Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

આવનારા દિવસોમાં ગુજરાતની યુનિવર્સિટીનું સ્થાન વિશ્વની બેસ્ટ ૧૦૦ યુનિવર્સિટીઓમાં હશે : વિજયભાઇ રૂપાણી

વી. વી. પી. એન્જીનીયરીંગ કોલેજના આંગણે નવા બનેલા બે ઓડીટોરીયમનું ઉદ્દઘાટન

રાજકોટ :  વી. વી. પી. ઇજનેરી કોલેજના સંકુલમાં બે અત્યાધુનિક ઓડીટોરીયમનું નિર્માણ થતા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ તકે વિજયભાઇએ ડીજીટનલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓડીટોરીયમ ખુલ્લુ મુકતા જણાવેલ કે આજથી બે વર્ષ અગાઉ ગુજરાતમાં કેવળ ૯ યુનિવર્સિટીઓ હતી. આજે ૬૦ યુનિવર્સિટીઓ ધમધમી રહી છે. આગામી સમયમાં ગુજરાતની યુનિવર્સિટીનું સ્થાન વિશ્વની શ્રેષ્ઠ ૧૦૦ યુનિવર્સિટીમાં હશે. બાદમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતાએ પોતાના વકતવ્યામાં ગુજરાત સરકારે હાથ ધરેલ વિકાસ કાર્યો વર્ણવી હતી. આ તકે કોલેજના તમામ વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ માટે શપથ ગ્રહણ કર્યા હતા. કોલેજ તરફથી એવી જાહેરાત પણ કરવામાં આવી કે વૃક્ષારોપણના પ્રકલ્પમાં વી.વી.પી. કોલેજ ૧૦૦૧ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરશે. આ પ્રકલપની શરૂઆત પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કરાવીને કરાઇ હતી. અહીં ઉલ્લેખનીય છે કે ૧૯૦૦ તથા ૧૪૫૦ સ્કવેર ફીટમાં પથરાયેલ પી. ડી. ચિતલાંગીયા ઓડીટોરીયમ તથા સ્વ. આશીષભાઇ પ્રવિણભાઇ મણીઆર ઓડીટોરીયમ મલ્ટી મીડીયા પ્રોજેકટર, સ્કીન, એકોસ્ટીક સાઉન્ડ સિસ્ટમ, પુશ બેક ચેર અને સંપૂર્ણ વાતાનુકુલીત વ્યવસ્થાથી સજજ કરવામાં આવેલ છે. બન્ને ઓડીટોરીયમ થકી વિદ્યાર્થીઓને તજજ્ઞ વ્યાખ્યાન અને તકનીકી જ્ઞાન સુલભ બનશે. વીવીપીનું કેમ્પસ સંપૂર્ણ વાયરલેસ ઇન્ટરનેટ કનેકશન વાઇ-ફાઇ સુવિધાથી સજજ હોય બન્ને ઓડીટોરીયમ થકી દેશ વિદેશના નામાંકિત પ્રાધ્યાપકોના લેકચર અહીં પ્રાપ્ય બનશે. દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમ મલ્ટી મીડીયા પ્રોજેકટર અને એકોસ્ટોસ્ટીક સાઉન્ડ સીસ્ટમનો સુભગ સમન્વય સર્જાશે. આ કાર્યક્રમનું સંચાલન ડો. નિરવભાઇ મણીઆર અને ડો. ઉર્જાબેન માંકડે કરેલ. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતી કરાઇ હતી.

(4:03 pm IST)