Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જંગલેશ્વરનો દિનેશ ઉર્ફ બાબરી તમંચા સાથે પકડાયોઃ કાલુ રાજસ્થાનીનું નામ ખુલ્યું

ચોરી-રાયોટ-ગેરકાયદે હથીયાર સહિત ૭ ગુના હતાં...હવે ૮મો નોંધાયો : આલીયા નામના બુટલેગરથી ભય હોઇ સાથે રાખ્યાનું રટણઃ રિમાન્ડની તજવીજ : ભકિતનગરના એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી અને રણજીતસિંહ પઢારીયાની બાતમી

રાજકોટ તા. ૨૪: સમયાંતરે કોઇને કોઇ શખ્સને પોલીસ ગેરકાયદે હથીયાર-તમંચા-દેશી પિસ્તોલ-રિવોલ્વર સાથે પકડી લે છે. વધુ એક શખ્સ ઝપટે ચડ્યો છે. જંગલેશ્વર મેઇન રોડ શાળા નં. ૭૦ સામે રહેતાં દિનેશ ઉર્ફ બાબરી હકાભાઇ રીબડીયા (કોળી) (ઉ.વ.૨૩)ને જંગલેશ્વર એકતા કોલોની-૪ના ખુણેથી રૂ. ૫૦૦૦ના દેશી તમંચા સાથે પકડી લેવાયો છે. પ્રાથમિક પુછતાછમાં રાજસ્થાનના કાલુ નામના શખ્સ પાસેથી લાવ્યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

દિનેશ ઉર્ફ બાબરી વિરૂધ્ધ અગાઉ ભકિતનગરમાં ચોરી-દારૂના પાંચ ગુના અને ચોટીલા પોલીસમાં હથીયારનો ગુનો તથા થોરાળા પોલીસમાં રાયોટનો ગુનો નોંધાયો હતો. સાત ગુના પછી હવે આઠમો ગુનો તેના નામે ચડ્યો છે. તે તમંચો ભેગો લઇને ફરતો હોવાની બાતમી ભકિતનગર ડી. સ્ટાફના એએસઆઇ ફિરોઝભાઇ આઇ. શેખ, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી અને રણજીતસિંહ પઢારીયાને મળતાં તેને પકડી લેવાયો હતો. પોતાને આલીયા નામના બુટલેગર સાથે માથાકુટ ચાલતી હોઇ કાલુ રાજસ્થાની પાસેથી આ તમંચો લીધાનું તેણે રટણ કર્યુ છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જે.ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. સલિમભાઇ મકરાણી, રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગોસ્વામી, હિરેનભાઇ પરમાર, કોન્સ. વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, મનિષભાઇ શિરોડીયા, રાજેશભાઇ ગઢવી અને હિતેન્દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. દિનેશ અગાઉ સુરત જેલમાં હતો ત્યારે રાજસ્થાની શખ્સની મુલાકાત થઇ હોવાનું તે રટણ કરે છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

(11:54 am IST)