Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ઇશ્વરીયા પાર્ક આજથી તા. ર૬ સુધી આખો દિવસ ખૂલ્લો રહેશેઃ બોટીંગ-વિદેશી પક્ષીઓ-રંગીન ફુવારા મન મોહી લેશે

રાજકોટ તા-રરઃ ઇશ્વરીયા પાર્કનો રાબેતા મુજબનો પાર્કમાં પ્રવેશ માટેનો સમય રવિવાર સિવાયના દિવસોમાં દરરોજ બપોરે ૩-૦૦ થી રાત્રિના ૮-૦૦ સુધીનો છે. જયારે રવિવારે પાર્ક સવારે ૧૦-૦૦ થી રાત્રિના ૮-૦૦ સુધી ખુલ્લો રહે છે. આ પાર્કમાં સોમવારે અઠવાડીક રજા રાખવામાં આવતી હોવાથી પાર્ક સોમવારે બંધ રહે છે. આજથી તા. ર૬ સુધી જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને સહેલાણીની સુવિધા માટે ઇશ્વરીયા પાર્ક સવારે ૦૯-૦૦ થી રાત્રિના ૦૯-૦૦ સુધી પ્રવેશ માટે ખુલ્લો રાખવામાં આવશે.

પાર્કમાં સંગીત ફુવારા (મ્યુઝીકલ ફાઉન્ટેન) સાંજે ૭-૧પ થી ૭-૪પ સુધી ચાલુ હોય છે. પાર્કમાં બોટીંગ પણ ચાલુ છે. ઉપરાંત જુરાસીક પાર્ક અને ડાયનોસર જેવા લુપ્ત થયેલા પ્રાણીઓના સ્ટેચ્યુ પણ ગોઠવવામાં આવેલ છે. આ સિવાય પાર્કમાં તાજેતરમાં નવી માપણી પ્રમાણે જીલ્લા લેવલનું ''બેચ માર્ક'' તરીકે પ્રાકૃતિક સ્વરૂપના ગ્રેનાઇટ પથ્થર-૯ નંગ મુકેલ છે. ઉપરાંત બાળકો માટેનો સુંદર ''ચિલ્ડ્રન પાર્ક'' છે. જેમાં હીંચકા-લપસીયાની સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ ચિલ્ડ્રન પાર્કમાં 'એનીમલ કીંગ્ડમ'' જેમાં જીરાફ, સસલા, સાપ તેમજ બચ્ચાઓ સહીત સ્ટેચ્યુઓ મુકવામાં આવેલ છે. ઉપરાંત તળાવના કાંઠે સનસેટ પોઇન્ટ રાખવામાં આવેલ છે. પાર્કમાં મુખ્ય તળાવમાં બે (ર) આઇલેન્ડ (ટાપુ) પક્ષીઓ માટે બનાવવામાં આવેલ છે તેની સુંદરતા અદભુત છે આ સિવાય પાર્કમાં ગોલ્ફ ગ્રીન ગોલ્ફ એકેડમી દૃારા મેઇન્ટેનન્સ કરવામાં આવે છે. ફુડકોટ પણ ઉપલબ્ધ છે ઓપન એર થીએટર નાના મોટા કાર્યક્રમો માટે પાર્કમાં ઉપલબ્ધ છે. ઉપરાંત પક્ષિવિદો માટે પણ આ પાર્કમાં હાલમાં અનેક પ્રકારના વિદેશી પક્ષીઓ આવેલા છે. પાર્કમાં કુદરતી તેમજ કૃત્રિમ જંગલો આવેલ છે. સુંદર મજાના બગીચાઓ છે. જેની હરીયાળી એવી છે કે વસુંધરાએ જાણે લીલી ચુંદડી ઓઢી હોય, પ્રકૃતિ પ્રેમીઓને પાર્ક સ્વર્ગ સમાન સુંદર લાગે છે. જેમાં કુદરતે પોતાની સોળે કળાઓ ખીલવી છે. સહેલાણીઓને આ પાર્કની મુલાકાત વખતે સ્વચ્છતાની તેમજ પાર્કનું જતન કરવાની કાળજી લેવા તથા પાર્કમાં જન્માષ્ટમીના આ તહેવારને અનુલક્ષીને પર્વ હોવાથી સહેલાણીઓની સંખ્યાઓમાં વધારો થતો હોય વૃધ્ધ, અપંગ તેમજ અશકત વ્યકિતઓને આ તહેવાર દરમ્યાન પાર્કમાં નહી લઇ આવવા વિનંતી કરવામાં આવે છે. તહેવારો બાદ આવા વ્યકિતઓનું પાર્કમાં હાર્દિક સ્વાગત છે. ઉપરાંત પાર્કની અંદર ઝેરી જીવજંતુઓથી સાવધાન રહેવા આ પાર્કના મેનેજરશ્રી આર. જે. આહયાએ ખાસ વિનંતી કરેલ છે. સહેલાણીઓને આ પાર્કની મુલાકાત વખતે સ્વચ્છતાની તેમજ પાર્કનું જતન કરવાની કાળજી લેવા આ પાર્કના મેનેજરશ્રી આર. જે. આહયાએ ખાસ વિનંતી કરેલ છે. તેમજ પાર્કમાં ક્રિકેટના સાધનો લઇ જવાની મનાઇ છે તેમજ કોઇપણ જાતના કલર લઇ જવાની સખ્ત મનાઇ છે અને ફટાકડા ફોડવાની પણ સખ્ત મનાઇ છે.

(1:15 pm IST)