Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

થોરાળા વિસ્તારમાં વહેલી સવારે દારૂની મેગા ડ્રાઇવઃ ક્રાઇમ બ્રાંચ-થોરાળા પોલીસના દરોડાઃ હજારો લિટર દારૂનો આથો-ભઠ્ઠીઓનો નાશ કરાયો

રાજકોટઃ ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંહ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડની સુચના અને રાહબરીમાં રવિવારે સવારે થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં દેશી દારૂની મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. કુબલીયાપરા, ચુનારાવાડ, રાજમોતી મીલ પાછળના વિસ્તારમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતાં.

પોલીસે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ૨૨૦૦ લિટર દારૂના આથાનો નાશ કર્યો હતો. તેમજ ૨૦૦ લિટર દારૂ કબ્જે કર્યો છે. અખાધ્ય ગોળના ૧૮ ડબ્બા, પ્લાસ્ટીકની બેગ પાંચ લિટરની ૧૫ કબ્જે કર્યા હતાં. આ ઉપરાંત ત્રણ કેસ દાખલ કરી સિતારામ ધીરુ મકવાણા, ચાંદની વિરૂ સોલંકી અને ગોવિંદ માધુ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. કુલ દારૂ ૨૦૦ લિટર રૂ. ૪ હજારનો કબ્જે કરાયો હતો. તેમ પી.આઇ. બી.ટી. વાઢીયાએ જણાવ્યું હતું. તસ્વીરોમાં પોલીસે દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા તેના દ્રશ્યો જોઇ શકાય છે. દારૂના આથાની જાણે નદીઓ વહી હતી તે પણ જોઇ શકાય છે.

(11:24 am IST)