Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

સિટી બસની ટિકિટમાં ઓનલાઇન સીસ્ટમ દાખલ કરો : ડો. દર્શિતા શાહ

સિટી બસના વિવિધ પ્રશ્નો ઉકેલવા ડે.મેયર દ્વારા મ્યુ. કમિશનરને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૨૨ : શહેરમાં ચાલતી સિટીબસની સુવિધામાં વધારો કરવા સંદર્ભ મ્યુનિ.કમિશનરશ્રીને રજુઆત કરતા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહએ જણાવેલ છે કે, ગુજરાત રાજયના લોક લાડીલા અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 'જયાં માનવી ત્યાં સુવિધા'ના અભીગમ સાથે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો પણ શહેરીજનોને જુદા જુદા પ્રશ્નો સંદર્ભ સતત પ્રયત્નશીલ છે. જે સંદર્ભ ડે.મેયરશ્રીએ વધુમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા હસ્તક BRTS તથા RMTS સિટીબસ આવેલ છે. રાજકોટ શહેરના શહેરીજનો સિટીબસનો પરિવહનમાં લાભ લે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા પાસે RMTS તથા BRTSની બસ કાર્યરત છે. રાજકોટ શહેર આજે વિકાસની હરણફાળ ભરી રહેલ છે અને ભારત જ નહિ પરંતુ વિશ્વના નકશામાં રાજકોટ શહેર આગવું સ્થાન ધરાવે છે. ત્યારે ડીજીટલ યુગમાં સિટીબસના પ્રવાસીઓને પણ વધુ સારી સુવિધા આપવી જરૂરી છે. જે ધ્યાને લઇ, આ સિટીબસનો લાભ લેતા પ્રવાસીઓ માટે ટીકીટની વ્યવસ્થામાં ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવી જરૂરી છે. જે તે પ્રવાસી પોતાના મોબાઈલમાં જ ટીકીટ બુક કરી શકે અને પ્રવાસ દરમિયાન પોતાની ટીકીટ મોબાઈલમાં જ બતાવી શકે જેથી કામગીરી પણ પેપરલેસ થઇ શકે.

તેમજ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહએ વધુમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કન્સેશન પાસ વિદ્યાર્થીઓને, દિવ્યાંગોને તથા સીનીયર સિટીઝનને આપવામાં આવે છે તેમજ જનરલ માટે ૧ માસ માટે ફકત રૂ.૫૫૦માં એક વ્યકિત ગમે તેટલી વાર ગમે ત્યાં મુસાફરી કરી શકશે તેમજ આ યોજનામાં ૦૧ માસ ઉપરાંત ૦૩ માસ માટે રૂ.૧૬૦૦, ૦૬ માસ માટે રૂ.૩૦૦૦ અને ૦૧ વર્ષ માટે રૂ.૫૫૦૦ની પણ યોજના અમલમાં હોઈ તેમજ એક વ્યકિત એક દિવસ માટે રૂ.૨૫ની ટીકીટ ખરીદી આખો દિવસ સીટીબસની સેવાનો લાભ લઇ શકે છે. શહેરીજનોને આ સીટીબસની યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. તેમજ રાજકોટ શહેરમાં રહેતા શહેરીજનોને રાજકોટ શહેરમાં આવેલ જુદા જુદા જોવાલાયક સ્થળોની સુવિધા મળી રહે તે ધ્યાને લઇ, કોઈ સ્કુલના વિદ્યાર્થીઓ અથવા કોઈ સંસ્થા અથવા કોઈ લોકોના જૂથ દ્વારા રાજકોટ દર્શન કરવા માંગતા હોઈ, તે માટેની પણ સુવિધારૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટીબસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને જે ખુબ વ્યાજબીદરે સુવિધા મળી રહેશે. તેમજ શહેરમાં જોવાલાયક સ્થળોની જાણકારી પણ મળી રહેશે. આ સેવાનો લાભ લેવા પણ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહએ શહેરીજનોને અપીલ કરેલ છે.

(3:53 pm IST)