Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મેડિકલના છાત્ર જય ગોવાણીએ મેનેજમેન્ટ કવોટામાં મેડિકલમાં એડમિશન અપાવી દેવાના બહાને અડધા કરોડની ઠગાઇ કરી

રાજકોટમાં કારખાનેદાર શૈલેષભાઇ મણવર સાથે ૨૦.૫૦ લાખ, પરેશભાઇ પટેલ સાથે ૧૬.૫૦ લાખ અને અશોકભાઇ પટેલ સાથે ૧૦ લાખની ઠગાઇ કરનારે અમદાવાદમાં ૪૧.૫૦ લાખની બે ઠગાઇ કરતાં જેલભેગો થયો હતોઃ છુટતાવેંત રાજકોટ એસઓજીએ પકડ્યો : શૈલેષભાઇ પાસેથી એક વખત ૧૦ લાખ લઇ આપણે મોડા પડ્યા કહી અમુક રકમ પાછી આપી, બીજીવાર સુરેન્દ્રનગર સી. યુ. શાહ મેડિકલ કોલેજમાં મેડ પડી ગયો...કહી ફરી રોકડ ઉઘરાવી ભાગી ગયો'તો : ૧૫૦ રીંગ રોડ પર હરિદ્વાર એપાર્ટમેન્ટમાં રહેતો જય હાલમાં મુંબઇ રહી મહારાષ્ટ્રના કરાડ ગામે ક્રિષ્ના મેડિકલ કોલેજમાં ભણે છેઃ મોજશોખ માટે છેતરપીંડી કર્યાનું રટણઃ રિમાન્ડની તજવીજ : હૈદરાબાદમાં પણ એક ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૨૨: શહેરના પટેલ કારખાનેદારની દિકરીને મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કવોટમાં એડમિશન કરાવી આપવાના બહાને મુળ રાજકોટના હાલ મુંબઇ રહેતાં અને કરાડ ગામની મેડિકલ કોલેજમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં ભણતાં પટેલ શખ્સે કારખાનેદાર પાસેથી ૧૦ લાખ રૂપિયા લીધા બાદ હવે એડમિશન નહિ થાય મોડુ થઇ ગયું કહી અમુક રકમ પાછી આપી દીધા બાદ એક વર્ષ પછી ફરીથી તેમની દિકરીનું સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ કોલેજમાં એડમિશન થઇ ગયું છે કહી રોકડ મેળવી લઇ બાદમાં ફી ભરવાના નામે વધુ રોકડ હસ્તગત કરી લીધા પછી ગાયબ થઇ જતાં અને તેનો સંપર્ક કરાવનાર તેના પિતા પણ ન મળતાં અરજી કરવામાં આવી હતી. દરમિયાન આ ગઠીયો અમદાવાદ જેલમાંથી છુટતાં જ તેને રાજકોટ એસઓજીએ ઉઠાવી લઇ ગુનો દાખલ કર્યો છે. તપાસમાં અન્ય ત્રણ લોકો અને ભેંસાણના રહેવાસી સાથે પણ આ રીતે અડધા કરોડથી વધુની ઠગાઇ કર્યાનું ખુલ્યું છે. અગાઉ અમદાવાદમાં ૪૧.૫૦ લાખની બે ઠગાઇમાં તે જેલભેગો થયો હતો.

આ બનાવમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં સાધુ વાસવાણી રોડ આદિત્ય હાઇટ્સ એચ-૩૦૪ ગોપાલ ચોક ખાતે રહેતાં અને શાપર વેરાવળમાં ગોપાલ ફોર્જિંગ નામે ફેકટરી ધરાવતાં શૈલેષભાઇ મગનલાલ મણવર (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી જય ગોપાલભાઇ ગોવાણી અને તેના પિતા ગોપાલભાઇ ગોકળદાસ ગોવાણી તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ રૂ. ૨૦.૫૦ લાખની છેતરપીંડી કરવાનો ગુનો નોંધી જય ગોપાલભાઇ ગોવાણી (ઉ.વ.૨૭-રહે. હાલ ૭૦૨-સાઇ મિલન એપાર્ટમેન્ટ, વરલી નાકા વરલી મુંબઇ, કાયમી સરનામુ ૨૦૧-હરિદ્વાર એપાર્ટમેન્ટ, આસ્થા રેસિડેન્સી પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ)ની ધરપકડ કરી તેના સાત દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

શૈલેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં ૨૧ વર્ષની દિકરી છે. જેણે વી. જે. મોદી સ્કૂલમાં ૧૨ સાયન્સનો અભ્યાસ પુરો કર્યો છે. તેના ઉજ્જવળ ભવિષ્ય માટે મેડિકલ લાઇનમાં એડમિશન મળી રહે તે માટે અમે પ્રયાસ કરતાં હતાં. એ દરમિયાન અમારી જ્ઞાતિના ગોપાલભાઇ ગોવાણી કે જે મારા સાઢુભાઇ રાજેન્દ્રભાઇ હાસલીયાના સગાના સગા થતાં હોઇ તેની સાથે પરિચય થયો હતો. ગોપાલભાઇએ મને કહેલું કે મારો દિકરો જય ગોવાણી શિક્ષણને લગતું કામ કરે છે, મેડિકલને લગતા એડમિશન કરાવી આપે છે. તમારે કોઇ મદદની જરૂર હોય તો સંપર્ક કરજો.

આ પછી મારો સંપર્ક ગોપાલભાઇએ તેના પુત્ર જય સાથે કરાવ્યો હતો. એ પછી  મેં  ગોપાલભાઇને જણાવેલું કે ૨૦૧૮માં મારી દિકરીનું ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ આવ્યું છે તેમાં તે મેડિકલ માટે કવોલિફાઇડ થઇ ગઇ હતી. પરંતુ સરકાર દ્વારા ભરવામાં આવતી મેડિકલ અભ્યાસ માટેની જગ્યામાં તેનો નંબર લાગ્યો નહોતો. આથી મારી દિકરીને  મેનેજમેન્ટ કવોટામાં એડમિશન મળી રહે તેવું થઇ શકે ખરૂ? આ વાત પછી ગોપાલભાઇએ કહેલું કે હું મારા દિકરા જયને તમારી ઘરે મોકલીશ તમારું કામ થઇ જશે.

ત્યારબાદ જય ગોવાણી અમારા ઘરે આવ્યો હતો અને કહેલું કે તમારી દિકરીનું એડમિશન હું મેનેજમેન્ટ કવોટમાં કરાવી આપીશ. પણ તમારે અત્યારે ૧૦ લાખ રૂપિયા આપવડા પડશે. એડમિશન નક્કી થશે ત્યારે કુલ કેટલા રૂપિયા ભરવાના એ જણાવીશ. એડમિશન નહિ થાય તો તમને રૂપિયા તરત પાછા આપી દઇશ. જય ઉપર મને વિશ્વાસ બેસતાં મેં તેને રોકડા ૧૦ લાખ આપી દીધા હતાં. એ પછી પંદરેક દિવસ પછી જયનો સંપર્ક કરતાં તેણે કહેલું કે આપણે મોડા થયા છીએ, એટલે એડમિશન નહિ થાય. તેમ કહી તેણે રૂ. ૪ લાખ પાછા આપ્યા હતાં. બાકીના પોતે પછી આપી જશે તેમ વાત કરી હતી.

એ પછી ૨૨/૬/૧૮ના રોજ દોઢ લાખ રૂપિયા મારા ઘરે આપી ગયો હતો. ત્યારબાદ ૧૩/૭/૧૮ના રોજ દોઢ લાખ મારા બેંક ખાતામાં જમા કરાવ્યા હતાં. ત્યારે જયએ કહેલુ કે તમારા ૩ લાખ મારી પાસે છે. ૨૦૧૯માં માનસી નીટની પરિક્ષા આપે એટલે હું ચોક્કસ એડમિશન કરાવી આપીશ. ત્યાર પછી મારી દિકરીએ પરિક્ષા આપી હતી. તેનું પરિણામ આવી જતાં જયને રૂ. બે લાખ ૧/૫/૧૯ના રોજ ચેકથી આપ્યા હતાં. એ પછી જયએ મને ફોન કરેલો કે  તમારી દિકરીનું સુરેન્દ્રનગર સી. યુ. શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મેનેજમેન્ટ કવોટામાં કન્ફર્મ થઇ ગયું છે. તમારે ૯ લાખ આપવા પડશે.

મને વિશ્વાસ બેસતાં ૬/૬/૧૯ના રોજ ૩ લાખ, ૭/૬ના રોજ ૩ લાખ, ૮/૬ના રોજ ૨ લાખ અને ૧૪/૬ના રોજ ૧ લાખ આપ્યા હતાં. ત્યારબાદ જય ફરી મારી પાસે આવ્યો હતો અને એડમિશન એલોટમેન્ટ લેટર કોલેજ તરફથી આવી ગયો છે, જે મારી પાસે છે. હવે પ્રથમ વર્ષની ફી પેટે રૂ. ૫ લાખ ૭૫ હજાર ભરવાના છે તેમ કહેતાં મેં તેના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી. એ પછી થોડા દિવસ બાદ જયનો સંપર્ક કરી મારી દિકરીના એડમિશન બાબતે પુછતાં તેણે પોતે બહારગામ છે, થોડા દિવસમાં થઇ જશે તેવી વાત કરી હતી. આથી મને શંકા જતાં મેં સુરેન્દ્રનગર સી. યુ. શાહ મેડિકલ કોલેજમાં તપાસ કરતાં ત્યાં મારી દિકરીનું કોઇ એડમિશન થયું નહિ હોવાનું જણાયું હતું. તેનો ફરીથી સંપર્ક કરતાં થઇ શકયો નહોતો. તેના પિતા ગોપાલભાઇનો ફોન પણ લાગ્યો નહોતો.

પછી તપાસ કરતાં ખબર પડી હતી કે જયએ પરેશભાઇ મોહનભાઇ પટેલના કિદરાને, રાજેશભાઇ હરિભાઇ ગજેરાની દિકરીને, અશોકભાઇ બાબુલાલ ભુવાના દિકરાને એડમિશન આપી દેવાના બહાને પણ તેમની પાસેથી લાખોની રકમ લઇ લીધી છે. જય અને તેના પિતાએ મારી પાસેથી અલગ અલગ સમયે ૨૦ લાખ ૫૦ હજાર મેળવી લઇ એડમિશન કરાવી નહિ આપી ઠગાઇ કરી હતી.

ઝડપાયેલો જય ગોવાણી હાલમાં મહારાષ્ટ્રના કરાડની ક્રિષ્ના મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં ભણે છે. તેના કહેવા મુજબ મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ તેણે લોકોને છેતર્યા હતાં! સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં એસઓજી પીઆઇ આર. વાય. રાવલની સુચના હેઠળં પીએસઆઇ એમ. એસ. અન્સારી, એએસઆઇ આર. ડી. વાંક, ઝહીરખાન ખફીફ અને આર. ડી. વાંક, અનિલસિંહ ગોહિલ, સીરાજભાઇ ચાનીયા, પ્રદિપસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ રાણા, સોનાબેન મુળીયા સહિતે આ કામગીરી કરી છે.

(2:00 pm IST)