Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વીવીપી કોલેજના એન્જિનિયરીંગના છાત્ર કોૈશલે ચોથા માળેથી પડતું મુકયું: ગંભીર

છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં છાત્રની ડિપ્રેશનની દવા ચાલુ છેઃ સોની બજાર રૈયા નાકા ટાવર પાસે કેશવલીલા એપાર્ટમેન્ટમાં રાતે સાડા ત્રણેક વાગ્યે બનાવ

રાજકોટ તા. ૨૨: સોની બજાર રૈયા નાકા ટાવર પાસે આવેલા કેશવલીલા એપાર્ટમેન્ટમાં રહેતાં અને વીવીપી એન્જિનિયરીંગ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી કોૈશલ ચંદ્રકાંતભાઇ ખખ્ખર (ઉ.વ.૨૩)એ મધરાતે ચોથા માળેથી છલાંગ મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ છે.

કોૈશલે રાત્રે સાડા ત્રણેક વાગ્યે એપાર્ટમેન્ટમાંથી કૂદકો મારતાં અવાજ થતાં લોકો જાગી ગયા હતાં. તપાસ કરતાં ચોથા માળે રહેતો કોૈશલ ખખ્ખર હોવાનું જણાતાં તેમના પરિવારજનો પણ દોડી આવ્યા હતાં. કોૈશલને સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલ મારફત જાણ થતાં એ-ડિવીઝનના હેડકોન્સ. રવિભાઇ વાઘેલા સહિતનો સ્ટાફ નિવેદન નોંધવા પહોંચ્યો હતો. પરંતુ કોૈશલ બેભાન હોઇ તેનું નિવેદન નોંધી શકાયું નહોતું. પરિવારજનોએ કહ્યું હતું કે કોૈશલ બે ભાઇમાં નાનો છે અને વીવીપી એન્જિનિયરીંગ કોલેજમાં ઇલેકટ્રીક કોમ્યુનિકેશનમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેને એકાદ વર્ષથી ડિપ્રેશન જેવું હોઇ તેની દવા પણ ચાલુ હતી. મધરાતે તેણે અચાનક આવુ પગલુ ભરી લીધું હતું.  પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.

(12:02 pm IST)