Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટના મવડીના કાવેરી પાર્કમાં પાણીની ધોધમાર નદી વહેતા મોટર કાર તણાઈઃ કાર ચાલકને બચાવી લેવાયો

કે.કે.વી. ચોક પાસે મોટર કાર પર ઝાડ પડયું

રાજકોટમાં ગઈ સાંજે ધોધમાર ૨II ઈંચ જેટલો વરસાદ વરસ્યો તે વખતે મવડી વિસ્તારમાં કાવેરી પાર્કમાં પાણીની ધોધમાર નદી વહી હતી અને મોટર કાર તણાઈ હતી, જો કે ફાયર બ્રિગેડ અને લતાવાસીઓએ કાર ચાલકને બચાવી લીધા હતા તે વખતની તસ્વીરો (તસ્વીરઃ સંદિપ બગથરિયા)(૨-૧૦)

રાજકોટ, તા. ૨૨ :. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અંતે ગઈકાલે રાજકોટ ઉપર મેઘકૃપા થઈ હતી અને ૨ થી ૨ાા ઈંચ વરસાદ પડયો હતો અને આ દરમિયાન ઝાડ પડવાનો તથા મોટર કાર તણાઈ જવાના બનાવો બનતા ફાયર બ્રિગેડે બચાવ કાર્ય કર્યુ હતું. મવડીમાં મોટર કાર તણાઈ હતી જ્યારે કાલાવડ રોડ પર કે.કે.વી. ચોકમાં મોટર કાર ઉપર ઝાડ પડયુ હતુ. જો કે બન્ને બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

કાર તણાઈ

મવડી વિસ્તારમાં આવેલ કાવેરી પાર્કમાં ગઈકાલના વરસાદ દરમિયાન રોડ ઉપર પાણીની ધોધમાર નદી વહી હતી, પરિણામે રોડ પરથી પસાર થતી મોટર કાર પાણીમાં તણાઈને વોંકળા તરફ જવા લાગી હતી. આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ ફાયરબ્રિગેડની રેસ્કયુ ટીમ બોલાવી અને દોરડા બાંધી રહેવાસીઓ તથા ફાયરબ્રિગેડ જવાનોએ કાર ચાલકને બચાવી લીધો હતો.

અવાર-નવાર તણાઈ જવાના બનાવો બને છે

આ તકે લતાવાસીઓએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યુ હતુ કે, વરસાદના પાણીનો પ્રશ્ન ઘણો જૂનો છે આ અંગે વખતોવખત લેખિત અને મૌખિક અનેક વખત ફરીયાદ કરેલી છે પણ કોઈ નિકાલ આવતો નથી. ચોમાસામાં વરસાદ વખતે બાળકો સ્કૂલે જાય તેમજ સોસાયટીમાંથી બહાર ગયેલા હોય અને સાંજના સમયે ઘરે આવવું હોય તો આવી ન શકે એવી પરિસ્થિતિ સર્જાય છે. અગાઉ અનેક વખત સ્કૂલના બાળકો ગાડીવાળા પણ આ જ રીતે તણાતા બચ્યા છે ત્યારે આ સમસ્યા કેટલી ગંભીર છે ? તે તંત્રવાહકોએ સમજવુ જોઈએ અને આ વરસાદી પાણી નિકાલના પ્રશ્નને ઉકેલવો જોઈએ તેવી ઉગ્રમાંગ લતાવાસીઓએ ઉઠાવી છે.

કાર ઉપર ઝાડ પડયું

રાજકોટઃ ગઈકાલે સાંજે વરસાદ દરમિયાન કાલાવડ રોડ કે.કે.વી. ચોકમાંથી પસાર થતી મોટર કાર ઉપર ઝાડ પડયું હતું. આથી કારમાં બેઠેલા ૪ વ્યકિતઓ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલીક સ્થળ પર પહોંચી કારમાં ફસાયેલા લોકોને બચાવી લીધા હતા. કોઈને ઈજા પહોંચી ન હતી. જો કે મોટર કારને એકથી દોઢ લાખનું નુકશાન થયાનું કાર માલિકે ફાયર બ્રિગેડમાં નોંધાવ્યુ હતું.

(4:15 pm IST)