Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કે.પી. વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીપદે મનીષ ચાંગેલાની નિમણુંક

ગુજરાતની માતબર સાત સંસ્થાઓમાં ટ્રસ્ટી- કારોબારીપદે અનન્ય સેવાઓ

રાજકોટ,તા.૨૨: શ્રી પટેલ સેવા સમાજના ટ્રસ્ટી, માનદ્ સહમંત્રી તથા સંગઠન સમિતિના ચેરમેનશ્રી મનીષ ચાંગેલાએ વિવિધ ક્ષેત્રની પ્રવૃતિઓમાં કરેલી સફળ કામગીરીના પગલે ઉચી ઉડાન ભરી છે. અમદાવાદ ખાતે મળેલ ગુજરાતની સંસ્થા કે.પી. વિદ્યાર્થી ભવનની સાધારણ સભામાં સળંગ બીજી વખત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી એક માત્ર પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટીપદે વરણી કરવામાં આવી છે. શ્રી મનિષભાઈ ચાંગેલાની વિશિષ્ઠ સિધ્ધિ બદલ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ (મમ્મી), કે.પી.વિદ્યાર્થી ભવન અમદાવાદના પ્રમુખશ્રી  સતીષભાઈ પટેલ, શ્રી પટેલ સેવા સમાજના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) તેમજ ટ્રસ્ટી કારોબારી સભ્યોએ અભિનંદન પાઠવેલ છે.

અમદાવાદના હૃદયસમા વિસ્તાર ગુલબાઈ ટેકરા ખાતે આવેલ અમીન પી.જે.કે.પી. વિદ્યાર્થી ભવન સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજની ત્રીજા નંબરની વિકાસશીલ સંસ્થા છે. જેમાં અત્યારે ૩૦૦ દીકરા તથા ૩૦૦ દીકરીઓ માટે રહેવા- જમવા સાથેની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં સૌરાષ્ટ્રના ૩૫ ટકા વિદ્યાર્થીઓ નિવાસ કરે છે. આ વિસ્તાર અમદાવાદનો અુેજયુકેશન ઝોન છે, જેની આસપાસ અમદાવાદની પ્રતિષ્ઠિત કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આ સંસ્થામાં ૨૦૨૦ના વિઝન સાથે ૪૦ કરોડના ખર્ચે નવી સુવિધાઓ ઊભી થઈ રહી છે. જેમાં ૧૮૦૦ દીકરા- દીકરીઓની હોસ્ટેલમાં રહેવા- જમવા સાથેની સગવડતા તથા ૫૦૦ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તથા વ્યવસાયિક પરીક્ષા માટેનું કેન્દ્ર આકાર લેશે.

આ ઉપરાંત મનીષ ચાંગેલા ઉમિયાધામ ઊંઝામાં છેલ્લા ૨૧ વર્ષથી કારોબારી સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. સૌરાષ્ટ્રની માતબર ધાર્મિક સંસ્થા ઉમિયાધામ- સિદસરના વર્ષ ૧૯૯૯માં યોજાયેલ ઉમિયા મહોત્સવને અખબારના માધ્યમથી દેશ- વિદેશમાં પહોંચાડવાની અગ્રીમ જવાબદારી તેમના શિરે મુકવામાં આવી હતી.

તેઓ ગુજરાતની સાત જેટલી માતબર સંસ્થાઓમાં ટ્રસ્ટી- કારોબારીપદે પોતાની મુલ્યવાન સેવાઓ આપી રહ્યા છે. જેમાં ઉમિયાધામ ગાંઠીલા મંદિરમાં ૨૦૦૮થી તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તથા સરદારધામ (અમદાવાદ)ના વિકાસમાં સેવાઓ આપે છે. આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રની પ્રસિધ્ધ સંસ્થા શ્રી પટેલ સેવા સમાજ તથા શ્રી પટેલ પ્રગતિ મંડળ- રાજકોટના ટ્રસ્ટી, સહમંત્રી તથા સંગઠન સમિતિના ચેરમેનપદે રહીને છેલ્લા ત્રણ વર્ષમાં સામાજીક, શૈક્ષણિક, ઔદ્યોગિક તથા આરોગ્યલક્ષી પ્રવૃતિઓ થકી સમાજના વિકાસમાં અનેરૃં પ્રદાન કર્યું છે. જેમાં ગતવર્ષે ૩૦ હજારની સંખ્યામાં આયોજિત ઐતિહાસિક મહિલા સંમેલનની વિશ્વના પાટીદારોએ નોંધ લીધી હતી. આ ઉપરાંત યુવા સંમેલન તથા ઔદ્યોગિક સેમીનાર થકી યુવાનો તથા ઉદ્યોગ સાહસિકોમાં એ નવી ચેતના ઉભી કરવામાં તેઓ સફળ થયા છે. સમાજની તથા સરકારની બિનઅનામત વર્ગ માટેની વિવિધ આર્થિક, સામાજિક, શૈક્ષણિક સહાય તથા એક જ મહિનામાં અમૃતમ કાર્ડ કાઢવાની ઝુંબેશ હાથ ધરીને રાજકોટ શહેરના ૮૬૦ પરિવાર તથા ૪૩૦૦ લાભાર્થી સુધી આ યોજના પહોંચાડી છે. શ્રી મનિષ ચાંગેલા (મો.૯૮૨૫૨ ૯૫૧૩૩)

(3:41 pm IST)