Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

બેન મારે સરધાર જવું છે, ઉતરી જાવ...ભાડુ પણ નથી જોઇતું...મહિલા રિક્ષામાંથી ઉતર્યા ને જોયું તો પર્સમાંથી રોકડ-મોબાઇલ ગાયબ હતાં!

માંડાડુંગરથી આજીડેમ ચોકડીએ આવવા રિક્ષામાં બેઠેલા મહિલા સાથે રિક્ષાચાલક અને સાથે બેઠેલી બે મહિલાની ગઠીયાગીરીઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૨: રિક્ષાગેંગ ફરી એકવાર ઝળકી છે. મુસાફરોના રોકડ-દાગીના ચોરી લેતી ટોળકીઓ  અવાર-નવાર પકડાય છે અને ફરીથી નવી ટોળકી કે જેલમાંથી છુટ્યા બાદ જુની ટોળકી મેદાને આવી જાય છે. માંડાડુંગર પાસે રહેતી મહિલાના પર્સમાંથી રોકડ અને મોબાઇલ ફોન સેરવી લેવાતાં રિક્ષા ચાલક અને બે અજાણી મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગે આજીડેમ પોલીસે માંડા ડુંગર પાછળ ગોકુળ પાર્ક બ્લોક નં. ૩માં ભાડેથી રહેતી મુળ લાલપુર (જામનગર)ની બિપીકાબેન તુષારભાઇ પાડેલીયા (પટેલ) (ઉ.૨૬)ની ફરિયાદ પરથી અજાણ્યા રિક્ષાચાલક તથા તેમાં બેઠેલી બે મહિલા સામે આઇપીસી ૩૭૯ (એ), (૧), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

બિપીકાબેન પતિ, પુત્રી સાથે રહે છે અને તેના પતિ ગોકુળ પાર્કની સાઇટ પરની ઓફિસમાં સુપરવાઇઝર છે. ગઇકાલે બપોરે તેણીને આજીડેમ ચોકડીએ ખરીદી કરવા જવું હોઇ ગોકુળ પાર્કના ગેઇટ પાસેથી રિક્ષામાં બેઠી હતી. આ રિક્ષામાં પહેલેથી જ બે બહેનો બેઠેલી હતી. તેમાંથી એક બહેને 'મને ઉલ્ટી જેવું થાય છે એટલે તમે વચ્ચે બેસી જાવ' તેમ કહી નીચે ઉતરતાં તેણી વચ્ચે બેસી ગઇ હતી.

રિક્ષા માંડા ડુંગરથી આગળ ભાવનગર રોડ ચડી જૈન દેરાસર પાસે આવતાં ચાલકે ઇમર્જન્સી કામ હોઇ સરધાર જવું પડે છે તેમ છે, તમે ઉતરી જાવ, બીજી રિક્ષા મળી જશે...મારે ભાડુ પણ જોઇતું નથી. તેમ કહી ઉતારી મુકી હતી.

એ પછી તેણે પતિને ફોન કરવા પાકીટમાંથી મોબાઇલ કાઢવા જતાં મોબાઇલ નહોતો અને રૂ. ૨૭૦૦ રાખ્યા હતાં એ પણ જોવા મળ્યા નહોતાં. ફોન અને રોકડ સાથે બેઠેલી બે મહિલા નજર ચુકવી ચોરી ગયાની ખબર પડી હતી. ત્યાંથી તેણી ઘરે પરત ગઇ હતી અને પતિને વાત કરી હતી.  એ પછી પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી હતી. હેડકોન્સ. સવજીભાઇ બાલાસરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:53 am IST)