Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની સ્કોલરશીપ અપાઇ

પાંચસો જેટલાં વિદ્યાર્થીઓને લાભ મળ્યો : 'શિક્ષણ ઉત્કર્ષ' ના હેતુ સાથે સતત ત્રીજા વર્ષે કાબિલેદાદ સેવાકીય કામગીરી : ચિક્કાર મેદની વચ્ચે ઉપસ્થિત દાતાઓના સહયોગથી સ્કૂલ બનાવવાની જાહેરાત : સ્કૂલ માટે ૧૨ લાખ રૂપિયા દાનની જાહેરાત પણ થઇ ગઇ! : UPSC પ્રિલિમિનરી કલીયર કરનારને રપ હજાર રૂપિયાનો સહયોગ

તસ્વીરમાં હાજર રહેલ સોૈ મહાનુભાવો, દાતાઓ તથા ટ્રસ્ટીઓ, અદ્દભુત સેવાકીય કાર્યના સાક્ષીઓ - જ્ઞાતિજનો- તેજસ્વી વિદ્યાર્થીઓ, સ્કોલરશીપનું વિતરણ કરતા પ્રમુખ સુરેશભાઇ ગોળવાળા તથા દિલીપભાઇ સોમેૈયા અને પ્રસંગોચિત મોટીવેશ્નલ સ્પીચ આપતા ઉપપ્રમુખ ડો. પરાગ દેવાણી તથા કારોબારી પ્રમુખ ઉમેશભાઇ નંદાણી (પરિન ફર્નિચર)

 

રાજકોટ તા.૨૨: રાજકોટ ખાતે લોહાણા જ્ઞાતિના તેજસ્વી, હોંશિયાર અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે છેલ્લાં ત્રણ વર્ષોથી સ્કોલરશીપનું વિતરણ કરતી સંસ્થા શ્રી રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા તાજેતરમાં એન્જીનીયરીંગ એસોસીએશન હોલ રાજકોટ ખાતે આશરે ૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની સ્કોલરશીપનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું.

 

જ્ઞાતિ તથા શિક્ષણ ઉત્કર્ષના ઉમદા હેતુ સાથે ચાલતા ટ્રસ્ટની નિઃસ્વાર્થ, સેવાકીય અને કાબિલેદાદ કામગીરી નિહાળીને ઉપસ્થિત મહાનુભાવો અને દાતાઓ પણ વરસી પડયા હતા. જ્ઞાતિહિત તથા શિક્ષણના મહત્વને ધ્યાનમાં રાખીને નજીકના ભવિષ્યમાં જ સમાજ માટે એક સ્કૂલ બનાવવાની જાહેરાત પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. સ્કૂલ બનાવવાની જાહેરાત થતાં જ ઉપસ્થિત દાતાઓએ સ્કૂલ માટે ૧૨ લાખ રૂપિયા દાનની જાહેરાત પણ કરી દીધી હતી. હાજર રહેલ ચિક્કાર મેદનીએ આ સમાજોપયોગી જાહેરાતને તાળીઓના ગળગળાટ સાથે એક જ અવાજે વધાવી લીધી હતી.

સ્કૂલ બનાવવાની જાહેરાતની સાથે-સાથે વિદ્યાર્થીઓ માટે નોકરીલક્ષી માર્ગદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષાની તેૈયારી, ચાર્ટડ એકાઉન્ટન્ટ માટેના કોચીંગ, સરકારી ભરતી વિશેની માહિતી અને તેને અનુરૂપ મટીરીયલ્સ, ઓનલાઇન ફોર્મ ભરવાની સગવડતા, વિગેરે સંદર્ભે પણ લોકોપયોગી ભાવિ યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. રૂપિયાના અભાવે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી અટકશે નહીં તેવો કોલ પણ ટ્રસ્ટના હોદેદારો દ્વારા આપવામાં આવ્યો હતો.

રાજકોટ માંથી લોહાણા સમાજના જે વિદ્યાર્થીઓ  IAS- IPS માટેની  UPSC સિવિલ સર્વિસીઝની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરશે તેને મુખ્ય પરીક્ષાની તૈયારી માટે શ્રી રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ૨૫ હજાર રૂપિયાનો સહયોગ આપવામાં આવશે તેવી પણ જાહેરાત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.

એક અંદાજ મુજબ છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન શ્રી રઘુવંશી એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા આશરે ૪૦ લાખ જેટલા રૂપિયાની સ્કોલરશીપ વિતરણ કરવામાં આવી છે. ટ્રસ્ટના બાહોશ પ્રમુખ સુરેશભાઇ ગોળવાળાએ આ સેવાયજ્ઞ ઇશ્વરકૃપાને આધીન તથા દાતાઓને આભારી હોવાનું જણાવ્યું હતું.

સર્વધર્મ પ્રાર્થનાથી શરૂ થયેલ આ અસામાન્ય કાર્યક્રમમાં ટ્રસ્ટના ઉપપ્રમુખ ડો. પરાગ દેવાણીએ સ્વાગત પ્રવચન કરી પોતાની આગવી શૈલીમાં જમાનાને અનુરૂપ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. સાથે-સાથે ટ્રસ્ટની કામગીરીનો પણ પરિચય આપ્યો હતો.

ટ્રસ્ટના કારોબારી પ્રમુખ અને પરિન ફર્નિચર તથા પરિન ટાટા મોટર્સના મેનેજીંગ ડીરેકટર ઉમેશભાઇ નંદાણીએ ટ્રસ્ટની ભાવિ યોજનાઓ તથા જ્ઞાતિ ઉત્કર્ષ માટે કરવાના કામોનો ચિતાર આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ટ્રસ્ટની કામગીરીને લગતો કોઇપણ જાતનો વહીવટી ખર્ચ બધા ંજ ટ્રસ્ટીઓ દ્વારા વ્યકિતગત રીતે ભોગવવામાં આવે છે. દાનમાં મળેલી રકમ માત્ર સ્કોલરશીપના હેતુ માટે જ વાપરવામાં આવે છે.

ડાયસ ઉપર બિરાજમાન ગુરૂજી મેહુલભાઇ શાસ્ત્રી દ્વારા પ્રાચીન શિક્ષણથી લઇ આધુનિક શિક્ષણનો ઉલ્લેખ કરી ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિને બિરદાવાઇ હતી. હાજર રહેલ અન્ય મહાનુભાવોમાં નટવરલાલ પાનાચંદ ખખ્ખર, દિલીપભાઇ સોમૈયા (અંકિત એસ્ટેટ), હરીશભાઇ લાખાણી (ડી.એમ. એલ. ગ્રુપ), હસુભાઇ ભગદે (ટ્રાન્સપોર્ટ એસો.), મહેન્દ્રભાઇ નથવાણી (ગુલાબ સીંગતેલ), પરમાણંદભાઇ ભીંડોરા મુકેશભાઇ પાબારી, હસુભાઇ બુધ્ધદેવ, વિનુભાઇ ઉનડકટ, રાજુભાઇ માનસતા, રાકેશભાઇ પોપટ, શૈલેષભાઇ પાબારી વિગેરેનો સમાવેશ થતો હતો. અંતમાં આભારવિધિ પ્રદિપભાઇ ગણાત્રાએ કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સફળતાપુર્વક સંચાલન કુ. કોમલ સોની દ્વારા કરવામા઼ આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઇ ગોળવાળા (મો. ૯૯૨૪૨ ૪૨૭૦૦), કારોબારી પ્રમુખ ઉમેશભાઇ નંદાણી, ઉપપ્રમુખ ડો. પરાગ દેવાણી, સેક્રેટરી ભરતભાઇ ભીંડોરા, ટ્રેઝરર નલીનભાઇ બુધ્ધદેવ (મો. ૯૮૨૫૦ ૭૪૭૯૯), ટ્રસ્ટીઓ ડાયાલાલ કેસરીયા, દિનેશભાઇ તન્ના, પ્રદિપભાઇ ગણાત્રા, સંજયભાઇ સોમૈયા, પરેશભાઇ પોપટ, સંદિપભાઇ કોટેચા, ચાટર્ડ એકાઉન્ટન્ટ ધવલભાઇ રાચ્છ તથા પરિન ગ્રુપના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

(4:15 pm IST)