Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

આજી - ન્યારી ડેમમાં શેવાળ ખાઇ જતી ૨ લાખ ગ્રાસ સ્કાર્પ માછલીઓ નંખાઇ

ડહોળુ પાણી શુધ્ધ કરવા મ.ન.પા. માછલીઓના શરણે : વોર્ડ નં. ૭ સહિતના વિસ્તારોમાં ડહોળુ અને પીળુ પાણી વિતરણની વર્ષો જુની સમસ્યાનો અંત આવશે

રાજકોટ તા. ૨૨ : પાણી શુધ્ધિકરણ માટે મ.ન.પા.એ કરોડોના ફિલ્ટર પ્લાન્ટ વસાવ્યા છે પરંતુ આમ છતાં પાણીને સંપૂર્ણ શુધ્ધ કરવા માટે અંતે તંત્રવાહકોએ કુદરતના શરણે એટલે કે માછલીઓના શરણે જવું પડયું છે. કેમકે ડેમમાં થતાં શેવાળ (લીલ)ને કારણે ફિલ્ટર થયેલું પાણી પણ પીળાશ પડતું આવતું હોવાની ફરિયાદ વર્ષો જુની છે ત્યારે હવે મ.ન.પા.ના તંત્રવાહકોએ ડેમમાં થતો શેવાળ ખાઇ જતી ગ્રાસ સ્કાર્પ જાતીની માછલીઓનો ડેમમાં ઉછેર કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે મ.ન.પા.ના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેમમાં શેવાળનું પ્રમાણ વધી જતા આ શેવાળને નિયંત્રણમાં લેવા માટે શેવાળ જ જેનો મુખ્ય ખોરાક છે તે ગ્રાસ સ્કાર્પ જાતીની ૨ લાખ જેટલી માછલીઓ ભુજ મત્સ્યોદ્યોગ વિભાગ પાસેથી મંગાવી અને આજી તથા ન્યારી ડેમમાં આ માછલીઓ નાંખી દેવામાં આવી છે.

આમ, હવે શેવાળને કારણે પીળાશ પડતા પાણી વિતરણની વર્ષો જુની સમસ્યાનો અંતે આવશે. નોંધનિય છે કે, ખાસ કરીને ન્યારી ઝોન હેઠળ આવતા વોર્ડ નં. ૭ના સદર, ભીલવાસ, પંચનાથ સહિતના વિસ્તારોમાં પીળા પાણીની સમસ્યા વર્ષો જુની છે ત્યારે હવે આ સમસ્યાનો અંત આવશે તેવી આશા જાગી છે.

(2:46 pm IST)