Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

રાજકોટમાં કોળી સમાજનું શકિત પ્રદર્શનઃ ભવ્ય સંમેલન

સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું પ્રભુત્વ વધુ મજબુત બનાવવા કોંગ્રેસનો એકશન પ્લાનઃ જસદણ પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં કોળી મતદારોને રીઝવવા સમાજના મોટા માથાઓને પ્રદેશ કક્ષાએ મોભાદાર સ્થાન આપવા વિચારણાઃ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા સોમાભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૨૨ :. અહીંના હેમુ ગઢવી હોલ ખાતે આજે બપોરે ૨ વાગ્યાથી કોળી સમાજનું ભવ્ય સંમેલન શરૂ થઈ રહ્યુ છે. જેમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર-ગુજરાતના મોટા ગજાના નેતાઓ ઉપરાંત કોળી અને ઠાકોર સમાજના આગેવાનો અને ધારાસભ્યો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા અને સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવવા માટે સૌ કોઈએ એડીચોટીનું જોર લગાવવાની કટીબદ્ધતા વ્યકત કરી હતી કેમ કે આગામી ટૂંક સમયમાં જ જસદણની પેટાચૂંટણી અને ત્યાર બાદ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોળી સમાજ આ બન્ને ચૂંટણીમાં ચાવીરૂપ બની રહેશે. આમ કોળી સમાજના મતદારોને રીઝવવાના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા આજનુ આ સંમેલન યોજાયુ હોવાનું અને તેમા કોળી સમાજનું શકિત પ્રદર્શન પણ જોવા મળ્યુ હતું.

કોંગ્રેસનો સૌરાષ્ટ્રનો કોળી ચહેરો મનાતા કાર્યકારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસ છોડીને ભાજપનો પાલવ પકડતા કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ આરંભી દીધુ છે અને માત્ર કુંવરજીભાઈ બાવળીયા જ ભાજપમાં ગયા છે. કોંગ્રેસના કોળી અગ્રણીઓ તથા સમાજ આજે પણ કોંગ્રેસમાં અકબંધ છે તે પ્રસ્થાપીત કરવા તથા કોળી મતદારોને રીઝવવા કોંગ્રેસે ખાસ એકશન પ્લાન અમલમાં મુકયો છે.  આજે યોજાયેલ આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા પરેશ ધાનાણી સહિતના પ્રદેશ આગેવાનોએ ઉપસ્થિત રહી અને આગામી દિવસોમાં કોંગ્રેસની રણનીતિ અંગે ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યુ હતું.

નોંધનીય છે કે, કોંગ્રેસમાં કુંવરજીભાઈ બાવળીયાની ખાલી જગ્યા પુરવા એકાદ કોળી અગ્રણીને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મોભાદાર સ્થાન મળી શકશે.

કોંગ્રેસના પ્રદેશ આગેવાન ડી.પી. મકવાણાએ અકિલાને જણાવ્યું હતું કે આજના કોંગ્રેસ પ્રેરિત કોળી સંમેલનમાં રાજય પ્રભારી રાજીવ સાતવજી પણ ઉપસ્થિત રહેનાર હતા પરંતુ મુંબઇ ખાતે ગુરૂદાસજી કામતનું અવસાન થતા તેમના કાર્યક્રમમાં ફેરફારની સંભાવના છે. પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા તથા વિધાનસભા વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી, માજી સાંસદ અને ધારાસભ્ય સોમભાઇ પટેલ, પુંજાભાઇ વંશ, ઋત્વિક મકવાણા સહિતના સમસ્ત સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્રનાં કોળી નેતાઓનું સંમેલન આજે યોજાયા બાદ આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાયેલાં કોળી સમાજનાં નેતાઓ એકઠા થવાનાં છે અને કોળી સમાજનાં ધારાસભ્યો, પ્રમુખો અને અગ્રણીઓ ભેગાં મળીને પ્લાન બનાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયા અગાઉ કોંગ્રેસથી નારાજ હતાં જેથી તેઓએ જસદણનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને તેઓ બાદમાં ભાજપમાં જોડાયાં હતાં. ત્યારે કોંગ્રેસ દ્વારા કોળી સમાજનાં મતદારોને રિઝવવા માટે કોંગ્રેસે હવે નવી રણનીતિ ઘડી છે. કોંગ્રેસ કોળી સમાજનાં કોઇ મોટા માથાને કદાચ બાવળિયાનું સ્થાન આપી શકે તેવી સંભાવના છે.(૨-૨૪)

 

(3:48 pm IST)