Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

લક્ષ્મીવાડીના અતુલભાઇ મજીઠીયાને વ્યાજખોરોનો અનહદ ત્રાસઃલાખો વસુલ્યા, ઓફિસ પણ પડાવી લીધીઃ વધુ વ્યાજ માંગી ખૂનની ધમકી

લીબુંડીવાડી પાસે રહેતાં બિપીન બુધ્ધદેવ, પીપળીયા હોલ પાસેના ઉમેશ દત્તાણી અને લક્ષ્મીવાડીના સંજયસિંહ ઉર્ફ ચિન્ટુ ઝાલા સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો : બિપીનને ૧૫ લાખ સામે ૨૨ાા લાખ, ઉમેશને ૬ાા લાખ સામે ૨ાા લાખ અને સંજયસિંહને ૧૦ લાખ સામે ૨ાા લાખ ચુકવ્યા છતાં સંજયસિંહે વધુ ૧૫ લાખ માંગી ધમકી દીધી અને ઓફિસનું બળજબરીથી સાટાખત કરાવી લીધું

રાજકોટ તા. ૨૧: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લક્ષ્મીવાડીમાં રહેતાં અને વિમા એજન્ટ તરીકે કામ કરતાં લોહાણા પ્રોૈઢે પૈસાની જરૂરિયાત ઉભી થતાં વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી ત્રણ લોકો પાસેથી કટકે-કટકે ૧૫ લાખ, ૬ાા લાખ અને ૧૦ લાખ રૂપિયા લીધા હતાં. આ રકમ સામે લાખોનું વ્યાજ ચુકવ્યા બાદ પણ વધુ વ્યાજ માંગી ધાકધમકી આપી તેમજ પ્રોૈઢ તથા તેમના ભાઇના નામની ઓફિસનું બળજબરીથી સાટાખત કરાવી લઇ ઘરે જઇ તેમજ ફોન પર ગાળો દઇ ધમકીઓ આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે લક્ષ્મીવાડી-૪માં વાત્સલ્ય મકાન ખાતે રહેતાં અને વિમાનું કામ કરતાં અતુલભાઇ મનહરભાઇ મજીઠીયા (ઉ.૪૯)ની ફરિયાદ પરથી લીંબુડીવાડી મેઇન રોડ કાલાવડ રોડ પર રહેતાં બિપીન રમણિકભાઇ બુધ્ધદેવ, પીપળીયા હોલ સામે લક્ષમણભાઇ બોરીચાના મકાનમાં રહેતાં ઉમેશભાઇ શશીકાંતભાઇ દત્તાણી તથા લક્ષ્મીવાડી-૬/૭ના ખુણે ક્રિષ્ના કુંજમાં રહેતાં સંજયસિંહ ઉર્ફ ચીન્ટુ જગુભા ઝાલા સામે આઇપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), મનીલેન્ડ એકટ ૪૦, ૪૨ (એ) (ડી) હેઠળ ગુનો નોંધ્યો છે.

અતુલભાઇ મજીઠીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે વીમા એજન્ટ તરીકે કામ કરે છે. સંતાનમાં બે પુત્ર છે. વર્ષ ૨૦૧૫માં પૈસાની જરૂરિયાત ઉભી થતાં બિપીન બુધ્ધદેવ પાસેથી રૂ. ૧૫ લાખ ૩ ટકા વ્યાજેથી લીધા હતાં. તેની પાસે ધીરધારનું લાયસન્સ પણ નથી. આ રકમ સામે તેને રૂ. ૨૨,૫૫,૦૦૦ ચુકવી દીધા હતાં. તેમ છતાં તેણે બળજબરીથી વિજય કોમર્શિયલ બેંકના કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી.

આ ઉપરાંત ઉમેશ દત્તાણી પાસેથી રૂ. ૬,૫૦,૦૦૦ ૨૦૧૭માં ૨ ટકા વ્યાજેથી લીધા હતાં. તેની સામે તેને રૂ. ૫૦ હજાર વ્યાજના ચુકવ્યા છે. તેમજ આજથી ચાર મહિના પહેલા ઓળખીતા એવા સંજયસિંહ ઉર્ફ ચીન્ટુ ઝાલા પાસેથી રૂ. ૧૦ લાખ વ્યાજે લીધા હતાં. તેને વ્યાજ પેટે રૂ. ૨ાા લાખ ચુકવી દીધા છે. આમ છતાં વધુ ૧૫ લાખની ઉઘરાણી કરે છે. આ ઉપરાંત અતુલભાઇ અને તેના ભાઇ ચેતનભાઇના નામની ઓફિસનું સંજયસિંહે પોતાના સગા શકિતસિંહ જાડેજાના નામનું સાટા ખત કરાવડાવી લઇ ઓફિસ પણ પડાવી લીધી હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. આ ઉપરાંત વધુ વ્યાજની ઉઘરાણી કરી ફોન પર ગાળો દઇ તેમજ ઘરે આવી મારી નાંખવાની ધમકી અપાતી હોઇ ફફડી ગયેલા અતુલભાઇ મજીઠીયાએ અંતે પોલીસને જાણ કરતાં પી.આઇ. વી. કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ. વી. પીપરોતરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:01 pm IST)