Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સાવજને બચાવવા સાવધાન થાવ

ગીરની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવા જાગવુ જ પડશે

જેના દર્શનથી ત્રિલોક શોભે એવા સિંહ, વનના રાજાનું આપણા ગજરાતમાં હોવુ એ આપણા માટે આશીર્વાદ સમાન છે. ગીરના જંગલમાં સિંહોની સંખ્યા સાવ ઓછી થઇ ગઇ હતી તે હવે પ૦૦ ના આંકડાને વટાવી ગઇ છે તે ખરેખર શુભ સમાચાર છે છતાપણ આપણે આપણી આ પ્રાકૃતિક સંપદાથી કેટલા પરિચિત છીએ એ મોટો પ્રશ્ન છે.

ગીર એ એક રાષ્ટ્રીય ઉદ્યાન અભ્યારણ્ય છે. જેને ગીરનું જંગલ અથવા તો સાસણ-ગીર તરીકે આપણે ઓળખીએ છીએ. સૌરાષ્ટ્રમાં આવેલા આ વન્ય જીવના અભયારણ્યની સ્થાપના ઇ.સ.૧૯૬૫ માં કરવામાં આવી હતી. ૨૫૮ ચો.કી.મીી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૩ ચો.કી.મી. અભયારાણ્ય એમ કુલ મળીને ૧૪૧૨ ચો.કી.મી.ના વિસ્તારમાં તે ફેલાયેલ છે. સરકારી આ આદેશ પહેલા જ લગભગ છ દસકા પહેલા જ જુનાગઢના નવાબે સને ૧૯૦૦ થી ગીરના જંગલ વિસ્તાર અને તેના સિંહોને 'રક્ષિત' જાહેર કર્યા હતા. નવાબની આ પહેલા પાછળની ઘટના પણ ઇતિહાસમાં માનભેર નોંધાઇ છે. નવાબની આ ઉમદા પહેલ સિંહોના રક્ષણમાં એ સમયે ખુબજ મદદરૂપ સાબિત થયેલ કારણ કે સિંહોની વસ્તી વધતી જતી શિકારની પ્રવૃત્તિને કારણે તે સમયે માત્ર ૧૫ જેટલી જ રહી ગઇ હતી.

પુરા એશીયા ખંડમાં માત્ર ને માત્ર ગીરના આ અભ્યારણમાં સિંહો જોવા મળે છે. એટલે જ અહીંના સિંહોને એશિયાટીક લાયન કહેવામાં આવે છે. સરકારના 'સિંહ પ્રજનન કાર્યક્રમ' અંતર્ગત ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ થી વધારે નસ્લને રક્ષણ આપવામાં આવ્યું છે.

એશિયાઇ સિંહોને માફક આવતો આવાસ ખુલ્લો વગડો અને ઝાડી ઝાંખરાવાળો વન પ્રદેશ છે. ગીરનું જંગલ માત્ર સિંહો માટે જ શ્રેષ્ઠ પુરવાર થયુ છે એવું નથી. ગીરના જંગલમાં ૨૩૭૫ જેટલી પ્રાણીની પ્રજાતીઓ વસી રહી છે. જેમાં ૩૮ સસ્તન, ૩૦૦ પક્ષીઓ, ૩૭ સરીસૃપો અને ૨૦૦૦ થી વધુ કીટકોનો સમાવેશ થાય છે. આ પ્રજાતિઓ માંસાહાર કરતી પ્રજાતિઓ એટલે કે મુખ્યત્યવે એશિયાઇ સિંહ, દીપડો, જંગલી બિલાડી, ચટ્ટાપટ્ટાવાળો તરસ, શિયાળ, ભારતીય નોળીયો, જબાદીયુ, રતેલ, રણ બિલાડી, કાંટાળી ટીકાવાળી બિલાડીનો સમાવેશ થાય છે.

જો કે સિંહ સિવાયની પ્રજાતિઓનું અસ્તિત્વ ખુબ ઓછુ જોવા મળે છે. તો શાકાહારી પ્રજાતિઓમાં મુખ્યત્વે ચિતળ, નીલગાય (બ્લુ બુલ), સાબર, ચારસિંગા, કાળીયાર, ચિંકારા, જંગલી ડુકકરનો સમાવેશ થતો જોવા મળે છે.

આ માંસાહારી અને શાકાહારી પ્રાણીઓ ઉપરાંત નાના સસ્તન પ્રાણીઓમાં શાહુડી અને સસલા સામાન્ય રીતે વધુ માત્રામાં જોવા મળતા હોય છે. સરીસૃપ પ્રજાતિમાં મુખ્યત્વે મગર તેમજ કાચબા અને ઘો પણ ગીરમાં જોવા મળે છે. ગીરના છેવાડાના વિસ્તારમાં સાપ પણ મળી આવે છે. ઝરણાઓને કિનારે અજગર પણ જોવા મળે છે.

જુનાગઢનું સકકરબાગ સિંહ પ્રજનનનું અતિ મહત્વપૂર્ણ કાર્ય કરે છે. સકકરબાગમાં એશિયાઇ સિંહોના વર્તુણકના અભ્યાસ ઉપરાંત કૃત્રિમ વીર્ય દ્વારા સિંહોના સંવર્ધનનું કાર્ય પણ કરવામાં આવે છે. આશરે ૨૦૦ જેટલા સિંહોનું સંવર્ધન કરીને જુનાગઢના આ સકકરબાગે તેને અન્ય પ્રાણીબાગોમાં પણ મોકલ્યા છે. અહીં સંવર્ધિત થતા શુધ્ધ એશિયાઇ સિંહો વિશ્વભરના પ્રાણી સંગ્રહાલયોમાં પણ રહીને દુનિયાને એમની પ્રજાતિ વિશે જ્ઞાન આપવાનું મહામુલુ કાર્ય કરે છે.

ગુજરાત રાજયના ટુરીઝમ પોઇન્ટથી આ સ્થળને લોકલ જમીનના માલિકોએ આજે બિન જવાબદાર, બિન પ્રાકૃતિક તેમજ સમાજની અને સંસ્કૃતિની કોઇપણ જાતની પરવા કર્યા વગર ગીરના જંગલની આજુબાજુમાં ગેરયાદેસર ફાર્મ હાઉસ, હોટલો, કુટણખાનાઓ, દારૂના અડ્ડાઓ, ડીજેની પાર્ટીઓ શરૂ થઇ ગઇ છે. આવી પ્રવૃત્તિની જિલ્લા કલેકટર, મામલતદાર, પોલીસ વડા તેમજ ત્યાં સુધી કે એમએલએ, સાંસદ, સરપંચ બધા જ આવી બાબતોથી વાકેફ હોવા છતા ઉપરોકત બધી જ પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન થઇ રહ્યા છે. નવાઇની વાત એ છે કે પ્રકૃતિને બચાવવાવાળા પણ આવા ગોરખધંધામાં સામેલ છે. વનવિભાગ તરફથી પણ અવા લોકોને કાંઇ કહેવાતુન નથી. નહીતર ગાંધીનગર અને દિલ્હીથી આવા અધિકારીઓને દબાવી ટ્રાન્સફર સુધીના કામ થાય છે.

એક ભારગતના અને ગુજરાતના પ્રકૃતિ બચાવવા માટે મારી લાગણી અહી વ્યકત કરી છે. જો ગુજરાતની ગરીમા સમાજ સાવજ ને બચાવવા હોય તો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવી જ પડશે. રાજય સરકાર કડક પગલા ભરે તો જ સાવજને બચાવી શકાશે!

- ભરતસિંહ પરમાર

પ્રકૃતિ પ્રેમી, રાજકોટ મો.૯૪૨૯૬ ૮૭૦૦૦

(3:58 pm IST)