Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ઈદુલ અઝહા સ્વાર્થ અને વેરઝેરનો ત્યાગ શીખવે છે ઝીકસે, ફિકસે, ઈબાદત સે, નેક હોને કો ઈદ કહેતે હૈ, હર અદાવત નિકાલ દો દિલસે, એક હોને કો ઈદ કહેતે હૈ

આરબોના જંગલીયતભર્યા ઉત્સવોને લોહીયાળ બનતા અટકાવી પયગમ્બરે એના બદલે ઈદુલ ફિત્ર (રમઝાન ઈદ), ઈદુલ - અઝહા (બકઈદ- બકરી ઈદ) જેવા બે પવિત્ર તહેવારોનું નવલુ નજરાણું માનવ સમાજને ભેટ ધર્યુ. જેમાં શાંતિ, સલામતી, સમર્પણ, ભાઈચારો, કોમી એકતા, પ્રેમભાવ જેવા ઉમદા ગુણો કેળવવા ઈદની ઉજવણીના ઉત્સવને આધારશીલ બનાવી સમાજ સુધારણાનું બેનમૂન ઉદાહરણ પુરૂ પાડ્યું.

હિજરી સવંતના જિલ્હજ માસની દસમી તારીખ દરમિયાન ઉજવાતો મુસલમાનોનો વાર્ષિક ઉત્સવ એટલે ઈદુલ - અઝહા અથવા કુરબાનઈદ તરીકે ઉજવવામાં આવે છે.

મુસ્લિમોનો આ તહેવાર ત્યાગ, બલિદાન અને આત્મસમર્પણનો તહેવાર છે. ઈદુલ - અજહા ઈસ્લામના મહાન પયગમ્બર હઝરત ઈબ્રાહીમ અલૈહિરસલામે આપેલી મહાન કુરબાનીની યાદમાં ઉજવવામાં આવે છે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને સતત ત્રણ દિવસ સુધી ખ્વાબ - સ્વપ્નમાં અલ્લાહ તરફથી ફરમાવવામાં આવે છે કે અમારા માર્ગમાં તમારી વહાલામાં વહાલી ચીજ કુરબાન કરો. હઝરત ઈબ્રાહીમ અલૈહિસ્સલામે સતત બે દિવસ સુધી પોતાના ઉંટોની કુરબાની આપી છતાં પણ ત્રીજે દિવસે ફરી આદેશ થયો. અલ્લાહને ઈબ્રાહીમ અલૈહિસ્સલામની કસોટી લેવી હતી. આખરે હઝરત ઈબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાના સ્વપ્નની વાત પોતાના પ્યારા પુત્ર હઝરત ઈસ્માઈલ (અ.સ.)ને કરી. એમણે કહ્યું કે, મેં સ્વપ્નમાં જોયું કે, હું આપને અલ્લાહના રાહમાં અર્પી રહ્યો છું. પુત્ર હઝરત ઈસ્માઈલ (અ.સ.)એ પોતે એ માટે ખુશીથી તૈયારી બતાવી. ઉમદા વસ્ત્રો પહેરીને અલ્લાહના રાહમાં રજૂ કરવા જંગલ તરફ રવાના થયા. રસ્તામાં શૈતાને એમને વિચલીત કરવા પ્રયત્ન કર્યા પણ દરેક વખતે એમણે સાત નાની કાંકરીઓ મારીને શૈતાનને ભગાડી મૂકયો.

રબુલ આલમીનને રાજી કરવા માટે હજરત ઈબ્રાહીમ (અ.સ.) તરફથી પોતાના પ્યારા પુત્ર હઝરત ઈસ્માઈલની કુરબાની આપવા માટેની જે જીગરદારી દાખવવામાં આવી હતી અને એ કસોટીમાંથી પાર ઉતારવા પરવરદીગારની કૃપાથી હઝરત ઈસ્માઈલની જગ્યાએ દુંબો ઉબેહ થઈ જતાં આ કુરબાનીનો સીલસીલો પરંપરાથી ઈસ્લામી જગત માટે જાએઝ ફરજ રૂપ ઠરાવવામાં આવેલ છે. એની પાછળનો અસલ ઉદ્દેશ એ છે કે ખુદા તઆલાની ખુશી માટે આપણે આપણી વ્હાલામાં વ્હલી વસ્તુને કુરબાન કરવી.

ઈદના દિવસે કુરબાની કરવી તાકીદની સુન્નત છે. પરંતુ સૌથી મહાન કુરબાની એ છે કે, લોકો પોતાના નફસને કુરબાની કરે જે ગુનાહ તરફથી વાળવાની છે અને સાચે રસ્તે લઈ જનાર છે. ઈદુલ ઝોહાનો અવસર એ કુરબાનીનો એક એવો મહાન અવસર છે કે જેમાંથી તમામ લોકોને અનોખી અને અમલી પ્રેરણા પ્રાપ્ત થાય છે. મઝહબી ફરજોની સાથોસાથ દુન્યવી દૃષ્ટિએ પણ આ પ્રેરક પૈગામ ઈસ્લામી આલમને અનેક રીતે ઉપયોગી થઈ શકે તેમ છે.

બાળક જન્મે છે તો તેમના માતા - પિતા જીંદગીની કુમળી વયથી તેના માટે અનેક કુરબાની આપી અને ઉછેરે છે. બાળ અવસ્થામાં તેને શિક્ષણ આપવું, તેની જીંદગીના ધ્યેય પ્રત્યે કાળજી રાખવી એ પણ એક કુરબાની છે. એ જ વ્યકિત પોતાની યુવા અવસ્થામાં પોતાની બુદ્ધિથી જ્ઞાન, આચાર - વિચાર, સ્વભાવ કેળવવું તે તેના માટેની કુરબાની છે. વ્યકિત વધુ શકિતમાન થાય તો તે પોતાના અંગત જીવનમાં પોતાની ફેમીલી માટે જે કામ પૂરૂ કરે તે ખરેખરી એક કુરબાની છે. તેનાથી આગળ વધી પોતાના સહકુટુંબી ભાઈઓને તેમના પ્રશ્ન ઉકેલવામાં મદદરૂપ થાય તે મહાન કુરબાની છે. ખુદા પાક તેને વિશેષ સદ્દબુદ્ધિ આપે અને પોતાના સમાજની દરેક રીતે કાળજી રાખે. શિક્ષણ ક્ષેત્રે, વસાહતક્ષેત્રે અને આર્થિક રીતે સહભાગી બને તે મહાનમાં મહાન કુરબાની છે.

સમગ્ર રીતે આખી આલમ પરસ્પર ત્યાગ, ભાવના કેળવી જીવો અને જીવવા દોના સિદ્ધાંતને સક્રિય બનાવે તો કુરબાનીનો અવસર ખરા અર્થમાં સાર્થક થાય. આજે જરૂરત છે કોમી એખલાસ અને ભાઈચારા માટે કુરબાની આપે, જરૂરમતમંદ ભાઈઓના પ્રશ્નો ઉકેલવામાં કુરબાની આપે, પોતાના દેશ માટે જે દેશમાં રહેતા હો તે દેશને વફાદાર રહેવું ઈમાનનો એક ભાગ છે. દરેક પળે કુરબાની માટે હંમેશા તૈયાર રહે એ જ જીંદગી સુખી રીતે જીવવાની દોરી છે.

આજે ઈદની ખુશીના આ પ્રસંગે સૌએ મક્કમ નિર્ધાર કરવો જોઈએ કે, ખુદાના બતાવેલા માર્ગે જ સાચુ સુખ પ્રાપ્ત થઈ શકે છે. માટે અંદરોઅંદરનો દ્વેષભાવ, વેરઝેર નાબુદ કરી પયગંબરોએ આપેલા પ્રેમભાવનો રાહ અપનાવીએ, તો જ સાચી ઈદ મનાવી ગણાય.(૩૭.૨)

ફારૂક બાવાણી

ડીરેકટર, વડાપ્રધાન ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિ મો.૮૦૦૦૭ ૭૦૮૬૨

(4:07 pm IST)