Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

રાજકોટના રસ્તાઓ પર દોડશે ઇ-રીક્ષા

સીકો ઇ-વ્હીકલ મેન્યુફેકચર્સની પહેલ : દિલ્હીમાં પ્રયોગ સફળ રહેતા રાજકોટમાં અજમાયશ : હાલ ૧૦ રીક્ષાનું આગમન : પ્રતિ કિ.મી. માત્ર રૂ.૧ ખર્ચ : રીક્ષા ખરીદવા કેન્દ્ર સરકાર સબસીડી આપે છે અને ગુજરાત સરકાર પણ એ દિશામાં આગળ વધી રહ્યાનો દાવો : બુધવારે વિધિવત લોન્ચીંગ : પત્રકાર પરીષદમાં વિગતો અપાઇ

રાજકોટ તા. ૨૨ : સીકો ઇ-વ્હીકલ મેન્યુફેકચર્સ દ્વારા રાજકોટના માર્ગો ઉપર ઇ-રીક્ષા દોડતી કરવાની પહેલ કરાઇ છે. આ અંગે માહીતી આપવા આજે પત્રકાર પરીષદ બોલાવવમાં આવી હતી.

જેમાં વિગતો આપતા જણાવાયુ હતુ કે દિલ્હીમાં ઇ-રીક્ષાનો પ્રયોગ સફળ રહેતા રાજકોટમાં શરૂઆત કરવા અમે વિચાર્યુ છે. હાલ તો ઉત્પાદન દિલ્હીમાં જ થશે. બાદમાં રાજકોટમાં જ ઉત્પાદન શરૂ કરવાની પણ અમારી તૈયારી છે. કામચલાઉ પ્રયોગના ધોરણે ૧૦ ઇ-રીક્ષાઓ રોડ ઉપર ઉતારવામાં આવી છે. ખાસ કરીને પર્યાવરણને સુધારવા માટે આ અભિગમ હાથ પર લેવાયો છે.

દિલ્હીમાં ઇ-રીક્ષા આવ્યા પછી કાર્બન પ્રદુષણ ઘટયુ છે. ત્યાં ત્રણેક વર્ષ પહેલા શરૂ આત કરાઇ હતી. હાલ બે લાખ ઇ-રીક્ષા દોડી રહી છે. લોકોએ સ્વીકારી લીધી છે. માત્ર રૂ.૧ માં પ્રતિ કિ.મી. પડે છે. એક વખત બેટરી રીચાર્જ કરી લેવાથી સતત ૮૦ કિ.મી. દોડે છે.

આમ તો રીક્ષાની કિંમત રૂ.દોઢેક લાખને આંબી જાય છે. પરંતુ કેન્દ્ર તરફથી રૂ.૩૦ હજાર જેવી સબસીડી મળે છે અને ગુજરાત સરકાર પણ આ દીશામાં વિચારી રહી હોવાનું સીકો ઇ-વ્હીકલ મેન્યુફેકચર્સના આગેવાનોએ જણાવ્યુ હતુ.

રાજકોટનો સ્માર્ટ સીટી બનાવવા એક તરફ પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવા ઇ-રીક્ષા આવકારદાયી બની રહેશે. આ રીક્ષામાં ઇંધણ તરીકે બેટરી અને ઇલેકટ્રીક પાવર વપરાશ થતો હોય તે માટેના ઇ-રીચાર્જ સ્ટેશનો થોડા થોડા અંતરે ઉભા કરવા હાલ પ્લાનીંગ થઇ રહ્યુ છે. પેસેન્જર અને લોડીંગ એમ બન્ને પ્રકારની રીક્ષાઓ રાજકોટમાં દોડતી કરાશે.

આ માટેનું વિધિવત લોન્ચીંગ તા. ૨૩ ના બુધવારે સવારે ૧૦ વાગ્યે કુમકુમ પાર્ટી પ્લોટ, ઇમ્પીરીયલ હાઇટસની સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે કરાશે.

મુખ્ય મહેમાન તરીકે મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહજી જાડેજા, ઇન્ચાર્જ રીજી. ટ્રન્સ ઓફીસર રાજકોટ રીજીયન પી. બી. લાઠયા, આર.ટી.ઓ. અધિકારી મેડમ વી. એચ. યાદવ, રાજકોટ પેસેન્જર રીક્ષા એસો.ના પ્રમુખ હશેનભાઇ સૈયદ, સેક્રેટરી સુરેશભાઇ રાઠોડ ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં પત્રકાર પરીષદ સંબોધતા ધનસુખભાઇ વોરા, જલ્મીતસિંઘ ધીલ્લોન, બીપીનભાઇ શાહ, આશીષભાઇ શાહ, સુરેશભાઇ શાહ, રમેશભાઇ સંઘાણી, મહેન્દ્રસિંહ ધીલ્લોન, જયદીપભાઇ વોરા, મિતેષભાઇ સંઘાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:04 pm IST)