા વિવિધ સામાજીક ક્ષેત્રે માંગ ઉઠી છે તો અમદાવાદ મેડીકલ એસોસીએશને તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી છે કે કોરોનાથી ચેપ લાગવાનું પ્રમાણ વધી ગયુ છે. તેને ધ્યાને લઈને નવરાત્રી મહાપર્વમાં લોકો એકત્ર થાય તેની મંજૂરી નહિં આપવા માંગ કરી છે. નવરાત્રીમાં કોરોના નિયમનું પાલન અઘરૂ છે.

ગુજરાતભરમાં કોરોનાનું ટેસ્ટીંગ વધારવામાં આવ્યુ છે. તેથી પોઝીટીવ કેસમાં વધારો થયો છે. પરંતુ રીકવરી રેટ પણ ખૂબ વધ્યો છે. સરકારના પ્રયત્નોને તબીબો સહિત વિવિધ ક્ષેત્રના લોકોએ આવકાર્યા છે છતા નવરાત્રી મહાપર્વના ગરબા કરવા યોગ્ય નથી.

નવરાત્રી મહાપર્વમાં દર વર્ષ સતત નવ રાત્રી દરમિયાન હજારો લોકોની ભીડ થતી હોય છે. ગરબામાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવુ અશકય છે તો માસ્ક પહેરીને ગરબે ઘૂમવુ પણ હિતાવહ નથી.

કોરોનાની મહામારીમાં આ વર્ષ ઘરે અન્ય પર્વની જેમ જ ભકિત કરવા વિદ્વાનો જણાવી રહ્યા છે. તબીબોએ હાલના કોરોનાના કાળમાં એ ગરબી થાય તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેવો નિર્દેશ કર્યા છે.

રાજકોટના સરગમ કલબ, સહિયર કલબ, કલબ યુવી, ખોડલધામ ગ્રુપ, જૈનમ ગ્રુપ સહિત અનેક ગ્રુપે આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં ગરબાનું આયોજન ન કરવાનો નિર્ણય કર્યો છે. જેને સમજદારી પૂર્વકના નિર્ણયને સર્વત્ર આવકાર સાંપડ્યો છે.

ડો. સંજય ભટ્ટ શિવ હોસ્પિટલ અને એચસીજી ગ્રુપ

રાજકોટના સીનીયર ફીઝીશ્યન શિવ હોસ્પિટલ અને એચસીજી ગ્રુપના ડો.સંજયભાઈ ભટ્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ કે હાલની પરિસ્થિતિમાં નવરાત્રીમાં ગરબા  યોજવા હિતાવહ નથી. ગરબા કરવાથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે. યુવાનો પણ જો માસ્ક પહેરીને ગરબે રમે તો શરીરમાં ઓકિસજનનું પ્રમાણ ઘટી શકે છે અને અન્ય મુશ્કેલીઓ વધી જઈ શકે છે. યુવાનોમાં રોગપ્રતિકારક શકિત વધુ હોય છે. તેઓ જો સંક્રમિત થાય તો કેટલાકને હળવા લક્ષણો માલૂબ પડે પરંતુ યુવાનો ગરબે ઘુમીને ઘરે જાય ત્યાં માતા-પિતા, દાદા - દાદી તેમજ અન્ય પરિવારજનને સંક્રમિત કરી શકે છે.

ડો.સંજયભાઈ ભટ્ટે વધુમાં જણાવ્યુ કે હાલની સ્થિતિ કપરી છે. જો આ સંજોગોમાં ગરબા થાય તો પરિસ્થિતિ વધુ કપરી બની શકે છે. હાલ રોગચાળો અને અન્ય સ્થિતિ એક ઘરે જ ભકિત કરવી જોઈએ. એકત્ર થતી કોઈપણ ઈવેન્ટ ન કરવી હાલની પ્રબળ માંગ છે.

ડો.પ્રફુલ કમાણી જાણીતા ગેસ્ટ્રોલોજીસ્ટ, વોકહાર્ટ હોસ્પિટલ

હાલની કોરોનાની કપરી સ્થિતિમાં ગરબા કરવા યોગ્ય ન કહેવાય તેમ સૌરાષ્ટ્રના જાણીતા પેટ, લીવર, આંતરડાના રોગના નિષ્ણાંત વોકહાર્ટ હોસ્પિટલના ડો. પ્રફુલ કમાણીએ જણાવીને વધુમાં ઉમેર્યુ છે. જો ખેલૈયાઓ ગરબે રમે તો તેઓને શ્વાસ વધતા અન્ય રાસે રમતા લોકોને કોરોનાથી સંક્રમિત થવાની શકયતા વધે છે. સતત ગરબે રમવાથી પરસેવો વધે તેથી બેકટેરીયા અને શ્વાસનું પ્રમાણ વધી જાય છે.

ડો.પ્રફુલ કમાણીએ વધુમાં જણાવ્યુ છે કે રાસોત્સવમાં વધુ પડતા વિરામમાં નાસ્તો કરવા સૌ સાથે બેસે તો પણ ટ્રાન્સમિશન વધી જાય. એક જગ્યાએથી વિવિધ વિસ્તારમાં આવતા લોકો કોરોનાને વકરાવી શકે છે. રાત - ઉજાગરા અને સતત રમવાની રોગ પ્રતિકારક શકિત ઘટે છે. તેથી ઈફેકટીવ થવાની શકયતા પણ વધી જાય છે. હાલમાં કોરોનાની સ્થિતિમાં સૌએ સોશ્યલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરીને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવુ જોઈએ. આ વર્ષ ઘરે જ નવરાત્રી પર્વની ઉજવણી કરવી હિતાવહ છે.

ડો. મયંક ઠક્કર ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ શ્રી ગીરીરાજ હોસ્પિટલ

છેલ્લા ૬ માસથી કોરોનાની સારવાર કરીને સેંકડો દર્દીઓને સ્વસ્થ કરનાર શ્રી ગીરીરાજ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. મયંક ઠક્કરે સ્પષ્ટ કર્યુ છે કે માત્ર નવરાત્રીના ગરબા જ નહિં કોઈપણ પ્રકારે લોકો એકત્ર થવા ન જોઈએ.

ડો. મયંક ઠક્કરે જણાવ્યુ છે કે જો રાસે રમતા ખેલૈયાઓ માસ્ક પહેરીને ગરબે રમશે તો ઓકિસજન લેવલ ઘટી જવાથી કયારેક ચક્કર આવીને પડી જાય અને બેભાન જેવી સ્થિતિ પણ થઈ શકે છે. ખેલૈયાઓ એટલા ઉત્સાહપૂર્વક રાસે રમતા હોય છે કે પરસેવે નિતરતા હોય છે. આ સંજોગોમાં માસ્ક પહેરીને સામાન્ય રીતે ચાલી શકાય છે ત્યારે માસ્ક પહેરીને ગરબે ઘૂમવુ હિતાવહ નહી. આ વર્ષે કોઈ ભીડ એકત્ર કર્યા વગર જ ઘરે જ નવરાત્રી મહાપર્વની ઉજવણી કરવી જોઈએ.

ડો. જય ધીરવાણી આઈએમએ રાજકોટ પ્રેસીડેન્ટ

રાજકોટ મેડીકલ એસોસીએશનના પ્રેસીડેન્ટ ડો. જય ધીરવાણીએ સ્પષ્ટ કર્યુ છે કે હાલની કોરોનાની સ્થિતિમાં સૂમહમાં નવરાત્રી ઉજવણી હિતાવહ નથી.

રાજકોટ આઈએમએ પ્રેસીડેન્ટ ડો. જય ધીરવાણીએ જણાવ્યુ છે કે હાલની કોવિડ-૧૯ની સ્થિતિમાં આઈએમએ અમદાવાદ અને ગુજરાત સ્ટેટ આઈએમએ દ્વારા રાજય સરકારમાં રજૂઆત કરી નવરાત્રીની જાહેરાતમાં ઉજવણી ન કરવા માંગ કરી છે. નવરાત્રીમાં જો લોકો એકત્ર થઇને ગરબે રમશે તો સંક્રમણ વધી શકે છે. તેથી સમાજ અને લોકોના હિતાર્થે નવરાત્રી પર્વની જાહેરમાં ઉજવણી ન કરવી જોઈએ.

ડો. અર્ચિત રાઠોડ ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ

રાજકોટના જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત જીનેસીસ હોસ્પિટલના ડો. અર્ચિત રાઠોડે હાલના સંજોગોમાં નવરાત્રીમાં રાસોત્સવ ન જ યોજવા પર ભાર મૂકયો છે.

જીનેસીસ હોસ્પિટલના જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.અર્ચિત રાઠોડે જણાવ્યુ છે કે નવરાત્રી દરમિયાન રાસ ગરબામાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવુ અશકય છે. માસ્ક પહેરીને પણ રમવુ હિતાવહ નથી. રાસોત્સવમાં રમતા લોકોમાં શ્વાસની ક્રિયા ઝડપી બને છે. તેઓને શ્વાસ લેવાની અને છોડવાની ઝડપ સામાન્ય કરતા વધારે હોય છે. સૌ સાથે રમતા હોય છે. કોઈ સંક્રમિત રાસે રમતો હોય તો અન્યને ઝડપથી સંક્રમિત કરી શકે છે. હાલની કોરોનાની સ્થિતિમાં રાસ ગરબા સમૂહમાં યોજવાને બદલે ઘરે જ ભકિત કરવા અપીલ છે.

ડો. મિલાપ મશરૂ ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ, સિનર્જી હોસ્પિટલ

હાલની કોવિડ-૧૯ની સ્થિતિમાં નવરાત્રીમાં રાસોત્સવ યોજવો જરા પણ ઉચીત નથી તેમ સૌરાષ્ટ્રના જાણીતા ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ સિનર્જી હોસ્પિટલના ડો. મિલાપ મશરૂએ જણાવ્યુ છે.

ક્રિટીકલ કેર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા અને જટીલ રોગોની ઝડપી સારવાર કરનાર સિનર્જી હોસ્પિટલના ડો.મિલાપ મશરૂએ જણાવ્યુ છે કે આપણે સાતમ - આઠમના તહેવારની ઉજવણી કે મેળા નથી કર્યા છતા કોરોનાના કહેરમાં ઉછાળો આવ્યો છે. તો આપણે સમૂહમાં ગરબા યોજીએ તો કોરોનાની સ્થિતિમાં કેસમાં વધુ ઉછાળો આવી શકે છે. રાસોત્સવમાં યુવાનો સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ અઘરૂ છે. માસ્ક પહેરીને રમી ન શકાય. જો માસ્ક પહેરીને રમે તો ઓકિસજન ઘટી જાય કયારેક આ સ્થિતિમાં ખેલૈયાઓ ચક્કર આવીને પડી જતા હોય છે. લોકો એકત્ર ન થાય તે જ હાલની સ્થિતિની માંગ છે. આ વર્ષ ઘરે જ નવરાત્રી પર્વમાં ભકિત કરવા અપીલ છે.

ડો. દિગ્વિજયસિંહ જાડેજા ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ, ગોકુલ હોસ્પિટલ

સૌરાષ્ટ્રના જાણીતા ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. દિગ્વિજયસિંહ જાડેજાએ પણ સ્પષ્ટ ઉચ્ચાર વ્યકત કર્યો છે કે આ વર્ષ નવરાત્રી મહાપર્વની ઉજવણી શેરી - સોસાયટી કે જાહેરમાં ન કરવી જોઈએ. કોવિડ-૧૯ની મહામારીમાં સૌ સ્વયં જાળવીને આ વર્ષ જ ઘરે માતાજીની આરતી, ગરબા અને પૂજન અર્ચન કરવા વિનમ્ર અનુરોધ કરેલ છે.

અનુભવી ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે જો જાહેર ગરબા અને સોસાયટી કે શેરીમાં  થાય તો લોકો એકત્ર થાય તેથી સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાશે નહિં. માસ્ક પહેરીને શારીરીક કસરત કરવી કઠીન છે. આ સંજોગોમાં જો માસ્ક પહેરીને ગરબે રમવુ યોગ્ય નથી. જો માસ્ક પહેરીને રમશે તો ઓકિસજનનું પ્રમાણ ઘટી જશે. અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેથી આ વર્ષ કોરોનાની મહામારીમાં સૌ સંયમ જાળવીને ઘરે જ માતાજીની પૂજા - અર્ચના કરવા જોઈએ.

(3:06 pm IST)
  • એન.સી.પી.ચીફ શરદ પવાર 1 દિવસના ઉપવાસ ઉપર : સ્પીકરે સભ્યોને વિરોધ કરવાની તક આપવી જોઈએ : કૃષિ બિલ પાસ કરતા પહેલા ઓછામાં ઓછી બે થી ત્રણ દિવસની ચર્ચા થવી જરૂરી હતી : બરતરફ કરાયેલા 8 સાંસદોના સમર્થનમાં રાજ્યસભામાંથી વોક આઉટ access_time 1:18 pm IST

  • તાઇવાન માટે ચીન ખતરા સમાન : બની ગયાનું તાઇવાનના મહિલા રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેને કહ્યું છે. છેલ્લા ૨ દિવસથી ચીન તરફથી સતત ફાઇટર પ્લેનો તાઇવાનની સીમામાં ઉડાવાય છે અને ચીન સંપૂર્ણ નફફટાઇથી કહે છે તાઇવાન અમે ગમે ત્યારે હડપ કરી જશું તેમણે કહ્યું કે તાઇવાન જલસીમામાં ધુસી આવવાનું કૃત્ય જ દર્શાવે છે કે ચીન આ સમગ્ર વિસ્તાર માટે ખતરા સમાન છે. અમેરીકાના ટોચના અધિકારી કીથ કૈચની તાઇવાન મુલાકાત સમયે ચીનના લશ્કરી વિમાનો તાઇવાન ઉપર ઉડયા હતા access_time 3:05 pm IST

  • મલાલા : નોબલ શાંતિ પારીતોષીક વિજેતા મલાલા યુસુફજઇ કહે છે કોરોના મહામારી પૂર્ણ થયા પછી ૨ કરોડ દિકરીઓ સ્કુલોમાં ફરી ભણવા માટે નહિ જાય. મહામારીએ આપણા સામુહીક ધ્યેયને મોટી લપડાક મારી છે. ૨૦૧૫ જે સતત વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવાનું અપનાવાયેલ તેમાં ખુબ ઓછુ કામ થયું છે. access_time 3:05 pm IST