Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

મગન ઝાલાવડીયા રિમાન્ડ પરઃ કુલ ૧૩ કરોડના બારદાન ખરેખર મંગાવ્યા'તા કે એમાં પણ ગોલમાલ?

બારદાન કોૈભાંડના અમદાવાદથી ગુજકોટના અધિકારીઓ-કર્મચારીઓને રાજકોટ બોલાવી પુછતાછઃ બારદાનમાં આગ લાગી પછી મગન અને મળતીયાઓએ જેવું કોૈભાંડ કર્યુ એવું ૧૩૨ ટ્રક બારદાન મંગાવ્યા તે વખતે પણ કર્યાની શંકા પરથી તપાસઃ અન્ય આરોપીઓની સંભવતઃ સાંજ સુધીમાં ધરપકડની શકયતા

રાજકોટ તા. ૨૦: સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનારા મગફળી કોૈભાંડના મુખ્ય સુત્રધાર સોૈરાષ્ટ્ર ગુજકોટના મેનેજર પડધરીના તરઘડીયા ગામના મગન નાનજીભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૫૫)ની રાજકોટ યાર્ડના બારદાન કોૈભાંડમાં ધરપકડ થતાં અને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થયા છે. તે સાથે પોલીસે તપાસ આગળ ધપાવી છે. આગ લાગી એ પહેલા એટલે કે ફેબ્રુઆરીમાં ખેડુતોની પાક પેદાશ ભરવા માટે કોલકત્તાથી કુલ ૧૩ કરોડના ૧૩૨ ટ્રક ભરીને બારદાન મંગાવાયા હતાં. પોલીસ હવે એ તપાસ પણ કરશે કે ખરેખર આટલા બારદાન આવ્યા હતાં કે કેમ? કે પછી તેમાં પણ મગન આણી મંડળીએ કોઇ ગોલમાલ કરી છે? આ ઉપરાંત અમદાવાદથી ગુજકોટના અધિકારીઓ, કર્મચારીઓને પણ રાજકોટ બોલાવી પુછતાછ કરી નિવેદનો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

 જુના માર્કેટ યાર્ડમાંથી   બારદાન બઠ્ઠાવી જવાના કારસ્તાનમાં પણ નામ ખુલતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી મગનની વધીવત ધરપકડ કરી ગઇકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.  ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ મગનની વિસ્તૃત પુછતાછ થતાં તેણે ૩૦ હજાર બારદાન બારોબાર વેંચી નાંખ્યાની કબુલાત આપી દીધી હતી. કોૈભાંડના મુળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ આગળ વધારી છે.

મગફળી કોૈભાંડની તપાસમાં રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગનો પણ મગન ઝાલાવડીયા અને ગુજકોટના મેનેજર મનોજે લાભ ઉઠાવી લીધાનું અને આગમાંથી બચેલા પૈકીના રૂ. ૧૫ લાખ ૮૦ હજારના કુલ ૩૦ હજાર ૮૦૦ નંગ બારદાન બારોબાર વેંચી નાંખી રોકડા કરી લીધાનું ખુલતાં આ મામલે ગોંડલના સર્કલ પી.આઇ. ફરિયાદ પરથી રાજકોટ બી-ડિવીઝન પોલીસે મગન સહિત ૮ સામે ગુનો દાખલ થયો હતો.

બી-ડિવીઝન પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો છે. જુના માર્કેટ યાર્ડમાં ગત માર્ચ મહિનામાં ભિષણ આગ ભભૂકતાં૧૩ કરોડ ૮૨ લાખ ૬૮ હજાર ૫૨૫ની કિંમતા ૧૯,૩૯,૨૫૦ નંગ બારદાન ખાક થઇ ગયા હતાં. જ્યારે ૫,૨૬,૯૦૦ નંગ બારદાન બચી ગયા હતાં. બચી ગયેલા પૈકીના રૂ. ૧૫,૮૦,૦૦૦ના બારદાનનું મગન સહિતની ટોળકીએ બારોબાર વેંચાણ કરી નાંખી ઠગાઇ કરી તેમજ સરકારી રેકર્ડ સાથે ચેડા કરી પુરાવાનો નાશ કર્યાનું ખુલતાં ચકચાર મચી ગઇ હતી.

આ મામલે ગોંડલ ડિવીઝનના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી.આર. વાણીયાએ ફરિયાદી બની રાજકોટ બી-ડિવીઝનમાં આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૨૦૧, ૪૨૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં આરોપી તરીકે તરઘડીયાના મગન નાનજીભાઇ ઝાલાવડીયા, મનોજ (અમદાવાદ ગુજકોટના મેનેજર-રહે. અમદાવાદ), તરઘડીયાના મનસુખ બાબુભાઇ લીંબાસીયા, તરઘડીયાના કાનજી દેવજીભાઇ ઢોલરીયા, તથા અમદાવાદના નિરજ, પરેશ હંસરાજભાઇ સંખારવા, મહેશ પ્રધાનભાઇ ભાનુશાળી, અરવિંદ પરાજભાઇ ઠક્કરના આરોપી તરીકે નામ ખુલ્યા હોઇ મગન સિવાયના આ તમામ આરોપીઓની પણ ગમે ત્યારે ધરપકડ થવાના અણસાર છે.

 પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં ચાર ટીમો તપાસ કરી રહી છે. જેમાં એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝનનો સ્ટાફ સામેલ છે.  બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર,  જગેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, પીએસઆઇ ડામોર, મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ સહિતની ટીમ પણ સામેલ છે. પોલીસ એક પછી એક પુરાવા એકઠા કહી બીજા આરોપીઓની ધરપકડ કરશે તેમ જાણવા મળે છે. મગને બે ટ્રક ભરીને કોથળા (બારદાન) બારોબાર મોકલી દીધા હતાં તે અંગેના રજીસ્ટરમાં પણ પાના ફાડી નાંખી અલગ નવી નોંધ કરાવી હતી. આ રજીસ્ટર કબ્જે લેવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે. તેમજ ફેબ્રુઆરીમાં ૧૩ કરોડથી વધુનો બારદાનનો જથ્થો મંગાવાયો હતો. આ જથ્થો ખરેખર એટલો જ આવ્યો હતો કે તેમાં પણ કોૈભાંડ આચરાયું હતું? તે સહિતના મુદ્દે પણ તપાસ થઇ રહી છે. (૧૪.૮)

(11:46 am IST)