Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

માફી માંગો - માફી આપો- મદદ કરોઃ પૂ. અપૂર્વ મુનિ સ્વામી

પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ અંતર્ગત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે 'મારો પરિવાર સુખી પરિવાર' વિષય પર રાજકોટના ખોડલધામ ટ્રસ્ટના લેઉવા પાટીદારો  અને યુવાધન માટે 'પાટીદાર પ્રેરણા સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦૦ જેટલા લેઉવા પાટીદારોએ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. 

  પૂજય અપૂર્વમુનિ સ્વામીના 'મારો પરિવાર સુખી પરિવાર' વિષય પરના સુખી જીવનના ૭ પાસાઓ પર ઉદ્દબોધનના મુખ્ય અંશો આ મુજબ છે. (૧)  સંભળાવો નહી પણ સાંભળો અને સંભાળો. *દરેકને કાન આપવા, ધ્યાન આપવું અને માન આપવું  *પરિવારના દુઃખનું કારણ જીભ નહી પણ જીભનો ટોન છે.(૨) સમજાવો ઓછુ – સમજો વધુ. *તમારા પરિવારને ખાલી તમારા પૈસા નહી પરંતુ તમારી પણ જરૂર છે. *આપણા સંતાનોમાં રહેલી ખામી આપણું પ્રતિબિંબ છે. *મહેનત કર્યા વગર બાવળિયા ઉગી જાય પણ કેસર કેરી માટે સમય આપવો જ પડશે. (૩) સદ્દગુણ જુઓ – સદ્દગુણ કહો. *જે વખાણ નથી કરી શકતા તેને ટીકા કરવાનો કોઈ અધિકાર નથી. *મશીન સાથે કામ લેતા શીખ્યા તેમ માણસ સાથે કામ લેતા શીખવાનું છે.  (૪) સ્વદોષ જુઓ – સ્વદોષ ટાળો.  *બીજાના દોષ જોતા પહેલા પોતાના દોષ જોવા અને ટાળવાનો પ્રયત્ન કરવો. *લોકો આપણને નથી ગમતા એમ આપણે પણ કોઈકને નહી ગમતા હોઈએ. (૫) સહન કરો – સમાધાન કરો.  *પ્રશ્નો તો બધાને આવે છે પરંતુ તેમની વચ્ચે ટકી રેહવા માટે સહનશીલતા કેળવવી જરૂરી છે. (૬) માફી માંગો – માફી આપો – મદદ કરો. *દાઢમાં રાખવાની વૃતિ બંધ કરી દો. (૭) ઘરસભા કરો – સત્સંગસભા ભરો. *સત્સંગથી માનસિક રીતે મજબૂત બનીએ છીએ. *આપણે શ્રેષ્ઠ બનીએ અને રાજકોટને શ્રેષ્ઠ બનાવીએ.

સમારોહનો પ્રારંભ   યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠના ગાન સાથે કરવામાં આવ્યો હતો.  સમારોહના અંતે ડીસેમ્બરમાં યોજાનાર  પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવના આકર્ષણોનો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો. (૪૦.૭)  

(3:46 pm IST)