Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કાલે વિસર્જન યાત્રા સાથે ગણેશોત્સવનું સમાપન

ભાવિકો ભાવ વિહવળ બની દાદાને વિદાય આપશે : 'અગલે બરસ તુ જલ્દી આ' ના નારા ગુંજશે

રાજકોટ તા. ૨૨ : છેલ્લા દસ દસ દિવસથી દુંદાળા દેવનું સ્થાપન કરી ગુણલા ગઇ રહેલ ભાવિકો હવે ભાવ વિહવળ બનવા લાગ્યા છે. મહોત્સવના વિરામની ઘડી આવી પહોંચી છે. કાલે દાદાની વાજતે ગાજતે વિસર્જન યાત્રા યોજી મૂર્તીનું જળમાં વિસર્જન કરી વિદાય અપાશે. આ સમયે ભાવુક ભકતોની આંખો ભીની પણ થઇ જાય છે. જયાં દસ દસ દિવસથી આરતી પૂજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જાકમજોળ જામતી હતી ત્યાં કાલથી શાંતી છવાય જશે.

શહેરભરમાં આયોજીત ગણેશ મહોત્સવના છેલ્લા દિવસના કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

'કોઠારીયા કોલોની કા મહારાજા'ને સાંજે છપ્પન ભોગ ધરાવાશે

વિનાયક ગ્રુપ આયોજીત ૭/૩ માસ્તર સોસાયટી ખાતે બિરાજતા 'કોઠારીયા કોલોની કા મહારાજા'ના સાનિધ્યમાં દરરોજ સવાર સાંજ મહાઆરતી થઇ રહ્યા છે. ગઇકાલે વૃધ્ધાશ્રમના વડીલોના હસ્તે મહાઆરતી કરાવાઇ હતી. આજે સાંજે દાદાને છપ્પનભોગ ધરાવાશે. કાલે રવિવારે ગણપતિ દાદા મોરીયા અગલે બરસ તુ જલ્દી આ ના નારા સાથે વિસર્જન યાત્રા યોજાશે. આરતી દર્શનમાં ભાવિકોએ જોડાવા વિનાયક ગ્રુપના પ્રમુખ સત્યદીપસિંહ જાડેજા, કિરણબેન વડગામા, રાજુભાઇ વડગામા, રાજદીપસિંહ જાડેજા, જીતુભાઇ ડાભી, નૈમિષભાઇ પરમાર, પરિમલભાઇ, દાઉદભાઇ, બાબુભાઇ, દીપસિંહ પરમાર સહીતનાએ અનુરોધ કરેલ છે.

બ્રહ્મ સેના દ્વારા વિસર્જન યાત્રાનું ઠેરઠેર સ્વાગત કરાશે

ચોમેર ઉજવાય રહેલ ગણેશ મહોત્સવનું કાલે સમાપન થશે. ત્યારે નિકળનાર વિસર્જન યાત્રાનું બ્રહ્મ સેના દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાશે. સંસ્થા પંડાલોમાં જઇ સુકાનીઓના સન્માન કરાશે. તેમ બ્રમ સેના  અધ્યક્ષ જગદીશ રાવલની યાદીમાં જણાવાયુ છે.

કનૈયા ચોક બન્યો ગણેશમય

રૈયા રોડ ઉપર કનૈયા ચોકમાં ઉજવાય રહેલ ગણેશ મહોત્સવથી સમગ્ર ધર્મમય વાતાવતરણ સર્જાયુ છે. દરરોજ સવાર સાંજ ગણપતિદાદાના આરતી પૂજન થઇ રહ્યા છે. અવનવી પ્રસાદીનું દરરોજ વિતરણ થઇ રહ્યુ છે. કાલે વિસર્જન કરાશે.

રાતિયા હનુમાન મંદિરે સત્યનારાયણની કથા

ગણેશ મહોત્સવ અંતર્ગત ૬ સુભાષનગર, આમ્રપાલી સીનેમા પાસેના રાતિયા હનુમાન મંદિરે આજે શનિવારે સાંજે ૬ થી ૮ સત્યનારાયણની કથા સમગ્ર લતાવાસીઓના સહયોગથી રાખવામાં આવી છે. કાલે મંદિરમાંજ ગણેશજીનું સ્થાપન કરી વિસર્જન કરાશે. તેમ પ્રમોદ એન વોરાની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૨)

(3:54 pm IST)