Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સ્વાતિ પાર્કના પટેલ કારખાનેદાર હસમુખભાઇએ ત્રણ લોકોના ત્રાસને લીધે જિંદગી ટૂંકાવી'તીઃ ગુનો નોંધાયો

મનસુખ વોરા ૪૦ લાખ ખાઇ ગયો'તોઃ કારખાના પાસે ઓફિસ ધરાવતો વિજય પણ પૈસા માટે મારી નાંખવાની ધમકી આપતો હતો અને રાધે હોટેલ વાળો પુના ટોળીયા ૯ લાખની દુકાન ચાઉ કરી ગયો હતોઃ ત્રણેયથી કંટાળીને મરી જવા મજબુર થયાની ફરિયાદ

રાજકોટ તા. ૨૨: કોઠારીયા ગામમાં જુના સ્વાતિ પાર્ક-૭માં રહેતાં કારખાનેદાર હસમુખભાઇ દેવજીભાઇ આસોદરીયા (ઉ.૫૦)એ તા. ૯ના રોજ કોઠારીયા રોડ મુરલીધર વે બ્રીજ પાછળ કિસાન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પોતાના શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં ત્રણ જણાએ તેમને મરી જવા મજબુર કર્યાની વિગતો ખુલતાં પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે. એક શખ્સે ઉછીના ૪૦ લાખ લીધા બાદ પાછા ન દેતાં હસમુખભાઇને બીજા વ્યકિત પાસેથી પૈસા લેવા પડ્યા હતાં. તેમજ ત્રીજાને ૯ લાખ ચુકવી દીધા હોવા છતાં તેમની દુકાન નામે ન કરી દઇ ઠગાઇ કરવામાં આવતાં કારખાનેદારે મજબુર થઇ જીવ દઇ દીધાની વિગતો ખુલી છે.

આ બનાવ અંગે આજીડેમ પોલીસે આપઘાત કરનારના પુત્ર પિયુષભાઇ હસમુખભાઇ આસોદરીયા (ઉ.૨૪-રહે. જુનુ સ્વાતિ પાર્ક)ની ફરિયાદ પરથી ખોખડદળના મનસુખ મોહનભાઇ વોરા (પટેલ), પિયુષભાઇના કારખાનાની બાજુમાં રહેતાં વિજય, તેમજ ગોંડલ રોડ બાયપાસ પર રાધે હોટેલ ધરાવતાં પુના ચનાભાઇ ટોળીયા સામે આઇપીસી ૩૦૬, ૫૦૬ (૨), ૪૦૬, ૪૨૦, ૩૪ મુજબ ગુનો નોંધ્યો છે.

પિયુષભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે કિસાન ઇન્ડસ્ટ્રીઝમાં શ્રીનાથજી નામે એસએસ પાઇપનું જોબવર્કનું કારખાનુ છે. મારા પિતા પણ આ કારખાનામાં બેસતાં હતાં. અમારું મુળ ગામ કોટડા સાંગાણીનું અરડોઇ છે. ૭/૮ના સવારે હહું કારખાને હતો ત્યારે મારા પિતા અને કારીગીર અશ્વિનભાઇ તથા અજયભાઇ સહિતના પણ હતાં અને જોબવર્ક કરતાં હતાં. બપોરરના બારથી એક અમે કારખાનુ બંધ કરી જમવા ગયા હતાં. તે વખતે મારા પિતાએ વાત કરી હતી કે આપણે જમીન વેંચી હતી તેના આવેલા રૂ. ૪૦ લાખ રાજુભાઇ શીંગાળા હસ્તક મનસુખભાઇ વોરા (ખોખડદળ)ને પંદર દિવસના વાયદાથી ઉછીના આપ્યા હતાં. એ વાતને આજે પાંચ વર્ષ થઇ ગયા છતાં તે પૈસા પાછા આપતાં નથી. અનેક ધક્કા ખાવા છતાં આ રકમ પાછી આવી નથી અને ખોટા વાયદા કર્યા રાખે છે. તેમજ હવે તો એવી ધમકી આપે છે કે જો ખોટા ધક્કા ખાશો તો પોલીસ ફરિયાદ કરી દઇશ.

મારે કારખાનાની બાજુની ઓફિસવાળા વિજયભાઇ ફાયનાન્સવાળાને પણ પૈસા ચુકવવાના છે અને તે પણ મારીન ાંખવાની ધમકી આપે છે. પુનાભાઇ ટોળીયા રાધે હોટેલવાળાને પણ તેના ૯ લાખ ચુકવી દીધા છે છતાં આપણી રાધે હોટેલવાળી દુકાન નામે કરી આપતાં નથી અને થાય તે કરી લેવાની ધમકી આપે છે.

મારા પિતાની ઉપરોકત વાત મેં મારા કાકા રમેશભાઇને પણ કરી હતી. ત્યારે કાકાએ કહેલ કે ઉપાદી ન કરતો બધુ સારું થઇ જશે. એ પછી તા. ૯ના સવારે સાડા સાતેક વાગ્યે હું ઘરે ઉઠ્યો ત્યારે પિતા જોવા ન મળતાં અને ફોન કરતાં તેમણે ફોન પણ રિસીવ ન કરતાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન અમારા કારખાનાની બાજુના ચાવાળાએ ફોન કરેલ કે તમારા પિતાનું એકટીવા કારખાના બહાર પડ્યું છે અને શટર ખાલી બંધ છે. આથી અમે ત્યાં જઇ તપાસ કરતાં પિતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થઇ હતી.

જે તે વખતે પોલીસ આવતાં મારા પિતાએ લખેલી એક ચિઠ્ઠી તેમના ખિસ્સામાંથી મળી હતી. જેમાં લખ્યું હતું કે વિજયભાઇનું ફુલ દબાણ છે, અગિયાર પહેલા નહિ આપ તો મારી નાંખીશ...લી. હસમુખ ડી. આસોદરીયા. એવું લખ્યું હતું. તેમજ પાછળના ભાગે લખ્યું હતું કે દબાણ કરવા વાળા પુના ટોળીયા પાસેથી દુકાન લીધી છે, ૯ લાખ આપી દીધા છે છતાં દુકાન નામે કરતો નથી. તેમજ આગળ  લખ્યું હતું કે મનસખુભાઇ વોરાને રૂ. ૪૦ લાખ આપ્યા હમતાં તે પણ પાછા આપતાં નથી અને ધમકી આપે છે...આણે ગદ્દારી કરી છે. સાહેબ મારા ૪૦ લાખ પરત કરાવજો નહિતર મારા છોકરા મશી જશે...ગમે તેમ કરીને પૈસા પરત અપાવજો, અમારી પાસે બીજી કોઇ મિલ્કત નથી. પાંચ વર્ષથી તે પૈસા આપતો નથી. મનસુખ વોરા અમારો કાળ બનીને આવ્યો છે...આ સહિતનું લખાણ ચિઠ્ઠીમાં હતું.

પોલીસે આ ચિઠ્ઠીને આધારે તપાસ કર્યા બાદ હવે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ કે. જી. સિસોદીયા અને ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૯)

 

(4:03 pm IST)