Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મોબાઇલ છોડાવી બાળકોને શેરી રમત તરફ વાળતી નવરંગ નેચર કલબઃ ૧૦૭ સ્કુલોમાં સફળ કાર્યક્રમો

રાજકોટ : ૪-જી યુગમાં વિદ્યાર્થીઓ મેદાનની દેશી રમતોથી દુર થઇ ગયેલ છે. અત્યારે માત્ર મોબાઇલમાં રમતો રમાય છે. આવી મોબાઇલની રમતોથી બાળકોમાં હિંસકવૃતી વધે છે અને અવાસ્તવીક પણામાં બાળકો જીવે છે અને માઇકાંગલાપણું વધતું જાય છે. ત્યારે બાળકોને મોબાઇલની રમતોમાંથી બહાર કાઢવા માટે મેદાનની દેશી રમતો રમાડવા નવરંગ નેચર કલબે સારી પડેલ કરી છે. શહેરના વિવિધ સ્થળો અને સૌરાષ્ટ્રના અનેક ગામોમાં પણ આ વિચાર મૂર્તિમાં કરાયો છે. રમત-ગમત એટલે જ 'રમવું' અને 'આનંદીત' રહેવું. રમત ગમત એ જન્મજાત પ્રવૃતિ છે તેનાથી ક્રિયાશીલતા કેળવાય છે. જીવનના સરવાળા - બાદબાકીનો તટસ્થ ઘટક છે રમત છે. રમતના મેદાનમાં મુલ્યલક્ષી અનુભવો મળે છે. રમતથી સુખ, આનંદ, ઉત્સાહ અને આત્મ વિશ્વાસમાં વધારો થાય છે. ચારીત્ર્ય  નિર્માણ માટે રમત જરૂરી છે. તેનાથી સંસ્કારો શુધ્ધ થાય છે. રમતો શરીરના સ્નાયુ, બાંધો, તંદુરસ્તી અને મજબુતાઇ માટે છે. એટલુ જ નહીં રમતથી ખેલદીલીની ભાવના વધે છે. હારજીત પચાવતા શીખે છે. એકાગ્રતામાં વધારો થાય છે. તાલગતી કેળવાય છે. હૃદય રૂધિરવાહીની અને શ્વાસન સહનશકિત વધે છે. આવી ભુલાતી જતી બીન ખર્ચાળ દેશી રમતો લોકભોગ્ય બને તે માટે જાન્યુઆરી ર૦૧૯ થી પ્રાથમિક શાળા અને હાઇસ્કુલના બાળકોને ગામડે કે શહેરોમાં જઇ સ્કુલોમાં રમતો રમાડેલ. અત્યાર સુધીમાં નવરંગ નેચર કલબના નેતૃત્વમાં કુલ ૧૦૭ સ્કુલના ર૦,૦૦૦ બાળકોને દેશી રમતો (શેરી રમતો) વિના મુલ્યે રમાડેલ છે. રમતો પછી બાળકોને સ્થાનીક લોકોના સહકારથી ભરપુર દેશી નાસ્તો (ગાજર, બીટ, ટમેટા, કાકડી, જામફળ, બોર) કરાવેલ. નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા નિવૃત ફોરેસ્ટ ઓફીસર વી. ડી. બાલાના માર્ગદર્શન હેઠળ જૂદી જૂદી રમતો રમાડાય છે તેમાં લંગડી, ખોખો, નારગોલ, દોરડા કુદ, આંધળો પાટો, છૂટદડો, લીંબુ ચમચી, કોથળાદોડ, સંગીત ખુરશી, રેલ ગાડી, દોરડા ખેંચ, ધમાલીયો ધોકો, કબડી, કમાન્ડોબ્રીજ, સાંઢીયો-સાંઢીયો, ફુક મારી ફુગો ફોડવો, પૈડાફેરવવા, પૈડામાંથી પસાર થવું, લાંબી કુદ, ઉંચી કુદ, જુમખા, ત્રીપગી, દેડકાદોડ, વીંછી દોડ, ગીલ્લી -દડો, ટપલીદાવ, ભમરડા (ગરીયો), મીનીઠેકામણી, ફેર-કુદરડી, બીલ્લી પકડ, બેક રેસનનો સમાવેશ થાય છે. રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર અને મોરબીમાં આવી રમતોનો કાર્યક્રમો થઇ ચૂકયા છે. સૌરાષ્ટ્રમાં કોઇ સ્કુલો એ શેરી રમતો રમાડવી હોય તો, વી. ડી. બાલા પ્રમુખ નવરંગ નેચર કલબ-રાજકોટ, મો. ૯૪ર૭પ ૬૩૮૯૮ નો સંપર્ક કરી શકે છે.

(3:59 pm IST)