Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ, આગે આગે ગૈયા, પીછે પીછે ગ્વાલ, બીચમેં મેરો મદન ગોપાલ...

જન્માષ્ટમીની શોભાયાત્રા ૨ કી.મી. લાંબી, ૨૪ કી.મી.નો રૂટઃ ૧૧૯ ફલોટ્સ

યાત્રાનો રૂટ યથાવતઃ શનિવારે મવડી ચોકડીથી પ્રારંભ, પેડક રોડ પર સમાપનઃ ફલોટ જોડવાની ઈચ્છા હોય તો તાત્કાલિક સમિતિનો સંપર્ક કરો

રાજકોટ તા.૨૨: છેલ્લા ૩૩ વર્ષથી યોજાતી વિહિપ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રા રાજકોટ માટે જાણે એક પરંપરા સમાન બની ગઇ છે. આ વર્ષે પણ અનેકવિધ ફલોટસ સાથે સમગ્ર રાજકોટમાંથી આ શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થશે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ, નગરજનો અને સમસ્ત હિન્દુ સમાજ તથા અન્ય સમાજ આ શોભાયાત્રાના દર્શનનો લાભ લ્યે છે ઠેર ઠેર જ્ઞાતિ, સમાજ, સંસ્થા, મંડળ, વેપારીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે. અનેક સ્થળો પર શોભાયાત્રામાં જોડાનાર ભાવિકો માટે પાણી, શરબત,છાશ,ફળાહાર,ફરાળ સહિતનું વિતરણ કરવામાં આવે છે. ર કિમી લાંબી યાત્રા ૨૪ કિ.મીનું પરિભ્રમણ કરશે. મહોત્સવ સમિતિની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટના પોલીસ વિભાગ દ્વારા શોભાયાત્રાને જડબેસલાક સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવે છે. ટ્રાફીક પોલીસ દ્વારા સુચારૂ રીતે સમગ્ર શોભાયાત્રા પૂર્ણ થાય અને ટ્રાફીક નિયમન રહે તે માટે ખૂબ સુંદર સહયોગ પુરો પાડવામાં આવે છે. રાજકોટનું સમગ્ર મીડીયા જગત પ્રીન્ટ મીડીયા, ઇલેકટ્રોનીક મીડીયા તથા અન્ય માધ્યમો દ્વારા બહોળો પ્રચાર, પ્રસાર કરી આ શોભાયાત્રાને અને સમગ્ર મહોત્સવને લોક ભોગ્ય બનાવવામાં ખૂબ મોટુ યોગદાન પ્રાપ્ત થાય છે. આ વર્ષની શોભાયાત્રાનો રૂટ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. નીચેના રૂટ મુજબના સમય પર આ શોભાયાત્રા ભ્રમણ કરશે. તો જે તે વિસ્તારના દર્શનાર્થીઓને અનુકુળતા રહે તે માટે આજરોજ રૂટની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં શોભાયાત્રામાં જોડાવા માટે અનેક ગ્રુપ, સંસ્થા, મંડળ, શૈક્ષણિક સંસ્થા દ્વારા એન્ટ્રી મળી ચુકી છે. હજુ પણ કોઇને રથયાત્રા જોડાવાની ઇચ્છા હોય તો એક આખરી તક રૂપે જોડાવા ઇચ્છુક જ્ઞાતિ,મંડળ, સંસ્થાઓ તાકીદે કાર્યાલય ખાતે સંપર્ક કરવા જણાવ્યુ.                      

જન્માષ્ટમી યાત્રા આંકડાકીય નજરે...

. ૧૮૦૦૦૦ નંગ પતાકા, ૩૨૦૦૦ સ્ટીકર, ૧૨૫૦૦ ઝંડી, ૬૫૦૦ થેલી, ૧૪૦ ધ્વજાનું વિતરણ કરવામાં આવ્યું.

. ૨૬૦૦ લોકો રથયાત્રામાં પ્રારંભથી અંત સુધી સાથે રહેશે.

. ૨૮૯ જેટલા વાહનો જોડાશે જેમાં ૯૪ મોટા વાહનો, ૫૭ નાના વાહનો, ૧૪ થ્રી વ્હીલર, ૧૨૪ ટુવ્હીલર સામેલ છે.

. ૧૩૭ ગ્રુપ, મંડળો દ્વારા નોંધણી કરાવવામાં આવી.

. ૫૩ ગ્રુપ, મંડળો દ્વારા લતા સુશોભન હરીફાઈમાં ભાગ લેવામાં આવ્યો.

. ૧૨૩ જેટલા સમિતિ ઈન્ચાર્જ તથા કાર્યકરોની ફૌજ કાર્યરત રહી.

. ૧૧૯ જેટલા ફલોટસ રથયાત્રામાં જોડાશે.

. ૩૧ સ્થળો પર શરબત, પાણી, પ્રસાદી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે.

. ૧૮ જગ્યા પર ધ્વજારોહણ કાર્યક્રમો કરવામાં આવ્યા.

. ૧૫ જગ્યાએ અલગ અલગ સમાજ, જ્ઞાતિ, ગ્રુપ, મંડળ, સંસ્થા દ્વારા થશે શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત.

. ૨૪ કિ.મી.નો સમગ્ર રથયાત્રાનો રૂટ રહેશે.

. ૨૬ જેટલી અલગ અલગ વ્યવસ્થાની સમિતિઓ બનાવવામાં આવી.

. ૨ કિ.મી. રથયાત્રાની કુલ લંબાઈ થશે.

. ૩૫૦ જેટલા બજરંગ દળ અને દુર્ગાવાહીનીના કાર્યકર્તા ભાઈઓ-બહેનો રથયાત્રાને સુરક્ષા કવચ પુરૂ પાડશે.

(3:25 pm IST)