Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

કોરોનાની સારવારમાં ફાયદાકારક

'રેમડેસિવિર' ઇન્જેકશનનું સરકાર દ્વારા ભાવ બાંધણું થાય તો લોકો લૂંટાતા બચેઃ જાડેજા-દેસાઇ

'રેમડેસિવિર' બનાવતી દરેક કંપનીના ભાવો અલગ-અલગ ! : દરેક મેડીકલ સ્ટોરમાં 'રેમડેસિવિર' મળે, કોવિડ હોસ્પિટલમાં ઇન્જેશનના સ્ટોરનું બોર્ડ મારવું, પેશન્ટને હોલસેલ ભાવે આપવું સહિતની માંગણીઓ સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસો. દ્વારા કરવામાં આવી : દવઓના ભાવનું નિયંત્રણ કરતા NPPA પાસે પણ ટૂંકમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે

રાજકોટ તા. ર૧ :.. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા) વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID-19) એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લઇ લીધો છે. અને હજુ પણ કાળમુખો કોરોના અટકવાનું નામ નથી લેતો. કરોડો લોકો કોરોનાગ્રસ્ત થઇ રહ્યા છે અને વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. હોમ આઇસોલેશનમાં કે હોમ કવોરન્ટાઇનમાં રહીને પણ સારવર લે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં 'રેમડેસિવિર' ઇન્જેકશન ફાયદાકારક જણાતા હાલમાં આ ઇન્જેકશનની પુષ્કળ ડીમાન્ડ નિકળી પડી છે. કોરોનાગ્રસ્ત દર્દીને સામાન્ય રીતે રેમડેસિવિર વાયલના સમયાંતરે છ ડોઝ આપવા પડતા હોય છે.

આવા સંજોગો વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશન તથા કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા આજરોજ અકિલાને જણાવ્યું હતું કે કોરોનાથી પીડાતી પ્રજાને જો લૂંટાતી બચાવવી હોય તો સરકાર દ્વારા તાત્કાલીક અસરથી રેમડેસિવિર ઇન્જેકશનનું ભાવબાંધણું થાય તે અત્યંત જરૂરી છે.

કારણ કે હાલમાં પાંચેક કંપનીઓ દ્વારા 'રેમડેસિવિર' ઇન્જેકશન બનાવવામાં આવે છે. પરંતુ દરેક કંપનીના ભાવો અલગ - અલગ જોવા મળે છે. જેને કારણે હાલની કપરી પરિસ્થિતિમાં લોકોને પણ ઘણી વખત જુદી જુદી કંપનીના સંદર્ભમાં વધુ રૂપીયા ચુકવવા પડતા હોવાનું કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસો.ના હોદેદારો કહી રહ્યા છે. વધુમાં જણાવે છે કે સમગ્ર દેશમાં તમામ દવાઓના ભાવોનું નિયંત્રણ કરતી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇસીંગ ઓથોરીટી (NPPA) સમક્ષ પણ 'રેમડેસિવિર' ઇન્જેકશનની એકસરખી કિંમત રાખવા બાબતે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ (AIOCD) દ્વારા ટૂંક સમયમાં જ રજૂઆત કરવામાં આવનાર છે.

આ ઉપરાંત અન્ય માંગણીઓ સંદર્ભે કેમીસ્ટ એસો.ના હોદેદારોએ જણાવ્યું હતું કે હાલમાં રેમડેસિવિર ઇન્જેકશનનું ૭૦ થી ૮૦ ટકા જેટલું પ્રોડકશન વિવિધ શહેરોમાં આવેલી કોવિડ હોસ્પિટલોને સરકાર દ્વારા આપવામાં આવે છે. માર્કેટમાં મેડીકલ સ્ટોર્સ ઉપર રેમડેસિવિર ઉપલબ્ધ નથી બની શકતાં. જો દરેક મેડીકલ સ્ટોર ઉપર પણ રેમડેસિવિર આપવામાં આવે તો કોવિડ હોસ્પિટલમાં દાખલ ન થયેલા અને કોરોનાગ્રસ્ત લોકોને ઇન્જેકશન સરળતાથી મળી શકે. સાથે - સાથે દરેક કોવિડ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેકશનના કુલ સ્ટોકનું બોર્ડ મારવું તથા એ હોસ્પિટલ ખાતેથી દરેક કોરોનાગ્રસ્ત પેશન્ટને 'નહીં  નફો નહીં નુકશાન'ના ધોરણે રેમડેસિવિર ઇન્જેકશન મળે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

દરમ્યાન રેમડેસિવિર ઇન્જેકશનની રાજકોટ તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભયંકર અછત ન રહેતા જરૂરીયાત મુજબ તમામ કોવિડ હોસ્પિટલમાં તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું સરકારી સૂત્રો કહી રહ્યા છે. અમુક હોસ્પિટલમાં અછત થાય તો અન્ય જગ્યાએથી પણ ટૂંક સમયમાં મેનેજ થતું હોવાનું જાણવા મળે છે. 

રાજકોટ ખાતે વિવિધ કંપનીઓમાંથી પરમ દિવસે જ ૮૦૦ થી ૧૦૦૦ (એક હજાર) જેટલા રેમડેસિવિર ઇન્જેકશન આવ્યા હોવાનું જાણવા મળે છે. (પ-૧પ)

વિવિધ કંપનીઓના રેમડેસિવિર ઇન્જેકશનની અંદાજીત M.R.P.

- જુબીલન્ટ ફાર્મા        ૪૭૦૦ રૂપિય

- હેટ્રો   પ૪૦૦ રૂપિયા

- સિપ્લા        ૪૪૦૦ રૂપિયા

- ડો. રેડ્ડી       હજુ સુધી રાજકોટમાં માલ ન આવ્યાની ચર્ચા છે

- ઝાયડસ કેડીલા       ર૮૦૦ રૂપિયા  

(11:52 am IST)
  • કાલે નરેન્દ્રભાઇ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજયોના મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે : આ મીટિંગમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ રહેશે હાજર access_time 3:05 pm IST

  • વડોદરામાં વાઘોડિયા રોડ પાસેના વૈકુંઠ એપાર્ટમેન્ટમાં લિફ્ટ રિપેર કરનારા મિકેનિકનું લિફ્ટ અચાનક શરૂ થતાં દબાઇ જતાં મૃત્યુ access_time 10:40 pm IST

  • ચાઈના : બેઇજિંગના બે જિલ્લામાં ઢગલાબંધ પ્રચંડ વિસ્ફોટ : ૧૦૦ ફાયર ફાઈટર સ્થળ ઉપર : ચીનની રાજધાની બેઇજિંગના બે જિલ્લામાં સંખ્યાબંધ વિસ્ફોટો થયાના અહેવાલ મળે છે. એનટીડી ના અહેવાલ મુજબ વિસ્ફોટના સ્થળ ઉપર ૧૦૦ થી વધુ ફાયર ફાઇટર જોવા મળ્યાના અહેવાલ આવે છે. access_time 12:10 am IST