Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

બલિદાન પર્વ ઇદુલ અદહાની પરંપરાગત ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા 'બલિદાન પર્વ'ની પરંપરાગત ઉજવણી : વિશેષ નમાઝ સંપન્નઃ રાજકોટમાં ૩૨ મસ્જીદો, ૪ ઇદગાહ મળી ૩૭ સ્થળે આજે સવારે ઇદની નમાઝ થઇ : ભાઇચારાના દર્શન : પરા વિસ્તારોમાં પણ ઇદની ઉજવણી

રાજકોટ શહેરમાં આજે બલિદાનની ભાવના પ્રકટ કરતા ઇદુલ અદહાના પ્રસંગે ઇદગાહ ઉપર સવારે હજારો મુસ્લિમ બિરાદરોએ એકત્ર થઇ ઇદની નમાઝ પઢી ખાસ દૂઆઓ કરી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે પરંપરાગત 'ઇદુલ અદહા'ની ઉજવણી કરવામાં આવી છે. જેમાં પણ આજે બુધવાર હોય શ્રમિક વર્ગને રજાનો દિવસ હોઇ ઇદનો ઉત્સાહ બેવડાઇ જવા પામ્યો છે. જો કે દર વર્ષે ઇદુલ અદહાની ઉજવણી ત્રણ દિ' સુધી થતી હોય છે.

ઈસ્લામી પંચાગના ૧૨મા મહિના જીલ હજ્જની ૧૦મી તારીખે આ ઈદની ઉજવણી ઈસ્લામ ધર્મના મહાન પૈગમ્બર અને ધર્મપિતા હઝરત ઈબ્રાહીમ અને તેઓના સુપુત્ર પૈગમ્બર હઝરત ઈસ્માઈલની સ્મૃતિમા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છે.

જો કે આ મહિનો 'હજ્જ'નો છે અને જેથી ધનિક પરિવારો પૈકી કોઈને કોઈ આ મહિનામાં નિયમ મુજબ હજ્જ કરવા જતા હોય છે. જેમા સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ સેંકડો મુસ્લિમો તેમા સામેલ થયા છે. જે હજ્જયાત્રાનો મક્કા શરીફ શહેરમાં કાલે છેલ્લો દિવસ છે ત્યારે ૧૦મીના દિવસે હાજીઓ સિવાયના મુસ્લિમો ઈદ ઉજવે છે.

ઈદ પ્રસંગે વિશેષતઃ આજે સવારે મુસ્લિમ સમાજે ઈદની વિશેષ નમાઝ પઢી હતી અને તે પછી લાખો હાથ દુઆઓ માટે ઉઠી જતા સમગ્ર ભારત દેશમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને બલિદાનની ભાવના પ્રકટ કરનારા આ પર્વ ઈદુલ અદહાની ઈદની નમાઝ પઢાયા પછી મુસ્લિમ સમાજે ખુશી વ્યકત કરી શુભેચ્છાઓ પાઠવતા અરસપરસ ભાઈચારાની ભાવના દર્શાઈ હતી.

રાજકોટમાં આજે સવારે ૪ ઈદગાહ એક મદ્રેસા અને ૩૨ મસ્જીદોમાં મળી ૩૭ જેટલા સ્થળોએ ઈદની વિશેષ નમાઝ પઢવામાં આવી હતી.

એ જ રીતે પોરબંદર, પ્રભાસપાટણ, વેરાવળ, જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, વાંકાનેર, બેડી, સલાયા, જામનગર, સુરેન્દ્રનગર, જોડીયા સહિતના મુસ્લિમ બહુમતીવાળા શહેરો કે ગામોમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટમાં ઢેબર રોડ ઉપર શહેર ઈદગાહમાં જામ્એ મસ્જીદના ઈમામ મૌલાના સૈયદ મુજાહીદઅલી કાદરી તથા સદર ઈદગાહમાં સદર જામ્એ મસ્જીદના હાફીઝહાજી અકરમખાં પઠાણ તથા લાલપરી તળાવ ઈદગાહે મૌલાના મો. અનવરમીંયા અશરફી તથા રૈયા હઝરત ગેબનશાહ પીરની દરગાહના મેદાનમાં મૌલાના અ. રશીદ નૂરીની નેતાગીરીમાં લોકો ઈદની નમાઝ પઢવા માટે ઉમટી પડયા હતા.

જ્યારે રૂખડીયા કોલોનીમાં આવેલ મદ્રેસા એ ગૌષીયામાં પણ ઈદની નમાઝ પઢાઈ હતી. રાજકોટની વિવિધ મસ્જીદોમાં (૧) ઘાંચી મસ્જીદ (સોનીબજાર) મૌલાના કારી તસ્લીમુદ્દીન અઝહરી (૨) સદર જામ્એ મસ્જીદમાં અમીનબાપુ(૩) ગેબનશાહ દરગાહમાં મૌલાના અબ્બાસઅલી (૪) નવાબ મસ્જીદ (દાણાપીઠ)માં મૌલાના (૫) કરીમપુરા (હાથીખાના)માં મૌલાના મો. હુસૈન (૬) ફારૂકી મસ્જીદ (દુધની ડેરી)માં મૌલાના મો. જફર રઝવી (૭) મદીના મસ્જીદ (લક્ષ્મીનગર)માં સૈયદ અ. ઝરારમીંયાબાપુ (૮) મસ્જીદે ગોષીયા (રઝાનગર)માં મૌલાના અબ્બાસ નુરી (૯) માઉન્ટેડ મસ્જીદ (પોપટપરા)માં મૌલાના પજીરૂલ ઈસ્લામ (૧૦) નુરાની મસ્જીદ (રઝાનગર)માં મૌલાના બરકત અલી રઝવી (૧૧) નગીના મસ્જીદ (દાણાપીઠ)માં મૌલાના બિલાલ અહેમદ બંગાલીએ ઈદની નમાઝ પઢાવી હતી.

જ્યારે (૧૨) ઝૂલૈખા નૂર મસ્જીદ (બાબરીયા કોલોની)માં મૌલાના (૧૩) ઉસ્માની મસ્જીદ (બજરંગવાડી)માં મૌલાના હાજી સાબિર હુસૈન (૧૪) મસ્જીદે રઝા (નહેરૂનગર)માં મૌલાના સૈયદ હાજી મહેબુબમીયા  (૧૫) હુસૈની મસ્જીદ (ભગવતીપરા)માં મૌલાના મો. નૈયર મુતુર્ઝા નુરી (૧૬) મતવા મસ્જીદ (સરધાર નાકા)માં હાફિઝ તાલિબુદ્દીન કદીરી (૧૭) નૂરે મુહંમદી મસ્જીદ (ઘાંચીવાડ)માં મૌલાના હાજી સૈયદ અસગરઅલીની નેતાગીરીમાં મુસ્લિમ ભાઈઓએ નમાઝ પઢી હતી.

આ ઉપરાંત (૧૮) અલ કા'બા મસ્જીદ (હાથીખાના)માં મૌલાના મુખ્તાર અહેમદ રઝવી (૧૯) યતીમખાના (કરણપરા)માં મૌલાના શાહિદ રઝા (૨૦) નૂરી મસ્જીદ (જામટાવર)માં મૌલાના મીર હસન અકબરી (૨૧) સીદીકી મસ્જીદમાં મૌલાના અલી અકબર રઝવી (૨૨) ફાતેમા મસ્જીદ (ભગવતીપરા)માં મૌલાના મોહમદ તાલિબ (૨૩) મસ્જીદે આયેશા (હાઈવે)માં મૌલાના નિઝામી (૨૪) શહેર જુમ્આ મસ્જીદમાં મૌલાના સૈયદ અલ્તાફમીંયા (૨૫) મસ્જીદે હવ્વા (નહેરૂનગર)માં મૌલાના દિલ મુહંમદ બંગાલી (૨૬) મસ્જીદે ગુલઝારે મુસ્તુફા (ગંજીવાડ)માં મૌલાના સૈયદ હાજી મુહંમદમીયા મટારી (૨૭) હૈદરી મસ્જીદ (ખોડીયાર પરા)માં મૌલાના સૈયદ નઝીરમિંયા (૨૮) સંજરી મસ્જીદ (પોલીસ હેડ કવાર્ટસ)માં મૌલાના બશીરૂદ્દીન (૨૯) ગુલઝારે મદીના મસ્જીદ (ભીસ્તીવાડ)માં મૌલાના મો. યુસુફ (૩૦) મસ્જીદે ફાતેમા (ગોપાલનગર)માં મૌલાના સૈયદ હશ્મત રઝા (૩૧) મસ્જીદે નસીમ (અંકૂર સોસાયટી)માં મૌલાના કારી મો. હનીફ નૂરી (૩૨) મસ્જીદે તસ્લીમ (ઘંટેશ્વર)માં મૌલાના ઉસ્માનગની રઝવીએ ઈદની નમાઝ પઢાવી હતી.

ગોંડલ હાઈવે ઉપર આવેલ કોઠારીયા વિસ્તારમાં મસ્જીદ નૂરી (નૂરાનીપરા)માં ત્યાંના મૌલાના સૈયદ આરીફમીંયા અને મસ્જીદે અહેમદ (રસુલપરા)માં મૌલાના હાજી મો. દાનિશ આલમ તથા મોહંમદી બાગની મસ્જીદે મખ્દુમે અશરફમાં મૌલાના સૈયદ મો. અકીલમીંયા, મસ્જીદે માહિન (કોઠારીયા ગામ)માં મૌલાના સૈયદ અ. ગફુરબાપુ મટારી અને વેરાવળ (શાપર)માં આવેલ મસ્જીદે ગૌષે આઝમમાં મૌલાના દ્વારા ઈદની નમાઝ પઢવામાં આવી હતી.

ઈદના પવિત્ર દિવસે ફાતેહ સૌરાષ્ટ્ર હઝરત મૌલાના મુહમ્મદ ઈસ્હાક હશમતી અને ફખ્રે રાજકોટ હઝરત મૌલાના મો. નૈયર રઝા નૂરી (અલેહીર્રહમા) માટે ગંજીવાડામાં ઈસાલે, સવાબ કરી તેઓની જરૂરીયાત મહેસુસ કરતા તે બન્નેને અંજલી અર્પીત કરાઈ હતી. જ્યારે કુતુબેશહર સૈયદીના સરકાર ગેબનશાહ પીર અને મખ્દુમે સૌરાષ્ટ્ર હઝરત તુર્કીબાવા (અલેહીર્રહમા)ની દરગાહ તથા કબ્રસ્તાનોમાં શ્રાદ્ધતર્પણ માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ ઉપરાંત રાજકોટ જીલ્લા જેલમા મૌલાના સાહેબે કેદી ભાઈઓને ઈદની નમાઝ પઢાવી હતી.(૨૧.૫)

(10:24 am IST)