Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

નાકરાવાડી ડમ્પીંગ યાર્ડમાં પડેલા વર્ષો જૂના ૩ લાખ ટન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ૯ કરોડનું ટેન્ડર

સોખડા ખાતે વર્ષો જૂના કચરાના નિકાલની કાર્યવાહી શરૂ કરાવ્યા બાદ હવે નાકરાવાડી ખાતે પણ કચરાના નિકાલની કામગીરી હાથ ધરતા મ્યુ. કમિશ્નર પાનીઃ ૧૫ એકર જમીન ખૂલ્લી થશે

રાજકોટ, તા. ૨૨ :. શહેરની ભાગોળે આવેલ નાકરાવાડી ડમ્પીંગ યાર્ડમાં વર્ષોથી સડી રહેલા ૩ લાખ ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ ટેન્ડરો પ્રસિદ્ધ કરાવી આ અંગેની કાર્યવાહી શરૂ કરાવી છે.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી એકત્ર થતા ઘન કચરાને જયાં ઠાલવવામાં આવતો હતો તે સોખડા સાઈટ ખાતે આશરે ૨૦ વર્ષ જુના દ્યન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાવી પર્યાવરણની જાળવણી માટેની અત્યંત મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરાવનાર મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ સોખડા સાઈટ ખાતે દ્યન કચરાના નિકાલ અને વ્યવસ્થાપનની કામગીરીના પ્રથમ તબક્કાની કામગીરી સોખડા ગામ ખાતેની જુની ડમ્પ સાઈટ ખાતે આશરે ૨૦ વર્ષ જુના જમા પડેલ ૧,૨૪,૧૩૧ મેટ્રિક ટન દ્યન કચરાના નિકાલ માટે સાઈન્ટીફીક કેપીંગની કામગીરી પૂર્ણ થતા હવે નાકરાવાડી ડમ્પિંગ સાઈટની કામગીરી હાથ પર લીધી છે.

આ વિશે વાત કરતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, નાકરાવાડી લેન્ડફિલ સાઈટ ખાતે જુના જમા થયેલા કચરાના નિકાલ માટે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રોસેસીંગ અને બાયોમાઇનીંગ કરી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કામગીરી માટેનું ઈ-ટેન્ડર ગત સપ્તાહમાં જાહેર કરી દેવાયું છે. ટેન્ડર અનુસાર અંદાજીત ૯ કરોડ રૂપિયાનાં ખર્ચે આ કામગીરી માટે ઈ-ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આશરે ૩,૦૦,૦૦૦ મેટ્રિક ટન દ્યન કચરાનો સાઈન્ટીફીક પધ્ધતિએ નિકાલ કરવાનો થાય છે. જમીનની વિગતો જોઈએ તો નાકરાવાડી ડમ્પિંગ સાઈટ ખાતે દ્યન કચરાનો યોગ્ય ઢબે નિકાલ કરવાની આ કામગીરીથી આશરે ૧૫ એકર જમીન ખુલ્લી થશે તેમજ આજુબાજુની જમીન, પાણી અને વાતાવરણ પ્રદુષિત થતુ અટકશે.

(4:17 pm IST)