Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા. ૨૩ થી ૩૦ જુલાઈ સુધીની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેશર : ગુજરાતમાં ૨૩ થી ૨૬ વરસાદનો રાઉન્ડ

શુક્રથી સોમ મેઘરાજાનો મુખ્ય રાઉન્ડ, બુધથી શુક્ર ઝાપટા - હળવો વરસશે : તા. ૨૭-૨૮ આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર બને તેવી શકયતા

રાજકોટ, તા. ૨૨ : બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર ઉદ્દભવ્યુ છે. જેની અસરથી ગુજરાતમાં તા.૨૩ થી ૨૬ વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે નોર્થ વેર્સ્ટ બંગાળની ખાડીમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન હતું તેના લીધે આજે તે વિસ્તારમાં એક લો પ્રેશર બન્યુ છે. તેને આનુસાંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી.ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકાવ છે. ચોમાસુ ધરી હાલ ફીરોઝપુર, રોહતક, અલીગઢ, રાંચી, બાલાસર અને ત્યાંથી બંગાળની ખાડીના લો પ્રેશર સુધી ફેલાયેલ છે.

એક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધી છે. આવતા દિવસોમાં આ સિસ્ટમ્સ નોર્થ વેસ્ટ તરફ જશે એટલે મધ્યપ્રદેશ આસપાસ પહોંચે તે દરમિયાન ૧.૫ કિ.મી.ના લેવલે ચોમાસુધરીનો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ આવશે તેમજ ૩.૧ કિ.મી. અને ૫.૮ કિ.મી.ના લેવલમાં એક બહોળુ સરકયુલેશન ગુજરાત આસપાસથી મધ્યપ્રદેશ તરફ જશે.

જેની અસરથી તા.૨૩ થી ૩૦ જુલાઈ સુધીની આગાહી કરતાં વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે વરસાદનો મુખ્ય રાઉન્ડ ૨૩ થી ૨૬ જુલાઈ સુધીનો રહેશે. બાકીના દિવસોમાં ઝાપટા, હળવો વરસાદ વરસશે.

ગુજરાત (દક્ષિણ - મધ્ય - ઉત્તર ગુજરાત) હળવો - મધ્યમ - ભારે અને વધુ ભારે વરસાદની શકયતા, અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક, એકલ - દોકલ વિસ્તારમાં અતિ ભારે વરસા. આગાહી સમયમાં વરસાદની કુલ માત્રા ૫૦ થી ૭૫ મી.મી. તેમજ વધુ વરસાદ જયાં પડે ત્યાં ૭૫ થી ૨૦૦ મી.મી.

ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઓછું જણાય છે. હળવો - મધ્યમ - ભારે વરસાદની શકયતા છે. આગાહી સમય દરમિયાન સૌરાષ્ટ્રના ૫૦% વિસ્તારોમાં ૨૫ થી ૫૦ મી.મી. અને બાકીના ૫૦% વિસ્તારોમાં ૨૫ મી.મી.થી ઓછો. આ વખતે સૌરાષ્ટ્ર માટે વરસાદની માત્રામાં અનિશ્ચિતતા છે તેમ માનવું.

જયારે કચ્છમાં છુટોછવાયો હળવો - મધ્યમ - ભારે આગાહી સમયમાં કુલ માત્રા ૧૫ મી.મી. થી ૫૦ મી.મી. સુધી.

પ્રશાંત મહાસાગરમાં એક મોટું વાવાઝોડુ છે જેના લીધે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજયુકત પવનો પ્રશાંત મહાસાગર તરફ જઈ રહ્યા છે. ઘણા દિવસ સુધી ભેજનું પ્રમાણ ત્યાં જ જોવા મળશે. દરમિયાન તા.૨૭ - ૨૮ જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં એક બીજુ લો પ્રેશર પણ થવાની શકયતા રહેલી છે.

(3:04 pm IST)