Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

એક વર્ષમાં ત્રણ શહેરમાં ૩૪ ચોરી કરીઃ રીઢો ચોર એઝાઝ પકડાયો

જામનગરનો ફકીર શખ્સ મોટેભાગે વ્હોરા સમાજના લોકોના ઘરને જ નિશાન બનાવતો...કારણ કે એ લોકો મોટે ભાગે ફરિયાદ કરવાનું ટાળતાં હોય છે! : મુંબઇમાં હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દબોચ્યોઃ રાજકોટની ૧૬, જામનગરની ૧૫ અને અમદાવાદની ૩ ચોરીની કબુલાતઃ અમદાવાદ પોલીસને ચકમો દઇ ભાગી જવાના ગુનામાં પણ ફરાર હતોઃ ૨.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જેઃ જે ઘરમાં ચોરી કરતો તેની આજુબાજુમાંથી વાહન પણ ચોરતો, ત્યારબાદ જ્યાં જવું હોય ત્યાં પહોંચી વાહન રેઢુ મુકી દેતો : એઝાઝ ઉર્ફ એજલો ઉર્ફ ચકી શેખના પિતા કાદર ઉર્ફ ચાલબાજ પણ ચોરીઓ કરતોઃ એઝાઝના બે ભાઇઓ હત્યામાં સંડોવાઇ ચુકયા છે : એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા અને યોગેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી દબોચાયો : હાથફેરો કર્યા બાદ મુંબઇમાં બારગર્લ ખુશી ઉર્ફ અનિશા પાસે પહોંચી મોજશોખમાં પૈસા વાપરતો

રીઢો તસ્કર ઝડપાયો તેની માહિતી આપી રહેલા પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, બંને ડીસીપી, એસીપી ક્રાઇમ તથા નીચે પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમ તથા ઝડપાયેલો તસ્કર તથા કબ્જે થયેલો મુદ્દામાલ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: છેલ્લા એક વર્ષમાં  રાજકોટ શહેર, જામનગર અને અમદાવાદમાં ૩૪ ઘરફોડી અને વાહનચોરીના ગુના આચરનારા રીઢા તસ્કર જામનગર કાલાવડ રોડ ગેઇટ ગુજરાતીવાસ મટન માર્કેટ પાસે રહેતાં એઝાઝ ઉર્ફ એઝલો ઉર્ફ ચકી કાદરભાઇ ઉર્ફ ચાલબાજ શેખ (ફકિર) (ઉ.૨૪)ને ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા અને યોગેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી મુંબઇથી ઝડપી લઇ રૂ. ૨,૨૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. મુંબઇની બારગર્લ સાથે મોજમજા માણવા ચોરીઓ કરતો આ શખ્સ મોટે ભાગે વ્હોરા સમાજના લોકોના ઘરમાં જ હાથફેરો કરતો હતો!

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જામનગરનો એઝાઝ ઉર્ફ એઝલો શેખ અગાઉ ઘરફોડ ચોરીઓ અને વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચુકયો હોઇ તેમજ છેલ્લે અમદાવાદ કાલુપુર પોલીસના ચોરીના ગુનામાં પકડાયા બાદ ૨૭/૬/૧૯ના રોજ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હોઇ કાલુપુરમાં ગુનો દાખલ થયો હતો. આ શખ્સ મુંબઇ સેન્ટ્રલ મહમદઅલી રોડ પર સાહિન હોટેલ પાસે હોવાની પાક્કી બાતમી વિજયસિંહ ઝાલા સહિતને મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમના એએઅસાઇ ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા, કોન્સ. સંજય ચાવડા બીજી તપાસના કામે મુંબઇમાં જ હોઇ તેમને જાણ કરવામાં આવતાં બાતમીવાળી જગ્યાએ તેઓ પહોંચ્યા હતાં અને નાગપાડા પોલીસ મથકના અધિકારી અને ટીમની મદદ લઇ તપાસ કરતાં બાતમી મુજબની જગ્યાએથી એઝલો મળી આવતાં રાજકોટ લાવવામાં આવ્યો હતો.

આ શખ્સ મોટે ભાગે વ્હોરા જ્ઞાતિના લોકોના મકાનોમાં જ ચોરીઓ કરતો હતો. તે એવું માનતો હતો કે આ સમાજના લોકો નાની મોટી ચોરી થાય તો ફરિયાદ કરતાં નથી અને એ લોકોને તેમના સમાજમાંથી વળતર મળી રહેતું હોય છે. તે જે મકાનના ઉપરના માળનો ગેલેરીનો દરવાજો ખુલ્લો હોય તેવા મકાનમાં પાઇપ કે બારીના છજા વાટે ઉપર ચઢી અંદર પ્રવેશી કબાટમાંથી રોકડ, દાગીના ચોરી કરી જે તે ઘરમાં જ રહેલા મોટર સાઇકલ કે અન્ય વાહનની ચોરી કરી ભાગી જતો હતો. તેમજ જ્યાં જવું હોય ત્યાં પહોંચી વાહન રેઢુ મુકી દેતો હતો.

આ તસ્કર મુંબઇમાં ખુશી ઉર્ફ અનિશા નામની બારગર્લ સાથે દોસ્તી ધરાવતો હોઇ ચોરીઓ કર્યા બાદ મુંબઇ તેની પાસે જઇ મોજશોખમાં ચોરીનો માલ વાપરી નાંખતો હતો. પોલીસ કસ્ટડીમાંથી નાશી જવાની અને પોલીસ મથકમાં હોય ત્યારે પોતાનું માથુ પછાડી ઇજા કરવાની ટેવ ધરાવે છે.

આ રીઢા તસ્કરને મુંબઇથી ઝડપી લઇ રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં પુછતાછ કરવામાં આવતાં છેલ્લા એક વર્ષમાં તેણે રાજકોટમાં  ૧૬, જામનગરમાં ૧૫ અને અમદાવાદમાં ૩ મળી કુલ ૩૪ ચોરીઓ કરી હોવાની કબુલાત આપી છે.

જેમાં રાજકોટમાં રૈયાનાકા ટાવર પાસે નઝમી મસ્જીદવાળી ગલીમાંથી બાઇક ચોરી કર્યુ હતું. એ પછી સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી બાઇક, હરિચંદ્ર ટોકિઝ પાછળ મકાનમાંથી રોકડ અને એકટીવા ચોરી, રૈયાનાકા ટાવર ભીડભંજન સોસાયટીના ઘરમાંથી સોનાની બંગડી, વીંટી, રોકડા ૩૦ હજારની ચોરી, રૈયા નાકા નઝમી મસ્જીદવાળી શેરીમાં એકટીવા ચોરીા, રૈયાનાકા ટાવરમાં ઇટર્નો ચોરી, રૈયાનાકા ટાવર નૂર મસ્જીદ પાસેથી મકાનમાંથી ૬૦ હજારની ચોરી, ગુજરી બજારમાં મકાનમાંથી ૩૦૦૦ર ોકડ તથા કેમેરાની ચોરી, આ વિસ્તારમાંજ એક મકાનમાંથી ૨ હજારની ચોરી, પરાબજાર રૈયાનાકા ભીડભંજન માંથી ૨૪ હજારની ચોરી, ધી કાંટા રોડ પર ભારમલ શેરીના મકાનમાંથી રોકડ ૧૭ હજાર અને એકસેસની ચોરી, ગરેડીયા કુવા રોડ રઘુવીરપરામાંથી મકાનમાંથી રોકડ અને ફોન, ભીડભંજનમાં મકાનમાં ટીંગાતા પેન્ટના ખિસ્સામાંથી રોકડ, મોચી બજાર રોડ આઇસ્ક્રીમની દૂકાનમાંથી ૬૦ હજારની રોકડ ચોરી, ખાટકીવાસ કૃષ્ણપરામાં મકાનમાંથી ૫૦ હજારની, જામનગર બરધન ચોકમાં મકાનમાંથી ૧૫ હજાર રોકડા અને દાગીનાની ચોરી, મણીયાર શેરીમાં રોકડા ૩૪હ જાર, પંચેશ્વર ટાવર પાસે રોકડા ૧,૨૦,૦૦૦ની ચોરી કરી હતી.

આ ઉપરાંત જામનગર રતનબાઇ મસ્જીદ સામે મકાનમાંથી દાગીના અને રોકડા, મોદીવાળા ઢાળીયા પાસે મકાનમાંથી એપલ ફોન, રોકડા ૩૪ હજાર અને ચાંદીની બંગડીઓ, એ જ વિસ્તારમાં એક મકાનમાંથી ૩૫ હજારની ચોરી, હાટડી ટાંક ડેલા પાસે મકાનમાંથી ૧૦ હજાર, લુહાર સાર રૂગનાથ ફળીમાં એક ડેરી પાસેના મકાનમાંથી બાઇક ચોરી, શૈફીના ઢાળીયા પાસેથી બાઇક ચોરી, મુલામેડી ભટ્ટ ફળીના મકાનમાંથી રોકડ-દાગીના, બાવાફળી મુલામેડી પાસે મકાનમાંથી મોબાઇલ ફોન, જામરણજીતસિંહજી છાત્રાલય ખાતેથી ફોન અને રોકડા ૩૦ હજાર, બાવાફળીના મકાનમાંથી ૩ હજારની ચોરી કરી હતી. એ પછી કાલુપુર પોલીસની કસ્ટડીમાંથી ભાગી જામનગર આવી ૨૮/૬ના જામનગર દિગ્વીજય પ્લોટના મકાનમાંથી રોકડ-દાગીનાની ચોરી, કોઇચા શેરીમાંથી રોકડ-ચાવીઓની ચોરી, કાલુપુરથી ભાગ્યો ત્યારે ત્યાં જ ખાંચા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ફોન અને રોકડની ચોરી તથા બીજા મકાનમાંથી એપલ ફોનની ચોરી કરી હતી.

આ શખ્સ પાસેથી સોનાની બંગડીઓ રૂ. ૪૦ હજાર, સોનાની વીંટી ૧૦ હજારની, કેનન કંપનીનો કેમેરો, વીવો મોબાઇલ, એપલ મોબાઇલ, રોકડા ૧૦ હજાર, ઇટર્નો સ્કૂટર, સ્પ્લેન્ડર બાઇક, એકટીવા, હોન્ડા, એકસેસ સહિત ૨,૨૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ તસ્કર વિરૂધ્ધ રાજકોટમાં એ-ડિવીઝનમાં સાત, માલવીયાનગરમાં એક જામનગરમાં ત્રણ તથા અમદાવાદમાં ત્રણ ગુના નોંધાયા હતાં. મોરબી, કચ્છમાં પણ ગુના આચરી ચુકયો છે.

પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા, અમૃતભાઇ મકવાણા, યોગેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, શોકતખાન ખોરમ, સંજયભાઇ ચાવડા, સૂર્યકાંત જાદવ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

ઇનામ અપાયું

કામગીરી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમને પોલીસ કમિશનરે રૂ. ૧૫ હજારનું ઇનામ આપ્યું હતું. તેમજ મુંબઇ નાગપાડા પોલીસને પ્રશંસા પત્ર પાઠવવામાં આવ્યો હતો.

(4:14 pm IST)