Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

લોકમેળામાં તમામ રાઈડ માલિકોએ ફીટનેશ સર્ટિફીકેટ દેવાનું શરૃઃ ફાયરનો પ્રશ્ન પણ ઉકેલાયો

૫૫ લોકોએ અરજી કરીઃ સર્ટિફીકેટ અપાવા માંડયાઃ ટેસ્ટ ડ્રાઈવ પણ શરૂ...

મેળાની તમામ રાઈડોનું ૧૦ ઈજનેરો દ્વારા સઘન ચેકીંગઃ સાંજ સુધીમાં ફિટનેશ સર્ટિફીકેટ : રાજકોટઃ કોઈ વિવાદ ન થાય તે માટે રાઈડ માલિકોએ ફિટનેશ સર્ટિફીકેટ માટે અરજીઓ કરી દેતા આજે સવારથી જ માર્ગ-મકાન વિભાગના ૧૦ જેટલા ઈજનેરોની ટીમો દ્વારા તમામ રાઈડોનું ચેકીંગ શરૂ કરી દેવાયુ છે. કોઈ કચાશ ન રહે તે ચકાસાય રહ્યુ છે. તમામ નિયમો જાળવ્યા છે કે કેમ તે બનાવાઈ રહ્યુ છે. સાંજ સુધીમાં ફિટનેશ સર્ટી આપી દેવાશે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૨ :. રાજકોટના લોકમેળામાં મોટી રાઈડ માલિકોએ ગત રાત સુધી ફીટનેશ સર્ટિફીકેટ માટે અરજીઓ નહોતી કરી... પરંતુ મોડી રાત બાદ માર્ગ-મકાન વિભાગના ઈજનેર ટીમ સમક્ષ અરજીઓ કરી દેવાતા આજ સવારથી જ એક પછી એક રાઈડનું ટીમો દ્વારા ચેકીંગ કરી ફીટનેશ સર્ટિફીકેટ આપી દેવાનું શરૂ કરી દેવાયું છે.

ગુજરાત એમ્યુઝમેન્ટ એસો.ના સહમંત્રીશ્રી ઝાકીર બ્લોચે આજે સવારે 'અકિલા'ને જણાવ્યુ હતુ કે તમામ રાઈડ સંચાલકોએ મોડી રાત બાદ ફીટનેશ સર્ટિફીકેટ માટે અરજી કરી દીધી છે. મોતના કૂવા, ઉંચા ફજતફાળકા, નાની-મોટી ચકરડીઓ, ઝૂલા, ટોરાટોરા, રકાબી, રેન્જર્સ, બેન્જર્સ સહિત ૫૦ થી ૫૫ લોકોએ અરજી કરી છે. ખાનગી મેળાવાળા પણ અહીં અરજી કરી ગયા છે. સર્ટિફીકેટ આપવાના શરૂ થયા છે અને બપોર સુધીમાં બધુ પુરૂ થઈ જશે.

દરમિયાન સીટી પ્રાંત અને ડે. કલેકટર તથા મેળાનું સુપર વિઝન કરતા શ્રી ચૌહાણે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે ફીટનેશ સર્ટિફીકેટ અરજી પ્રમાણે શરૂ કરાયુ છે બધા નિયમોનું પાલન જોઈ કલીયર કરાય છે. એક ફાયર એટલે કે નિયમ પ્રમાણે બાટલાનો પ્રશ્ન હતો, તે પણ ઉકેલાઈ ગયો છે.  આ માટે ફાયરબ્રિગેડના અધિકારીને રેસકોર્ષ ખાતે મોકલ્યા છે અને તેઓ દ્વારા રાઈડ માલિકોને કયા પ્રકારના બાટલા રાખવા તે સમજાવાશે, જેથી કરીને રાઈડ સંચાલકો તે બજારમાંથી મેળવી શકે. લગભગ સાંજ સુધીમાં બધુ પુરૂ થઈ જશે તેમ શ્રી ચૌહાણે 'અકિલા'ને ઉમેર્યુ હતું.

(3:44 pm IST)