Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

રાજકોટના જગપ્રસિદ્ધ 'મલ્હાર' મેળાનો પ્રારંભઃ મુખ્યમંત્રી વિજયભાઈ ખુલ્લો મૂકશે

૨૨થી ૨૬ ઓગષ્ટ સુધી ચાલનારા આ મેળામાં ૧૫ લાખથી વધુ લોકો ઉમટશેઃ ટોરા - ટોરા - ફજત - ફાળકા - હેન્ડીક્રાફટ - રમકડા - ખાણી - પીણીના ૪૦૦થી વધુ સ્ટોલ આર્કષણ જમાવશે : શનિ-રવિએ ચિક્કાર ગીર્દી થશે : લોકોની સુરક્ષા માટે પોલીસ - કલેકટર - વીજ કંપની અને મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ - કર્મચારીઓની ફૌજ ખડે-પગે રહેશે : રાઈડ્સ માટે દરરોજ ફીટનેશ સર્ટી અપાશે : મેળાને ૪ કરોડનું વિમા કવચ

રાજકોટ, તા. ૨૨ : સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવો રાજકોટનો 'મલ્હાર' લોકમેળો આજે સાંજે ૫ વાગ્યાથી ખુલ્લો મૂકાઈ રહ્યો છે. રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર એવા શ્રી વિજયભાઇ રૂપાણી આ જગપ્રસિદ્ધ લોકમેળાનું ઉદ્દઘાટન કરનાર છે.

આજે તા.૨૨થી ૨૬ ઓગષ્ટ સતત પાંચ દિવસ સુધી આ લોકમેળો જન્માષ્ટમીના તહેવારોમાં રંગ જમાવશે.

કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ મેળાના મેદાન-સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને તમામ સ્ટોલધારકોને અપાયેલ જગ્યા કરતા વધુ જગ્યા પચાવી ન પાડે તે જોવા અને સઘન ચેકીંગ કરવા આદેશો કર્યા હતાં.

આ વખતે પણ મલ્હાર લોકમેળામાં પ્લાસ્ટીક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે, તો તમાકુ નિષેધ મેળો રહેશે. મેળામાં પાન-ફાકી-સિગારેટ-તમાકુ ગુટખા ખાવા તથા લઇ જવા અને વેચાણ ઉપર કલેકટર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

કોઇપણ આ આદેશનું ઉલ્લંઘન કરશે એટલે તૂર્ત જ સ્થળ ઉપર જ આકરો દંડ ફટકારી તે વ્યકિતને મેળામાંથી આઉટ કરી દેવાશે.

મેળાની અંદર લોકોની સુખાકારી તથા અન્ય તમામ બાબતે ખાસ ૪ કન્ટ્રોલરૂમ રહેશે. જેમાં કલેકટરનો કન્ટ્રોલરૂમ નંબર (૯૩ર૮૯ ૭૧૧પપ), પોલીસ કન્ટ્રોલરૂમ નંબર (૯૩ર૮૯ ૧૯પ૮૯), કોર્પોરેશન કન્ટ્રોલરૂમ નંબર (૯૩૧૦ર ૩૮૩૦પ) તથા જીઇબી કન્ટ્રોલરૂમ નંબર (૯પ૧૦ર ૩પ૯૪પ) જાહેર કરાયા છે.

લોકમેળા માટે કલેકટર દ્વારા કુલ ૧૩૧ના સ્ટાફ ઓર્ડરો કરાયા છે, જેમાં ૯૦ જેટલા નાયબ મામલતદાર અને કલાર્ક તથા ર૧ રીઝર્વ અને ર૧ નાઇટ ચેકીંગ માટે ખાસ રહેશે. આ તમામને રાઉન્ડ ધ  કલોક ચેકીંગ કરવા,  રીપોર્ટ કરવા પણ આદેશો થયા છે.

મેળામાં કુલ ૪ પ્રવેશ દ્વારો રાખવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર રેસકોર્ષ રીંગ રોડ ઉપર રાખવામાં આવ્યો છે. ૩૬૮ સ્ટોલ છે. જેમાંથી ૩૩૮ સ્ટોલનું વેચાણ કરાયુ છે. ૨૬ જેટલા સ્ટોલ વિવિધ સરકારી અને સામાજીક તથા સ્વૈચ્છિક સંસ્થાઓને ફાળવવામાં આવ્યા છે. આ વખતના મેળામાં રમકડાના સ્ટોલ વિભાગમાં અવનવી જાતના રંગબેેરંગી રમકડાઓનું આકર્ષણ બાળકોમાં જગાવશે. રમકડાનો ૫૦ટકા જથ્થો દિલ્હી તરફથી આવે છે. આ ઉપરાંત ખાણી-પીણીના સ્ટોલોનો અલગ વિભાગ રખાયો છે. આઈસ્ક્રીમના ચોકઠા તથા રાઈડ વિભાગમાં ટોરા-ટોરા, જુલા, મોતના કુવા, રકાબી, ઉંચા ફઝત - ફાળકા વગેરેનું આકર્ષણ પણ લોકોને રહેશે.

નોંધનીય છે કે મેળા દરમિયાન રાઈડ્સમાં યાંત્રિક ખામીને કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે કલેકટર તંત્ર દ્વારા દરરોજ દરેક રાઈડ્સનું ચેકીંગ કરાશે. આ માટે ખાસ કમીટી બનાવાઈ છે અને આ કમીટીના ચેકીંગ બાદ માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક અધિકારીઓ ફીટનેસ સર્ટીફીકેટ આપશે. ટૂંકમાં દરેક રાઈડ્સનું દરરોજ ચેકીંગ થશે.

આ વખતે મેળા દરમિયાન શનિ-રવિ રજા આવતી હોય શનિ - રવિ દરમિયાન ચિક્કાર ગીર્દી જામશે. તંત્રને સ્ટોલના વેચાણથી કુલ ૨.૬૫ કરોડની આવક થઈ છે. જેમાંથી ૧ કરોડનો ખર્ચ થયો છે. લોકમેળામાંથી તંત્રને ૧.૫ કરોડ ઉપરનો નફો થશે.

આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે ૫ વાગ્યે આ રંગારંગ મલ્હાર મેળાનંુ ઉદ્દઘાટન કરશે તે વખતે કલેકટર તંત્ર દ્વારા વિદ્યાર્થી ભાઈ - બહેનોના સહયોગથી ભવ્ય અને ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. સમગ્ર મેળા ઉપર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. તેમજ પોલીસતંત્ર દ્વારા વોચટાવર તેમજ પોલીસ સાબદુ અભેદ્ય સુરક્ષા કવચ રાખવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૪ કલાક સફાઈ કરાશે અને ખાણી-પીણીમાં ભેળસેળ રોકવા માટે ફૂડ વિભાગનું સતત ચેકીંગ રાખવામાં આવશે. જયારે વીજ કંપની દ્વારા મેળામાં વિજળી ગુલ ન થાય તે માટે સ્ટેન્ડ બાય પાવર જનરેટર સહિતની વ્યવસ્થાઓ રાખવામાં આવશે. આમ, આજથી પ્રારંભ થઈ રહેલ રાજકોટના  જગપ્રસિદ્ધ મલ્હાર લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન લોકોના આનંદ - ઉલ્લાસની કિકીયારીઓ ગુંજી ઉઠશે. ૧૫ લાખથી વધુ લોકો આ મેળાનો આનંદ માણે તેવી સંભાવના છે.

સમગ્ર આયોજન માટે કલેકટર ડો. રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સીટી પ્રાંત અને ડે.કલેકટર શ્રી ચૌહાણ સમગ્ર મેળાનું સુપરવિઝન કરી રહ્યા છે. જયારે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા મેળાની સુરક્ષા વ્યવસ્થા ઉપર નજર રાખવામાં આવશે. મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા મેળામાં સફાઈ સહિતની કોર્પોરેશનની જાહેર સેવાઓમાં સહયોગ અપાઈ રહ્યો છે.

લોકમેળામાં ૧૦ સ્થળોએ ફ્રી પાર્કીંગ

(૧) નહેરૂ ઉદ્યાન, બહુમાળી ભવન સામે, પ્રવેશ બહુમાળી ચોક, કાર, મો. સા. / સાઈકલ

(૨) એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વે બાજુનો ભાગ રેલ્વે પાટા સામે બસ, કાર, મો.સા./ સાઈકલ

(૩) બાલભવન મેઈન ગેઈટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર મોટર સાયકલ તથા સાઈકલ

(૪) ચાણકય બિલ્ડીંગ સર્કલ ચોકથી શ્રોફ રોડ પર બંને બાજુના રસ્તા સાઈડ એકની પાછળ એક ૩૦+૩૦ રીક્ષા માટે ઓટો / અતુલ રીક્ષા

(૫) કિશાનપરા ચોક, એ.જી.ઓફીસની દિવાલ પાસે ૫ રીક્ષા, ઓટો અતુલ રીક્ષા

(૬) કિશાનપરા ચોક, સાઈકલ શેરીંગવાળી જગ્યા ટુ વ્હીલર માટે

(૭) આયકર વાટીકા સામે ખુલ્લી જગ્યા પાસે રીલાયન્સના ગ્રાઉન્ડમાં કાર, મો.સા./ સાઈકલ

(૮) ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે

(૯) હોમગાર્ડ ઓફીસર કોલોની બહુમાળી ભવન સામે, ફકત સરકારી વાહનો માટે

(૧૦) આકાશવાણી રોડ, ૧૨ માળ બિલ્ડીંગથી સર્કિટ હાઉસ સુધી એક તરફ ટુ વ્હીલર માટે.

મેળામાં ૪ કન્ટ્રોલ રૂમ : ફોન નંબર જાહેર કરતું તંત્ર

કલેકટર કન્ટ્રોલ-        ૯૩ર૮૯ ૭૧૧પપ

પોલીસ કન્ટ્રોલ- ૯૩ર૮૯ ૧૯પ૮૯

કોર્પોરેશન કન્ટ્રોલ-      ૯૩૧૦ર ૩૮૩૦પ

જીઇબી કન્ટ્રોલ- ૯પ૧૦ર ૩પ૯૪પ

(3:46 pm IST)