Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

મોરબી રોડ આવાસ કવાર્ટરની સગીરાને પડોશી અસ્લમ એકટીવામાં બેસાડી ભગાડી ગયોઃ સીસીટીવીમાં દેખાયા

રૈયા ગામની સગીરા નોકરીએ ગયા બાદ ગૂમઃ અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો

રાજકોટ તા. ૨૨: સગીરાના અપહરણની બે ઘટના પોલીસ સુધી પહોંચી છે. મોરબી રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતી સગીરાને ત્યાં જ રહેતો માજોઠી શખ્સ એકટીવામાં બેસાડીને ભગાડી જતાં બંને સીસીટીવી કેમેરામાં દેખાયા હોઇ ફરિયાદ નોંધાવાઇ છે. બીજા બનાવમાં રૈયા ગામની સગીરા ગઇકાલે નોકરીએ જવા નીકળ્યા બાદ લાપત્તા થઇ હોઇ પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધ્યો છે.

પ્રથમ બનાવમાં મોરબી રોડ શિવધારા સોસાયટી પાસે લોકમાન્ય તિલક આવાસ યોજના કવાર્ટરમાં રહેતી ૧૫ વર્ષની માજોઠી મુસ્લિમ પરિવારની સગીરાને આ કવાર્ટરમાં જ બ્લોક નં. સી-૫૦૪માં રહેતો અસ્લમ રઝાકભાઇ માજોઠી લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ બી-ડિવીઝન પોલીસ મથકમાં સગીરાના માતાએ નોંધાવી છે.

તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે સિવિલ હોસ્પિટલમાં આઠ વર્ષથી સર્વન્ટ તરીકે નોકરી કરે છે. પતિ ઇલેકટ્રીક કામ કરે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.  ગઇકાલે ૨૧/૯ના સવારે પોતે નોકરી પર ગયેલા હતાં અને બાદમાં પતિ-પુત્ર પણ તેના કામે ગયા હતાં. બપોર બાદ પોતે નોકરીએથી ઘરે આવ્યા ત્યારે મોટી દિકરીએ વાત કરી હતી કે નાની ૧૫ વર્ષની દિકરી ઘરે કંઇ કહ્યા વગર જતી રહી છે. આથી આસપાસમાં તપાસ કરતાં તે મળી નહોતી. નજીકમાં રહેતો અસ્લમ માજોઠી ઘરે આવતો-જતો હોઇ તેના અંગે તપાસ કરતાં તેનો ફોન પણ બંધ આવતો હતો.

એ પછી આવાસ યોજનાના સીસીટીવી કેમેરા ચેક કરતાં બપોરે બે વાગ્યે  અસ્લમ  તેણીની દિકરીને એકટીવામાં બેસાડીને લઇ જતો જોવા મળ્યો હતો. અસ્લમનો ભાઇ ઇમ્તિયાઝ પણ કેમેરાના ફૂટેજ જોવામાં સાથે હતો. અસ્લમ જ ભગાડી ગયાનું સ્પષ્ટ થતાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એમ. બી. ઓૈસુરા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.

અન્ય બનાવમાં રૈયા ગામ જે. કે. પાર્કના ખુણા પાસે રહેતાં કોળી પરિવારની ૧૬ વર્ષની દિકરીના અપહરણનો ગુનો યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયો છે.

દિકરીના પિતાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩ મુજબ ગુનો નોંધ્યો છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે. જેમાં ચોથા નંબરની દિકરી ૧૬ વર્ષ અને ૯ માસની વય ધરાવે છે. જે રૈયા રોડના સુપર માર્કેટમાં નોકરી કરે છે. ગઇકાલે ૨૧/૯ના સવારે તેણી નોકરીએ ગઇ હતી. બપોરે દરરોજ એકાદ વાગ્યે જમવા આવતી હોઇ ન આવતાં તે જ્યાં નોકરી કરે છે ત્યાં તપાસ કરવા જતાં તેણી ૨૦મીએ સાંજે જ હિસાબના પૈસા લઇગયાનું અને ૨૧મીએ નોકરીએ જ નહિ આવ્યાનુ જણાવાયું હતું. સગા સંબંધીઓને ત્યાં તથા બીજા સ્થળોએ તપાસ કરવા છતાં તે ન મળતાં અંતે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગર અને ટીમે તપાસ હાથ ધરી છે.

(12:50 pm IST)
  • ૫ વર્ષમાં વડાપ્રધાને ૫૮ દેશોની મુલાકાત લીધી છે : રાજયસભામાં વિદેશ ખાતાએ જણાવ્યુ હતુ કે ૨૦૧૫ પછી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ ૫૮ દેશોની મુલાકાત લીધી છે. access_time 3:13 pm IST

  • ભયજનક !! : સીબીઆઇ દ્વારા તાજેતરમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ, ભારતમાં ઓછામાં ઓછી 31 લાખ NGO છે : જે શાળાઓની સંખ્યા કરતાં બમણાથી વધુ અને સરકારી હોસ્પિટલોની સંખ્યાના 250 ગણી થાય છે : ગહબની વાત તો એ છે કે તેમાંથી મોટાભાગના NGO એ ઇન્કમટેક્સ રીટર્ન ભર્યું નથી અથવા બેલેન્સશીટ પણ તૈયાર કરી નથી access_time 10:41 pm IST

  • 3.6ની તીવ્રતાના ધરતીકંપથી શ્રીનગર ધ્રુજી ઉઠ્યું : લોકો રસ્તાઓ પીઆર દોડી આવ્યા : જમ્મુ અને કાશ્મીર - શ્રીનગરના ઉત્તર પશ્ચિમ વિસ્તારથી 11 કિ.મી. ના અંતરે મોડી સાંજે 09:40 વાગ્યે ભૂકંપ નોધાયાનું રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્ર એ જાહેર કર્યું છે. access_time 12:07 am IST