Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

પ્રથમ લગ્નની હકીકત છુપાવી પતિએ બીજા લગ્ન કરતા ઘરેલું હિંસા હેઠળ અરજી

પત્નિ દ્વારા ભરણપોષણ-ઘરભાડુ મેળવવા માંગણી

રાજકોટ, તા., ૨૨: પતિએ એક લગ્ન કરેલ હોવા છતાં બીજા લગ્ન કર્યાની હકીકત છુપાવી પરીણીતાની જીંદગી બગાડતા પરીણીતાએ પતિ વિરૂધ્ધ ભરણપોષણ મેળવવા ઘરેલુ હિંસા હેઠળ કોર્ટમાં અરજી કરેલ છે.

રાજકોટમાં હાલમાં માવતરના ઘરે રહેતી કલ્પનાબેન મિલાપભાઇ જાનીના ભારત મેટ્રીમોની સોશ્યલ સાઇટ દ્વારા સંપર્કમાં આવતા બેંગ્લુરૂના રહેવાસી મિલાપભાઇ હિતેષકુમાર જાની સાથે રાજકોટ મુકામે તા.૧પ-ર-ર૦૧૯ના રોજ લગ્ન થયેલ. લગ્ન બાદ પ્રથમ મોરબી દિયરના ઘરે તથા ત્યાર  બાદ બેંગ્લુરૂ સંયુકત કુટુંબમાં લગ્નજીવન વિતાવવા અરજદાર કલ્પનાબેન ઉમંગભેર લગ્નજીવન વિતાવવા ગયેલ. પરંતુ સામાવાળા પતિદેવની તપાસ કરતા જાણવા મળેલ કે મિલાપ જાનીના આ બીજા લગ્ન છે. પ્રથમ લગ્ન રાજકોટમાં અન્ય સ્ત્રીપાત્ર સાથે કરેલ અને છુટાછેડા લીધેલ છે તેમ જાણવા મળેલ. આમ પ્રથમ લગ્નની હકીકત પણ તેઓએ છુપાવેલ.

આવા સંજોગોમાં પતિના સ્ટેટસ મુજબ પત્નિ ભરણપોષણની રકમ મેળવવા હક્કદાર થતા હોય માસીક ભરણપોષણની રકમ રૂ. ૧ લાખ પુરા મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટમાં અરજી કરેલ છે તેમજ ડોમે.વાયો. એકટ અન્વયે રાજકોટની ફોજદારી કોર્ટમાં ભરણપોષણ, ઘરભાડુ તથા રક્ષણ મેળવવા અન્ય કુટુંબીજનો સહિત જવાબદાર થતા હોય જેથી ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે.

આ કામમાં અરજદાર કલ્પનાબેન મિલાપભાઇ જાની વતી રાજકોટના ધારાશાસ્ત્રી હર્ષદકુમાર એસ.માણેક, અનિલભાઇ જે. જસાણી, સોનલ બી.ગોંડલીયા તથા જાગૃતીબેન કેલૈયા રોકાયેલ છે.

(4:04 pm IST)