Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વોર્ડ નં. ૧૧માં અઠવાડીયામાં કોઝવેનું કામ ચાલુ ન થાય તો આંદોલન

મવડીનાં કાવેરી પાર્કમાં મોટર કાર તણાઇ જવાની ઘટનાથી રહેવાસીઓમાં રોષ

રાજકોટ, તા., ૨૨: ગઇકાલે થયેલા વરસાદ દરમિયાન શહેરનાં વોર્ડ નં. ૧૧ માં મવડી વિસ્તારમાં આવેલ કાવેરી પાર્કમાં પાણી ભરાવાથી કાર તણાઇ જવાની ઘટનાથી લતાવાસીઓમાં રોષ ભભુકયો છે અને અહી અઠવાડીયામાં કોઝ-વેનું કામ ચાલુ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ અંગેની વિગતો મુજબ વોર્ડ નં. ૧૧ માં મવડી વિસ્તારમાં જીવરાજ પાર્ક પાસે આવેલ કાવેરી પાર્કમાં ગઇકાલે વરસાદ દરમિયાન પાણીની નદી વહી હતી. જેમાં કાર ચાલક સહીત મોટર કાર તણાઇ હતી. લતાવાસીઓએ ફાયર બ્રીગેડના સહકારથી મોટરકાર અને ચાલાકને બચાવી લીધો હતો.

દરમિયાન આજે આ વોર્ડનાં કોર્પોરેટર પારૂલબેન ડેરની આગેવાની તળે લતાવાસીઓએ મ્યુ. કોર્પોરેશનનાં અધિકારીઓને રજુઆત કરી હતી કે આ વિસ્તારમાં કોઝ-વે બનાવવાની વર્ષો જુની માંગણી છે છતાં કામ થતુ નથી. ત્યારે હવે અઠવાડીયામાં કોઝ-વેનું કામ ચાલુ ન થાય તો આંદોલન કરશું તેવી ચિમકી ઉચ્ચારી છે.

(3:48 pm IST)